ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂનો બેફામ વેપલો થઈ રહ્યો છે. બોટાદ હત્યાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના રાણપુર નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ ડીસા તાલુકા પોલીસે રાણપુર રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપી લઇ દારૂની બોટલો, બિયરના ટીન, રીક્ષા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 91,900 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.
ડીસા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે રાણપુર રોડ તરફથી વિદેશી દારૂ ભરીને એક રીક્ષા આવી રહી છે. જેથી તાલુકા પોલીસ સ્ટાફની ટીમે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષા આવતા તેને રોકાવતા રિક્ષામાં બે શખ્સો બેઠેલા હતા. જ્યારે પાછળના ભાગે વિદેશી દારૂ ભરેલો જણાતા પોલીસે રિક્ષા જપ્ત કરી હતી. પોલીસે કુલ રૂપિયા 41,200 ની કિંમતની 228 બોટલ દારૂ અને બિયરના ટીન જપ્ત કરી રિયાઝ ઈબ્રાહીમભાઇ શેખ (રહે.ગવાડી,ડીસા) અને રાકેશ શંકરલાલ જૈન ( રહે. નેમીનાથ સોસાયટી,ડીસા. મૂળ રહે. ચોહટન તા. બાડમેર,રાજસ્થાન )વાળાની ધરપકડ કરી બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પોલીસે દારૂની બોટલો, બિયરઆ ટીન અને રૂપિયા 50,000 ની કિંમત ની રીક્ષા તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 91900 નો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા