- slider news, રાષ્ટ્રીય સમાચાર

સોનિયા ગાંધી આજે વિરોધી પક્ષો સાથે કરશે ચર્ચા, મોદી સરકારને ઘેરવા બનાવશે રણનીતિ!

કોરોના સંકટથી સર્જાયેલા સંજોગો પર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ નેતાઓ એકઠા થઈ રહ્યાં છે. દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે સમાન વિચારધારાના વિરોધી પક્ષોની બેઠક બોલાવી છે. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી રાજકીય પક્ષોની બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સપા અને બસપાની સામેલ થવા પર શંકા છે, તો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આ બેઠકમાં ભાગ લેશે નહીં.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમ કે સ્ટાલિન અને રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના પ્રમુખ અજિતસિંહ જોડાશે. આ સિવાય જનતા દળ (સેક્યુલર)થી એચડી દેવગૌડા અને નેશનલ કન્ફરન્સથી ફારૂક અબ્દુલ્લા અથવા ઓમર અબ્દુલ્લા જોડાઈ શકે છે.

આ બેઠકમાં આરજેડી વતી બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, આરએલએસપી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન અવામ મોરચાના પ્રમુખ જીતનરામ માંઝી પણ ભાગ લેશે.

જણાવી દઈએ કે, મમતા બેનર્જી પીએમ મોદી સાથે બંગાળના તોફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે. તેથી મમતા બેનર્જી થોડા સમય પછી આ બેઠકમાં ભાગ લેશે, પરંતુ તે પહેલા ટીએમસી તરફથી ડેરેક ઓ બ્રાયન ભાગ લેશે.

જો કે આ બેઠકમાં આમ આદમી પાર્ટીમાંથી કોઈ પણ સામેલ નહીં થાય. આપના સુત્રોના જણાવ્યા અનુસાર તેમને આ બેઠક માટેનું આમંત્રણ મળ્યું નથી. તે જ સમયે, ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ વિરોધી પક્ષની બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય લીધો નથી.

0Shares