ડીસા શહેરમાં આવેલી હિમાલય સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રોડ ન બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ચારે બાજુ ગંદકી ફેલાઈ ગઈ છે જેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા ના પગલે આજે આ વિસ્તારના સ્થાનિક લોકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ પ્રથમ વરસાદમાં જ ડીસા શહેરના અનેક વિસ્તારોમાં રોડ ધોવાઈ જતા ડીસા નગરપાલિકાનો વિકાસ સામે આવી ગયો છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેર નગરપાલિકા દ્વારા ડીસા શહેરના વિકાસ માટે અનેક વિસ્તારોમાં રોડ પાણી ગટર અને લાઈટની સુવિધા પૂરી પાડવામાં આવી છે. પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ જ પ્રકારે વિકાસ કરવામાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા શહેરના હિમાલય સોસાયટીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 20 વર્ષથી ડીસાની હિમાલય સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ વિસ્તારમાં સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રોડ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે ૨૦ વર્ષથી લોકો ચોમાસાની અંદર રસ્તા વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તાજેતરમાં જ ડીસા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની હતી. રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો પોતાના બાળકોને પણ શાળાએ મુક્તા ડરી રહ્યા છે તો બીજી તરફ આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અનેક મહિલાઓ પાણીમાં પડવાથી ઇજાગ્રસ્ત થઈ છે. ત્યારે આજે આ તમામ સ્થાનિક લોકો એકત્ર થઈ નગરપાલિકાનો વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા હિમાલય સોસાયટીમાં પાકો રોડ બનાવવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ જ પ્રકારે રોડ બનાવવામાં આવ્યો નથી જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.
એક તરફ ડીસા શહેરનો વિકાસ હરોળ ભરી રહ્યો છે તો બીજી તરફ ડીસાની અનેક સોસાયટીઓ છે કે જ્યાં રસ્તાઓનું કામ ન થતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સોસાયટીના સ્થાનિક લોકોએ નગરપાલિકાનો વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે દરેક કોર્પોરેટરો પોતાના વિસ્તારનો વિકાસ થશે તેવું કહી વોટ લઈ જતા હોય છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એક પણ કોર્પોરેટર સ્થાનિક લોકોનું સાંભળવા તૈયાર નથી.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા