મુંબઇ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 6 આતંકવાદીઓની ધરપકડ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હલચલ તેજ થઇ ગઈ છે અને રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આજે મહત્વની બેઠક બોલાવી છે. મુંબઈના પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના ડીજીપી અને મહારાષ્ટ્ર એટીએસ ચીફ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આતંકવાદીઓ પર દિલ્હી પોલીસના ખુલાસા અને મુંબઈની સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. યુપીના ડીજીપી મુકુલ ગોયલે પ્રયાગરાજમાં એક બેઠક યોજી હતી અને સુરક્ષા વ્યવસ્થા અંગે સૂચના આપી હતી.
દિલ્હી પોલીસે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે પાકિસ્તાનના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેનાર બે આતંકવાદીઓ સહિત કુલ છની ધરપકડ કરી છે.
સાથે જ પોલીસે આ દરમિયાન તેમની પાસેથી હથિયારોનો જથ્થો પણ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ, દિલ્હીમાં પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે, સ્પેશિયલ સેલે 2 પાકિસ્તાની નાગરિકો સહિત 6ની ધરપકડ કરી છે.
Delhi Police Special Cell has busted a Pak-organised terror module, arrested 6 people including two terrorists who received training in Pakistan pic.twitter.com/ShadqybnKU
— ANI (@ANI) September 14, 2021
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહે જણાવ્યું કે, સૌથી પહેલા એક આતંકીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરાઇ હતી, જેની પૂછપરછ બાદ યુપીમાંથી ત્રણ અને દિલ્હીમાંથી બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે પુરા ઘટનાક્રમમાં કુલ છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓના નિશાના પર નવરાત્રીની ઉજવણી દરમિયાન એકઠી થતી ભીડ હતી. ધરપકડ કરાયેલા પૈકી બે આતંકીઓને 15 દિવસની તાલીમ માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ આતંકીઓ ફ્લાઇટથી મસ્કટ પહોંચ્યા અને બાદમાં બોટની મદદથી પાકિસ્તાન ગયા હતા. ટ્રેનિંગ બાદ તેમને પાકિસ્તાનથી ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આતંકીઓના નામ જીશાન, જાન મોહમ્મદ અલી, મોહમ્મદ અબૂ બકર, ઓસામા, મોહમ્મદ આમીર જાવેદ અને મૂલચંદ ઉર્ફ લાલા છે.