બરવાળા લઠ્ઠાકાંડ મામલે હવે મોટા એક્શન લેવાઈ રહયા છે. હવે નશાબંદી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. મિથેનોલ રાખવા બાદલ કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
બીજી તરફ જાણવા મળ્યું છે કે લઠ્ઠાકાંડમાં કેમિકલના સપ્લાય મામલે પૂછપરછ માટે AMOS એન્ટરપ્રાઈઝના ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર સમીર પટેલને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોંધનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે AMOS કંપનીને 2 દિવસ પહેલા પણ સમન્સ પાઠવ્યા હતા પણ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેથી કંપનીના સંચાલકોને વધુ એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. સાથે જ કંપનીના ચાર સંચાલકો પંકજ પટેલ, સમીર પટેલ, રજત ચોક્સી અને ચંદુ પટેલ દેશની બહાર ન જાય એ માટે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રિન્કુએ કોર્ટમાં કબૂલાત કરી કે, તેણે કેમિકલ ચોરીને બહાર વેચ્યું હતું. માહિતી અનુસાર, જયેશે AMOS કોર્પોરેશન નામની કેમિકલ કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું હતું. સાથે જ જયેશ સિનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢવાનું કામ પણ સંભાળતો હતો.
જયેશે છેલ્લા 4 મહિનામાં ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કાઢી લીધું હતું. આ પછી તેણે આ કેમિકલ પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષામાં દિનેશ નામના વ્યકિત સાથે મોકલ્યું હતું. લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓના CRPC કલમ 164 મુજબ નિવેદન નોંધવાની પ્રકિયા શરૂ થઈ છે. સોમવારે 17 આરોપીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
અમદાવાદના ઇન્ચાર્જ કમિશનર અજયકુમાર ચૌધરીએ સોમવારે શહેરના તમામ પીઆઈથી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં તેમણે કહ્યું હતું કે તેમણે અમદાવાદમાં દારૂ નથી જોઈતો. તેમણે તમામ અધિકારીઓને દારૂ અને ડ્રગ્સના કારોબાદ બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી.