સરકારે મેડિકલના વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. વાસ્તવમાં ઘણા દિવસોથી દેશમાં મેડિકલ એજ્યુકેશનની ફી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી. થોડા દિવસો પહેલા એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ફી ઘટાડવાનું પગલું ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે.
જન ઔષધિ દિવસને સંબોધિત કરી રહ્યા હતા પીએમ
PM મોદી સોમવારે જન ઔષધિ દિવસ પર સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ દરમિયાન આ માહિતી આપી અને કહ્યું- થોડા દિવસો પહેલા જ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જેનો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને થશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે.
દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ
પીએમ મોદીએ કહ્યું કે, ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર સ્વાસ્થ્ય માળખાને સતત મજબૂત બનાવી રહી છે. આઝાદીના આટલા દાયકાઓ પછી પણ દેશમાં માત્ર એક જ એઈમ્સ હતી, પરંતુ આજે દેશમાં 22 એઈમ્સ છે. સરકારનું લક્ષ્ય દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવાનું છે.
જન ઔષધિ કેન્દ્રની પ્રશંસા
પોતાના સંબોધનમાં જન ઔષધિ કેન્દ્રની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, દવાનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં આવ્યા બાદ લોકોના મનમાં એવી આશંકા હતી કે, ખબર નથી કે દવા ખરીદવામાં કેટલા રૂપિયા ખર્ચાશે, તે ચિંતા હવે દૂર થઈ ગઈ છે.
કુલ 13 હજાર કરોડ રૂપિયાની બચત
પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં 8,500થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા છે. આ વર્ષે જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લગભગ રૂ.5,000 કરોડની બચત થઈ છે. આ નાણાકીય વર્ષમાં જન ઔષધિ કેન્દ્રો દ્વારા 800 કરોડ રૂપિયાથી વધુની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લોકોને કુલ 13,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.