છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો ઠેર ઠેર દિવાલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો આજે ભાભર તાલુકા તનવાડ ગામે એક મકાન ધરાશાયી થયું હોવાની માહિતી મળી રહી છે.
વીસ દિવસથી વરસાદી માહોલ અને ભાભર તાલુકામાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ભાભર તાલુકાના તનવાડ ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જેના પગલે ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદને કારણે મકાન ધરાશયી થતાં મોટું નુક્સાન થવા પામ્યું હતું. વરસાદને કારણે તનવાડ ગામે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાતા તનવાડથી સણવા જવાના ૩ કિ.મીના રસ્તામાં પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત ગામલોકોને અવરજવર કરવામાં મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ નિરાકરણ આવેલ ન હોવાથી સત્વરે રસ્તાનું કામ હાથ ધરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : કાન્તુભા રાઠોડ, ભાભર