પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. આ હાઈપ્રોફાઈલ સીટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના પ્રિયંકા ટીબરેવાલ વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યારે સીપીઆઈ(એમ) તરફથી શ્રીજિબ વિશ્વાસ મેદાનમાં છે. મતદાન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 3 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જણાવી દઈએ કે, ભવાનીપુર ઉપરાંત જાંગીપુર, સમસેરગંજ વિધાનસભા બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે.
ઓરિસ્સાના પુરીમાં પીપલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ
ઓડિશાના પુરીમાં પીપલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પુરીના પોલીસ અધિક્ષક કંવર વિશાલ સિંહે જણાવ્યું કે, સંવેદનશીલ સ્થળો પર બીએસએફને તૈનાત કરવામાં આવી છે. 32 મોબાઇલ પાર્ટી આજુબાજુ ફરી રહી છે. સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાશે.
બૂથ પર કબજો કરવા માંગે છે ટીએમસીઃ ભાજપ
ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટીબરેવાલ કહ્યું કે, ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ જાણીજોઈને વોર્ડ નંબર 72માં વોટિંગ મશીન બંધ કરી દીધું છે કારણ કે તેઓ બૂથ પર કબજો કરવા માંગે છે.
મતદાન વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા
મતદાન મથકની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. જ્યારે મતદાનને ધ્યાનમાં રાખીને 13 QRT ટીમ, 22 સેક્ટર મોબાઈલ, 9 HRFS, સર્વેલન્સ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ સહિત જુદી જુદી ટીમો તૈનાત કરવામાં આવી છે.