તાજેતરમાં રાજ્યના બરવાળા અને ધંધુકા તાલુકાઓમાં થયેલ લઠ્ઠાકાંડને લઇને 40થી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ ઘટનાને લઇને ભરૂચ જીલ્લામાં પોલીસે બુટલેગરો પ્રત્યે લાલ આંખ કરી છે.ભરૂચના ઝઘડિયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ દધેડા ગામેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુળ આંધ્રપ્રદેશનો અને હાલ દધેડા ગામે રહેતો પુટ્ટા સૈયદુલુ પુટ્ટા વેન્કટયાને નુકશાનકારક તાડી બનાવતો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઇસમ રુમમાં ગેરકાયદેસર રીતે તાડી બનાવવાના પદાર્થ જેવા કે સેકરીન ,સાઇટ્રીક એસિડ, મોનોહાઇટ્રેટ ચુનો સફેદ પાવડર લીંબુફુલ તેમજ અન્ય એક પીળો પદાર્થ, પાણી મિશ્રણ કરીને પીવાની નુકશાનકારક તાડી બનાવતો ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે સ્થળ પરથી રૂ.1 લાખથી વધુના મદ્દમાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં કામ કરતા ઘણા બહારના ઇસમો જીઆઇડીસી વિસ્તારના કેટલાક ગામોએ મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. ત્યારે મકાન માલિકો રાજ્ય બહારના ઇસમોને મકાનો ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવે છે કેમ ? એ પણ એક સવાલ ઉભો થાય છે.
રિપોર્ટ : કાદર ખત્રી, ભરૂચ