રાજપીપળા જિલ્લા જેલમાંથી ફરાર થયેલો અને નાસતો ફરતો કાચા કામનો કેદી વડોદરાથી ઝડપાયો છે. નર્મદા એલીસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો છે. છેલ્લા એક વર્ષથી રાજપીપળા જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને વડોદરા ખાતેથી નર્મદા એલ.સી.બીની ટીમે ઝડપી પાડ્યો છે.
નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા અને જેલ ફરારી આરોપીઓ શોધી કાઢવા માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને જરૂરી સૂચના આપી હતી. જે બાદ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમે પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા અને જેલ ફરારી આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.
આ દરમિયાન નર્મદા એલ.સી.બીને રાજપીપળા જેલનો વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કાચા કામનો કેદી દિવ્યાંગ ઉર્ફે ચંદુ મહેન્દ્રપ્રસાદ જોષી (રહે. એ-1, શરણમ રેસીડન્સી, કોયલી- સીંધરોટ રોડ, વડોદરા) વડોદરામાં હોવાની બાતમી મળતા ટીમ તાત્કાલિક વડોદરા દોડી આવી હતી અને છેલ્લા એક વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર કાચાકામના કેદીને ઝડપી લીધો હતો. હાલ આ કેદીને કેવડિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની જરુરી કાર્યવાહી કરવામાં આવી છે.