બાડમેરમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે. મૃતકો એક જ પરિવારના છે. તમામ લોકો જાન લઈને લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત ગુડામલાણી પોલીસ સ્ટેશનના બાટા ફાંટાની પાસે સર્જાયો હતો. જાલોરના સેદિયામાં રહેતો એક પરિવાર બાડમેર જિલ્લાના કાંધીની ઢાણી ગુડામલાણી જઈ રહ્યો હતો. કારમાં પરિવારના 9 લોકો સવાર હતા. આ દરમિયાન ગુડામલાણી હાઈવે પર બાટા ફાંટાની પાસે કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ. જેમાં ઘટના સ્થળે જ 6 લોકોના મૃત્યુ નીપજ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. તો ટ્રક પણ આગળ જઈને રોડ પર પલટી મારી ગઈ હતી. અન્ય વાહનોમાં સવાર જાનૈયાઓએ ભારે જહેમત બાદ લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.
અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તની સાંચોર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.