એકબાજુ મોદી સરકાર જાહેર ક્ષેત્રની તમામ બેંકોનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે તો બીજીબાજુ સરકારી બેંકોના 9 લાખ કર્મચારીઓ સરકારના આ નિર્ણય વિરૂદ્ધ ઉભા છે.
કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં 16 અને 17 ડિસેમ્બર એટલે કે આજે અને આવતીકાલે દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. જેમાં ગુજરાતમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેવાની છે, જેના કારણે આર્થિક લેવડ-દેવડમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કરોડો રૂપિયાનું ક્લિયરન્સ અટકી જશે.
મળતી માહિતી મુજબ, દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર રહેશે. જેના કારણે બેંક ખાતાધારકો બે દિવસમાં બેંક સંબંધિત કોઈ કામકાજ માટે નહીં જઈ શકે. બેંક સંબંધિત તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ હવે 18 ડિસેમ્બર શનિવારના રોજ જ થઈ શકશે.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામેની આ હડતાળ અંગે UFBUના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં આવો કાયદો લઈને આવી રહી છે જેનાથી કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ સરળતાથી થઈ શકશે. અધિકારીએ કહ્યું કે બેંકોના ખાનગીકરણને કારણે બેંક કર્મચારીઓને સૌથી વધુ નુકસાન થશે. આ જ કારણ છે કે સરકારના આ નિર્ણયના વિરોધમાં બેંક યુનિયનો ગુરુવાર અને શુક્રવારે હડતાળ પર રહેશે.
મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA)ના જણાવ્યા અનુસાર, લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે.