- slider news, વાત સરકારની

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર! સૌની યોજના હેઠળ 25 જળાશયો, 120 તળાવો અને 400થી વધુ ચેકડેમ ભરાશે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘સૌની’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ થી વધુ ચેકડેમમાં ૪ હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે.

મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી CMO સચિવ અશ્વિનીકુમારે આપી હતી. અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ આ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે ૪૦૦૦ મિલિયન ઘન ફુટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન કરીને નખાશે.

આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે. મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના ઉંડ-૧ જળાશય સુધીની લિંક-૧ની પૂર્ણ થયેલ કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ ૨૧મી મે ૨૦૨૦થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં ‘સૌની’ યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા આ તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે.

અશ્વિનીકુમારે ઉમેર્યું કે આ જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌની યોજના અંતર્ગત તબક્કા-૧ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો-ર પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.

0Shares