- વાત સરકારની

કોરોનાગ્રસ્ત દર્દીના ઉપચાર માટે અસરકાર નીવડી રહી છે આયુર્વેદિક દવાઓ

તા-20-05-2020 અમદાવાદની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને દિવસમાં બે સમય આયુર્વેદિક ગોળી આપવામાં આવે છે, જેના દ્વારા તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ રહ્યો છે.

ઉક્ત આયુર્વેદિક ગોળીઓ દ્વારા તેમને તાવ આવવો, પેટમા બળતરા થવી જેવી વિવિધ તકલીફોમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે. ઓક્સિજન પર હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા દર્દીઓને પણ આ આયુર્વેદની ત્રણ ગોળીઓ તેમજ ઉકાળા ખૂબ જ ફાયદાકારક નીવડી રહ્યા છે.

આયુષ મંત્રાલય દિશાનિર્દેશો પ્રમાણે બનાવવામાં આવેલી આયુષ 64, સંસમની ઘનવટી, યષ્ટીમધૂ ધનવટી આયુર્વેદિક ગોળીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓને શરદી, ઉધરસ, પેટમાં બળતરા, લિવરની તકલીફ, શરીરમાં સોજો, તેમજ શ્વાસો શ્વાસમાં પડતી તકલીફો દૂર કરવામાં મદદરુપ બને છે.

સગર્ભામાં પોષણ શક્તિ વધારવા, ધાત્રી માતાઓમાં દૂધનું પ્રમાણ વધારવા માટે પણ ત્રણેય આયુર્વેદીક દવાઓ ખુબ જ અસરકારક નીવડી રહી છે.

ઉક્ત આયુર્વેદિક દવાઓ કોરોનાગ્રસ્તની સાથે સાથે રાત દિવસ દર્દીઓની સારવારમાં કાર્યરત કોરોના યોદ્ધાઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપવામાં આવે છે. બજારમાં પણ ખૂબ જ નજીવા દરે આ દવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે. ગ્રામ્યસ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ સરકાર દ્વારા વિનામૂલ્યે આ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કોરોનાગ્રસ્ત 32 વર્ષીય સગર્ભા પ્રજ્ઞાબેન ઉક્ત ગોળી લીધા બાદ પોતાના પ્રતિભાવ જણાવતા કહે છે કે મને ચોથા માસે ગર્ભ છે કોરોના થયા બાદ સતત પાંચ દિવસ તાવ રહ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા મને આયુર્વેદીકની ત્રણ ગોળીઓ દરરોજ આપવામાં આવતા મને રાહત મળી છે. પહેલા કરતા શરીરમાં નવીન ઉર્જાનો જન્મ થયો હોય તેવું લાગે છે.

0Shares