Army Dogs: સેનામાં ડોગ્સની મહત્વની ભૂમિકા હોય છે. શું તમે જાણો છો કે આર્મી ડોગ્સની ભરતી કેવી રીતે કરવામાં આવે છે, તેમને ક્યાં તાલીમ આપવામાં આવે છે, સર્વિસ કેટલા વર્ષની હોય છે, તેમની ડ્યુટી શું હોય છે. જો તમે નથી જાણતા તો આજે અમે તમને અહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. ભારતીય સેનાના ડોગ્સ યુનિટ્સમાં વિવિધ પ્રકારના શ્વાન(ડોગ) હોય છે. તેમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ્સ, બેલ્જિયન માલિન્સ અને ગ્રેટ માઉન્ટેન સ્વિસ ડોગ્સનો સમાવેશ થાય છે. 2019માં સંસદમાં આપેલા નિવેદનમાં સંરક્ષણ રાજ્ય મંત્રીએ ખુલાસો કર્યો હતો કે, સેના પાસે 25 ફુલ ડોગ યુનિટ અને બે અડધા (હાફ) યુનિટ છે. સંપૂર્ણ ડોગ યુનિટમાં 24 ડોગ્સ હોય છે અને અડધા યુનિટમાં 12 ડોગ્સ હોય છે.
આર્મી ડોગ્સ વિવિધ પ્રકારની ફરજો બજાવે છે અને તેમાં ગાર્ડ ડ્યુટી, પેટ્રોલિંગ, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) સહિત વિસ્ફોટકોને સુંઘવા, માઈનને શોધવી, ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓને સુંઘવી, સંભવિત લક્ષ્યો પર હુમલો કરવો, છુપાઇલા ભાગેડુ અને આતંકવાદીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશનમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.
દરેકની સાથે હોય છે હેન્ડલર
સૈન્યમાં દરેક ડોગની પાસે એક ડોગ હેન્ડલર હોય છે, જે તેની સંભાળ રાખવાની સાથે-સાથે તેને(ડોગને) વિવિધ માધ્યમો દ્વારા ગાઈડ પણ કરે છે.
અહીં આવેલી છે ટ્રેનિંગ સ્કૂલ
આર્મી ડોગ્સને મેરઠમાં રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર સેન્ટર એન્ડ સ્કૂલમાં તાલીમ આપવામાં આવે છે. 1960માં અહીં એક ડોગ ટ્રેનિંગ સ્કૂલ ખોલવામાં આવી હતી. શ્વાનની જાતિ અને યોગ્યતાના આધારે તેમને સામેલ કરવામાં આવે તે પહેલાં અલગ અલગ સ્કિલ ટેસ્ટ કરવામાં આવે આવે છે.
ડોગ્સનો પગાર
શ્વાન(ડોગ્સ)ને સેનામાં રેન્ક મળે છે, પણ પગાર આપવામાં આવતો નથી. ડોગ્સને માત્ર ખોરાક આપવામાં આવે છે, જેની જવાબદારી ડોગ હેન્ડલરની હોય છે. ડોગ હેન્ડલર્સ આર્મીમાં સારા પગારમાં કામ કરે છે.