આસામના નગાંવ જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં ગુસ્સે ભરાયેલા ટોળાએ બટાદ્રાવા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ પછી પ્રશાસને હિંસામાં સામેલ 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દીધા. જોકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે અતિક્રમણ વિરોધી અભિયાનના ભાગરૂપે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
નગાંવ જિલ્લા પ્રશાસને પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ આ ઘટનામાં સામેલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પછી રવિવારે હિંસામાં સામેલ લોકોના ઘરો તોડી પાડવામાં આવ્યા.
આસામના સ્પેશિયલ DGP જીપી સિંહે જણાવ્યું કે, હિંસામાં 40 લોકો સામેલ હતા જેમાંથી 21 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેનો અર્થ એ નથી કે હિંસા કરીને પોલીસ સ્ટેશનને આગ લગાડવી.
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસે નગાંવ જિલ્લામાં એક માછલીના વેપારીની અટકાયત કરી હતી. તેની પાસે 10,000 રૂપિયાની લાંચ માંગી હતી. પરિવાર દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે તેને કસ્ટડીમાં ટોર્ચર કર્યો, જેના કારણે તેનું મૃત્યું થયું.
પરિવારજનોએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે પોલીસે શુક્રવારે કોઈ કારણ વિના તેને કસ્ટડીમાં લીધો હતો. શનિવારે જ્યારે પરિવારજનો તેમની તબિયત જોવા ગયા તો તેમને કહેવામાં આવ્યું કે તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં જતા તેમને તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.