- વાત સરકારની

સરકારી દિશાનિર્દેશોમાં સમયાંતરે આવશ્યકતા જણાતા સુધારા કરવામાં આવશેઃ મહેસુલ મંત્રી

તા-20-05-2020 મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર અભિયાન સાથે લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેબિનેટ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી કેબિનેટ મિટિંગ વિશે જણાવતા મંત્રી કૌશિક પટેલે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન 4.0 અમલી બન્યુ છે ત્યારે તમામ નાગરિકો સરકારી દિશાનિર્દેશોનું પાલન કરી સરકારને મદદરૂપ બને તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

તેઓએ જનતાને અપિલ કરતા કહ્યું કે, ધંધા રોજગાર માટે જ્યારે છુટ આપવામાં આવી છે ત્યારે, નાગરિકો સરકારી દિશાનિર્દેશોનું પાલન કરીને લોકડાઉન 4.0માં કાર્યરત બને.

મંત્રી કૌશિક પટેલે અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના 66% કોરોના કેસ અમદાવાદમાં થઈ જવા પામ્યા છે. ત્યારે અમદાવાદમાં જે ઝોન નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે દરેક અમદાવાદી સરકારી દિશાનિર્દેશોનું પાલન કરે. મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સમગ્ર રાજ્યના કોરોના વોરિયર્સ પત્ની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

મંત્રીએ કન્ટેઇનમેન્ટ અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોન વિશે કહ્યું કે, રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જ ઝોન નક્કી કરવામાં આવે છે. સમયાંતરે આ ઝોન વિસ્તારમાં પરિવર્તન પણ કરવામાં આવશે.

બેઠક પૂર્ણ થયા બાદ અમદાવાદના નારણપુરા વિસ્તારની વિજયનગર સ્કૂલ તરફથી મંત્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠક દરમિયાન જિલ્લા કલેકટર કે.કે. નિરાલા તથા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા.

0Shares