Bank Holidays: જો તમે જૂનના છેલ્લા અઠવાડિયામાં બેંક સંબંધિત કોઈ પણ કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તો આ સમાચાર તમારા માટે છે. જી હાં, જૂનના છેલ્લા અઠવાડિયામાં બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેવાની છે. જો તમે અત્યારે પ્લાનિંગ નહીં કરો તો તમને મુશ્કેલી આવી શકે છે. હકીકતમાં, જાહેર ક્ષેત્રની બેંક કર્મચારીઓએ 27 જૂન (સોમવાર)ના રોજ હડતાળ પર જવાની ચેતવણી આપી છે.
27 જૂને હડતાળ પર જવાની જાહેરાત
કર્મચારી સંગઠનો વતી માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, તેમની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં 5 કામકાજના દિવસો અને પેન્શન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. જો બેંક કર્મચારીઓ 27મી જૂને હડતાળ પર જશે તો 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવાર હોવાને કારણે બેંકની રજા હોવાથી સતત ત્રણ દિવસ બેંકમાં કામકાજ નહીં થાય. બેંક કર્મચારીઓએ સોમવારે ત્રીજા દિવસે હડતાળ પર જવાની ચેતવણી આપી છે.
9 બેંક યુનિયનનો હડતાળનો નિર્ણય
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW) સહિત નવ બેંક યુનિયનોની સંયુક્ત સંસ્થાએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો. બેંકના કામકાજને અસર થવાના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હડતાળમાં સામેલ થશે 7 લાખ કર્મચારીઓ
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે UFBUની બેઠક બાદ જણાવ્યું કે, તેમની માંગણીઓમાં તમામ પેન્શનરો માટે પેન્શન સ્કીમમાં સુધારો અને નેશનલ પેન્શન સ્કીમ (NPS)ને ખતમ કરવા અને તમામ બેંક કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે, દેશભરના લગભગ 7 લાખ કર્મચારીઓ હડતાળમાં સામેલ થશે.