- વાત સરકારની

રાજ્યના દરેક કોરોનાગ્રસ્ત દર્દીના પ્રાણ બચાવવા એ અમારો પ્રયાસ: નિતિન પટેલ

તા-19-05-2020 નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવેલી નવનિર્મિત અને સુવિધાયુક્ત યુ.એન.મહેતા હોસ્પિટલનું સંપૂર્ણ નિરિક્ષણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓની જાણકારી મેળવી તેઓએ દર્દીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે ખરાઇ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ ઉપલ્બધ સુવિધાઓ તેમજ આ હોસ્પિટલની માળખાગત સુવિધાઓના ભવિષ્યના આયોજન વિશે અધિકારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી સૂચનો આપ્યા હતા. નવીન હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને પથારીથી લઇને ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સુવિધા, સ્ટાફ માટેની પી.પી.ઇ. કીટ પહેરવા-બદલવાની વ્યવસ્થા સહિત તમામનું બારીકાઇથી નિરિક્ષણ કર્યુ હતુ.

તાજેતરમાં મુલાકાત લીધેલ એઇમ્સના તજજ્ઞો અને આઇ.સી.એમ.આર.ના દિશાનિર્દેશ પ્રમાણે વોર્ડ અને આઇ.સી.યુ.માં ઉપલબ્ધ સુવિધાઓ નિહાળી હતી.

પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેઓએ કહ્યુ કે, રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તેવા સરકારના પ્રયાસ છે જેના ભાગરૂપે જ આજે યુ.એન.મહેતા હોસ્પિટલમાં 228થી વધુ બેડ ઘરાવતા કોરોના વોર્ડ ખુલ્લા મુકાયા છે.

મંત્રીએ જણાવ્યુ કે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલ સિવાય પણ રાજ્યની 42 ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને ભવિષ્યમાં જો ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે મોકલવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે સરકાર તેમને મદદરૂપ થવા સજ્જ છે.

તેઓએ ઉમેર્યુ કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 2500 જેટલા તબીબો તેમજ મોટી સંખ્યામાં નર્સીંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ રાતદિવસ કાર્યરત છે જેથી રાજ્યના કોઇપણ દર્દીએ ચિંતીત થવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલ ખાતેથી સાજા થનાર તમામ વ્યક્તિને તંત્રની દેખરેખ હેઠળ કોર્પોરેશનની બસ દ્વારા તેઓના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં આવે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં ઉપયોગમાં લેવાલી રહેલા સંપૂર્ણ સ્વદેશી એવા ઘમણ વિષે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારીથી લડી રહ્યું છે. અવરજવરની સુવિધા અને ધંધા રોજગાર પણ મુશકેલીમાં મુકાયા છે ત્યારે વેન્ટિલરની માંગ વધતા વિદેશથી જથ્થો ઉપલબ્ધ કરાવવો મુશકેલ બન્યો હતો. રાજકોટની એક સ્થાનિક કંપનીએ સ્વદેશી ધમણ-1 જે પ્રાથમિક તબક્કે ઓક્સિજન પુરો પાડે છે. ધમણ-1 વિકસાવીને સરકારને 1000 ધમણ-1 ભેટ કર્યા. ઉપરાંત હાઇએન્ડ ઘમણ વિકસાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે.

આજથી અમલી બનેલા લોકડાઉન 4 વિશે નિતીનભાઇ પટેલે કહ્યુ કે, સરકાર દ્વારા નાગરિકોના રોજગાર અને આરોગ્યની તકેાદારી રાખી દિશાનિર્દેશો તૈયાર કર્યા છે. લોકડાઉન ૪ના કારણે આર્થિક જીવન પુનઃ ધબકતુ થશે. આ સમયગાળા દરમિયાન ઘંઘા રોજગાર સાથે સરકારી દિશાનિર્દેશોનું પણ લોકો દ્વારા પાલન કરવામાં આવે તેવું મંત્રીએ આહવાન કર્યુ હતું.

મંત્રીએ લોકડાઉન 4 વિષે ઉમેર્યુ કે રાજ્યના નાગરિકોને હવેથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આંતરજિલ્લા મુસાફરી માટે કોઇપણ પ્રકારના પાસ મેળવવાની કે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહીં. રાજ્યના નોન કન્ટેમેન્ટ ઝોન વિસ્તારમાં નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકશે.

આ મુલાકાત વેળાએ મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમાર, આરોગ્ય સચિવ જયંતિ રવી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

0Shares