દેશમાં સેનાની ભરતીમાં વિલંબને કારણે યુવાનોમાં ભારે રોષ છે. યુવાનોના જૂથો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. આ સાથે જ સરકાર યુવાનોને હવે સારા સમાચાર આપવા જઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનામાં યુવાનોને સામેલ કરવા માટે નવી અગ્નિપથ ભરતી યોજનાને ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
સરકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, અગ્નિપથ ભરતી યોજનાની અંતિમ રૂપરેખા પર ચર્ચા કરવા માટે શનિવારે ટોચના સરકારી અધિકારીઓ અને ટોચના લશ્કરી નેતાઓ સહિત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે, જે હેઠળ ત્રણ રક્ષા સેવાઓમાં સૈનિકોની ભરતી ચાર વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ભરતી મામલે સૈન્ય બાબતોના વિભાગ દ્વારા યોજના બનાવવામાં આવી છે, વર્તમાનમાં અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીની આગેવાની હેઠળ બેઠકમાં આ યોજનાને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવનાર છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનોને તેમની ત્રણ વર્ષની સેવા દરમિયાન ‘અગ્નવીર’ કહેવામાં આવશે. આ કાર્યકાળ પછી સંરક્ષણ દળો પાસે કેટલાક અગ્નિવીરોને સેવામાં જાળવી રાખવાનો વિકલ્પ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જો પ્રોજેક્ટ યોજના મુજબ ચાલે છે, તો આગામી ત્રણથી ચાર મહિનાઓમાં અગ્નિવીરોની પ્રથમ બેચ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે. દળો પાસે ચોક્કસ કાર્યો માટે નિષ્ણાતોની ભરતી કરવાનો વિકલ્પ પણ હશે જેઓ ઇચ્છિત ભૂમિકા ભજવશે.
છેલ્લા બે વર્ષથી વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકી નથી. પરંતુ હવે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.