- slider news, Trending News, ઈકોનોમી

વધુ એક ડીલ: અમેરિકી કંપની KKRએ JIOમાં કર્યું 11,367 કરોડનું રોકાણ

પ્રાઈવેટ ઇક્વિટી કંપની કેકેઆરએ જિઓ પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરી 2.32 ટકા હિસ્સો ખરીદ્યો છે. છેલ્લા બે મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) એ જિઓ માટે પાંચમો સોદો કર્યો છે.

કેકેઆર પહેલા ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી અને જનરલ એટલાન્ટિકે જિઓ પ્લેટફોર્મ પર ભાગીદારી કરી હતી. અગાઉ, ઇટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કેકેઆર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ આર્મમાં આગામી રોકાણકાર હોઈ શકે છે.

આ સમાચારોને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શુક્રવારે સવારે 1 ટકા વધીને 1,454.50 રૂપિયા પર ખુલ્યો હતો, જ્યારે બીએસઈ સેન્સેક્સ 176 પોઇન્ટ અથવા 0.57 ટકા 30,757 પર ટ્રેડ કરી રહ્યો હતો.

રિલાયન્સે શુક્રવારે જણાવ્યું હતું કે, “આ સોદામાં જિઓ પ્લેટફોર્મની કિંમત 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝની કિંમત 5.16 લાખ કરોડ આંકી છે. આ કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે અને હવે તેઓની પાસે જિઓ પ્લેટફોર્મની 2.32 ટકા ભાગીદારી છે.”

આ પાંચ સોદાથી જિયો પ્લેટફોર્મને 78,562 કરોડ રૂપિયા મળ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ યુનિટમાં કંપનીના ટેલિકોમ યુનિટ, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ પણ શામેલ છે, જેમાં દેશભરમાં 38.8 કરોડ ગ્રાહક છે. જિઓ પ્લેટફોર્મ પર જિયો સિનેમા, હેપ્ટિક અને જિઓ સાવન પણ જોડાયેલા છે.

આ સોદા માટે નિયમનકારી મંજૂરી બાકી છે. જનરલ એટલાન્ટિક કંપનીએ 6,598 કરોડ રૂપિયામાં જિયોની 1.34 ટકા ભાગીદારી ખરીદી હતી. અગાઉ વિક્ટા ઇક્વિટીએ રૂ. 11.367 કરોડમાં 2.32 ટકા, સિલ્વર લેક 5.656 કરોડ રૂપિયામાં 1.15 ટકા અને ફેસબુકે 5.7 અબજ ડોલરમાં 9.99 ટકા ભાગીદારી ખરીદી હતી.

0Shares