ગાંધીનગરઃ વર્ષ 2018માં ત્રણ વર્ષ પહેલા અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રખાયેલી વન વિભાગની વનરક્ષક વર્ગ-3ની ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વખતે પરીક્ષાનું આયોજન ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 334 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પહેલા સમગ્ર પ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ કરતું હતું પણ પેપર લીકની ઘટનાઓ બાદ ગુજરાત યુનિવર્સિટીને જવાબદારી સોંપવામાં આવી છે.
કોરોના વાયરસના કારણે અટકી ગયેલી ભરતી પ્રક્રિયાઓની યુવાનો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે વન વિભાગ હસ્તકની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં લેવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે.
ગઈકાલે વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા કહ્યું હતું કે, વન વિભાગમાં છેલ્લા 3થી 4 વર્ષથી અટકેલી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે. 2018માં 334 વન રક્ષકની ભરતી જાહેર થયા બાદ અટકી પડી હતી. પહેલા જેમણે અરજી કરી હતી તે ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાને લીધા વગર ભરતીમાં સામેલ કરાશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, વન રક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.