બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે બનાસકાંઠાના થરાદ-ધાનેરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે.
થરાદ ધાનેરા હાઈવે પર કાર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ગોઝારા અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે સર્જાયેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો અને એમ્બુલન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અકસ્માતમાં મૃત્યુને ભેટેલા લોકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે, જ્યારે ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક સાથે પાંચ લોકોના મૃત્યુ થતા ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.