બનાસકાંઠા: બનાસકાંઠા સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણના તહેવાર પહેલા જ રાજ્યમાં દૈનિક કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે.
તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાની સબ જેલમાં પણ હવે કોરોનાની એન્ટ્રી થતાં ખળભળાટ મચ્યો છે. ડીસા સબ જેલના 15 કેદીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં હોવાની માહિતી સામે આવી છે જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં દિનપ્રતિદિન સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
જેમાં આજે ગુરૂવારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંક 136 પર પહોંચ્યો છે. જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈ ડીસા સબ જેલમાં 23 જેટલા કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જેમાં 15 જેવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં હડકંપ મચી જવા પામી છે. ગતરોજ કેદીઓનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જેલના 15 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એકસાથે મોટી સંખ્યામાં કેદીઓ કોરોના સંક્રમિત મળી આવતા જેલના અન્ય કેદીઓ અને જેલ સ્ટાફના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.