ભાભરની પોસ્ટ ઓફિસની હાલત ઘણી ખરાબ જોવા મળી રહી છે. ભાભરની પોસ્ટ ઓફિસ છેલ્લા બે ત્રણ વર્ષથી પોસ્ટનું મકાન જર્જરિત હાલતમાં છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રાહકો તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કામગીરીમાં હોય ત્યારે ધણી વખત ધાબાની છતના પોપડા પડે છે. કર્મચારીઓ જીવના જોખમે આવી છત નીચે કામગીરી કરવા મજબૂર છે. ગત તારીખ ગઈ કાલે અષાઢી બીજની સાંજથી સવાર સુધી ભાભરમાં બે ઈંચ વરસાદ પડતાં ભાભરની પોસ્ટ ઓફિસમાં ધાબાની છત પરથી વરસાદી પાણી ટપકી રહ્યાં છે જેથી પોસ્ટનું રેકોર્ડ ન પલળી જાય તે માટે કર્મચારીઓ દ્વારા ધાબાની છતને પ્લાસ્ટિક મેણીયા બાંધવામાં આવ્યાં છે. છત પર લગાવેલા કેટલાક પંખા બંધ હાલતમાં હોવાથી કાળઝાળ ગરમીમાં કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઇ જાય છે.પોસ્ટમા જનરેટર મશીન છે તે પણ ધણા સમયથી બંધ હાલતમાં છે. જ્યારે ઓફિસના આગળના ભાગે પાણી ભરાઈ જતાં ગ્રાહકો, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.
આજે સવારે પોસ્ટના કર્મચારીનો પાણીમાં પગ લપસતા પડી ગયેલ સદનસીબે કોઇ ઈજાઓ થઈ નહોતી. પોસ્ટ ઓફિસનો મુખ્ય દરવાજો તુટેલી હાલતમાં છે. ડીજીટલ યુગમાં કર્મચારીઓને પેશાબ કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે. જ્યાં પારાવાર ગંદકી હોવાથી પોસ્ટ ઓફિસમાં દુર્ગંધ આવે છે પોસ્ટ ઓફિસના ઉપરી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં છતાં પરિણામ શૂન્ય છે. આમ ડીજીટલ યુગમાં પણ ભાભરની પોસ્ટ ઓફિસની હાલત કફોડી જોવા મળી રહી છે. સરકાર વિકાસની વાતો અને ડીજીટલ ઈન્ડિયાની વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે.