ડીસા તાલુકાના ધનાવાડા ગામની સગીર વયની યુવતીને થેરવાડા ગામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ડીસા તાલુકા પોલીસમાં નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધનાવાડા ગામે રહેતા ડોમરાજી સેધાજી ઠાકોર તેમના બે સંતાનો સાથે રહી ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ તારીખ 20 જૂન ના રોજ રાત્રે પરિવાર સાથે સુતા હતા બાદમાં સવારે ઊઠીને જોતા તેમની 17 વર્ષની દીકરી પથારીમાં ન જણાતા તેમણે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમના સાળાના દીકરાએ જણાવ્યું હતું કે ગઈ મોડી રાત્રે થેરવાડા ગામના શખ્સો જગદીશ નારણભાઇ ઠાકોર, કિરણ ભુરાભાઈ ઠાકોર, પ્રભુભઈ રૂપાભાઈ પટેલ અને પોપટભાઈ રામજીભાઈ માજીરાણા સફેદ કલરની ગાડી લઈને મંદિર આગળ ઉભા હતા. તેમની સાથે એક યુવતી મોઢું બાંધેલી હતી.
આ માહિતી મળતા તેઓએ થેરવાડા ગામે જઈ તપાસ કરતા કિરણ ઠાકોર મળી આવેલ હતો. તેમ જ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તમારી દીકરીને જગદીશ ઠાકોર લગ્ન કરવા ભગાડીને લઈ ગયેલ છે અને અમે તેને પાલનપુર રેલવે સ્ટેશનને મૂકીને આવેલા છે. આથી તેમની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની જાણ થતાં તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.