- સિધ્ધિ

કરુણતાની નહીં, એક્તા- એક ગૌરવ ગાથા…

અમારી લાડકવાયી દિકરી એકતા વિશેના આ લેખ લખતા સમયે મારા મોટા બહેન શીલાબેન નરેશકુમાર ત્રિવેદીએ એક્તાથી પ્રભાવિત થઈને લાગણીમય બની ઘણો સહયોગ આપેલો. રાજ્યમાં ગૌરવરૂપ વ્યક્તિવિશેષોને પ્રોત્સાહિત કરતી અને ખાસ કરીને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ એવી રાજ્ય સરકારના મુખપત્ર એવા ‘ગુજરાત’ અંકમાં તા. 01-09-2005ના રોજ પ્રકાશિત થયેલો.

આ લેખ પ્રસિદ્ધ થયા બાદ અમને ઘણા લાગણીશીલ પ્રતિભાવો સાંપડ્યા હતા અને એમાંય ખાસ કરીને એકતા વિશે વધુ માહિતી આપવાની આગ્રહભરી વિનંતીઓ કરવામાં આવી હતી. વાચકોને દુ:ખ સાથે જણાવવાનું કે માનવસમાજને પ્રેરણારૂપ એવી અમારી દિકરી એકતા આજે આપણી વચ્ચે રહી નથી.હું માનું છું કે પરમેશ્વરનો સાક્ષાત્કાર જીવનમાં અનેકરૂપે થતો હોય છે. 

એકતાનું જીવન મારૂં, મારા ધર્મપત્નિ નીતિ કે અમારા પરિવાર માટે આવા જ એક ચમત્કાર સ્વરૂપ હતું. એકતા અમારા માટે ખુદ પ્રેરણા હતી અને અનેક દિવ્યાંગો માટે પણ તે પ્રેરણા બની રહી. એકતાની જીવનગાથાને ટેલીવિઝનમાં એક ડોક્યુમેન્ટરી સ્વરૂપે દર્શાવી તે સમયના વાચકો, સૌ સ્નેહીજનો, એકતાના મિત્ર વર્તુળ તથા અનેક દિવ્યાંગ મિત્રોની લાગણી અને માંગણીને માન આપવાનો એક નમ્ર પ્રયાસ પણ કર્યો છે. 

આ ડોક્યુમેન્ટરીની સ્ક્રીપ્ટ લખવામાં શીલાબેનના જ સુપુત્ર અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા મારા ભાણેજ એવા ભાઈશ્રી હેમંતનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. એકતાનો પરિચય વાચકોને વધુ સારી રીતે મળી રહે તે હેતુથી એકતાની જીવનગાથા રજુ કરતી એ સ્ક્રીપ્ટ આ લેખના અંતે પ્રસ્તુત કરી છે. 

અદ્દભુત…! અસામાન્ય…!અકલ્પ…!

કુદરતની લીલા ન્યારી તો છે જ, પરંતુ અદ્દભુત પણ એટલી જ છે. સૃષ્ટિનાં નિયમો જે હશે તે, પરંતુ ધરતી પરનાં વાસ્તવિક જીવનમાં ક્યારેક જ એવા અસામાન્ય ઉદાહરણો જોવા મળે છે, કે જેને જાણીને ચિત ચકરાવે ચઢી જાય અને હ્વદય તેના ધબકારા ચુકી જાય.હા…. 

આ વાત છે એક્તા નામની એક અનોખી દિવ્યાંગ બાળકીની. જેણે આ ધરતી પર જન્મ લીધો 12મી ઓગસ્ટ,1990ના રોજ ગુજરાત રાજ્યના સુરત મુકામે. માતા નીતીબહેન અને પિતા સુધીરભાઈ પોતાનો સ્વાભાવિક ઉમંગ વ્યક્ત કરે તે પહેલાં જ બાળકોના નિષ્ણાંતે જણાવી દીધું કે, આ બાળકની ચામડી પડ અતિશય પાતળું છે, તેથી તેને સતત ફોડલાઓ કાયમી પડતાં જ રહેશે અને તેણે આખી જિંદગી ઝઝૂમવું પડશે. અન્ય ડૉક્ટરે તેનાં આયુષ્ય માટે પણ કહ્યું કે તે ફક્ત છ માસ જ જીવશે. 

ડૉક્ટરના નિરાશ તેમજ અસહકારભર્યા વલણ સામે માતા-પિતાની મહેનત તથા પ્રેમનાં સહારે આ બાળકી મોટી થતી ગઈ.  એકતાના શરીરની ચામડી એટલી બધી પાતળી કે નાનું સરખું ઘર્ષણ  થાય તો પણ ચામડી નીકળી જાય. રોજ ચાર-ચાર ઈંચ મોટા ફોડલા પડે, પરું ભરાય, લોહી ભરાય, માતા નીતિબેન તેને ફૂલની માફક સાચવે, સ્નાન સમયે એકતાને બહદ પીડા થાય, પરંતુ એકતા તમામ વેદના સહન કરે.

એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાઓ તેમજ દુઆઓ ક્યાંય કચાશ નહીં, છતાંય ઈશ્વર જાણે એકતાની કસોટી જ કરવા માંગતા હોય તેમ શાળાએ જવાનું હજુતો આરંભ જ કર્યું, ત્યાં ચાર વર્ષની ઉમંરે એકતાને તાવ આવ્યો, ત્રણ દિવસ પથારીવશ રહી. પિતા વ્યવસાયના કારણે બહારગામ હતા. માતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યાં ડૉક્ટરે તેને બે ત્રણ દિવસ સારવાર આપવા પ્રયત્ન કર્યો. ખર્ચાળ સારવાર અને અઠવાડિયાઓની જહેમત બાદ પણ દાક્તરો ચોક્કસ નિદાન ન કરી શક્યા. અલબત્ત એકતાનું આખુ શરીર ચેતનવિહીન બની ગયેલું હતું. તેની આંગળી પણ હલનચલન ન કરી શકે તે સ્થિતિ આવી ચુકી હતી. આંખો સ્થિર, અવાજ ગાયબ…! અચેતન શરીર…!

દાક્તરોએ હિંમત હારી, પરંતુ એકતા અને તેનાં માતાપિતા હિંમત ન હાર્યા. જાણે પરમેશ્વરે કરેલી સાચી શ્રદ્ધાની પ્રાર્થનાની નોંધ લેવાઈ. એકતાની જિંદગી બચી, પરંતુ અચેતન શરીર સાથે જ…!

ત્યાર પછીના વર્ષો પછી પણ એકતાનું શરીર 90 ટકા અચેતન અવસ્થામાં હતું, પરંતુ ઈશ્વરની કૃપા અપરંપાર છે. એકતાનું મનોબળ અદ્દભુત હતુ. તેની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી લોકો અચંબામાં પડતા હતા. તેના આશાવાદી સ્વભાવ, હકારાત્મક અભિગમ અને પુરુષાર્થી જીવને કારણે એકતાની સર્જનાત્મકતા શક્તિઓ ખીલતી ગઈ. અત્યંત પીડા અને શારીરિક વેદનાઓ વચ્ચે પણ એકતા સદાય આનંદમાં રહેવા લાગી. 

તેનાં આધ્યાત્મિક ઉચ્ચ વિચારો તેની પ્રત્યેક વાતમાં વ્યક્ત થતાં હતાં. એકતાના હાથપગ જરા પણ ન ચાલતા હોવા છતાં એકતાએ વિવિધ પ્રવૃત્તિઓ શીખવા માંડી. અભ્યાસમાં વાંચન, લેખન તો ઠીક તેણે મોં વડે સુંદર ચિત્રો દોરવા શરૂ કર્યા. પોતે કાવ્યો લખે, નિબંધ લખે, અરે સખીઓનાં હાથમાં મહેંદી પણ મૂકે. પોતાની કસોટી કરવા મોતીની માળા પણ મોં થી જ બનાવે. રોજ પૂજા કરે, ચેસ રમે…. આ બધું તે માત્ર મોઢાનાં હલનચલનથી જ કરે. તેણે નિર્ધાર કર્યો કે તે મહત્તમ રીતે સ્વનિર્ભર બની બતાવશે.

એક્તાનો આશ્ચર્યજનક જીવનસફર, તે સંપૂર્ણ દિવ્યાંગ બની ગયા પછી વધારે તેજસ્વી બનતી ગઈ. સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું છે કે સવા-દોઢ વર્ષની ઉંમર બાદ તે ક્યારેય રડી નથી, જે સાબિત કરે છે કે તેનું મનોબળ લોખંડી હતુ. પિતાની આર્થિક સ્થિતિના કારણે જરૂરી સહાય નહિ મળી શકી હોય, તેવી શક્યતાઓને ફગાવતા એકતા કોઈને પણ કહે છે કે, “મારા માતા-પિતાએ મારા માટે શું નથી કર્યું….?! 

હું સો ટકા દોડતી થવાની જ છું, પરંતુ ન થાઉ તો પણ મારી પ્રવૃત્તિઓ તો ચાલતી જ રહેવાની છે…. એકતાની મમ્મી નીતિબહેનને દીકરીના કોડની જેટલી ચિંતા હતી, તેના કરતાં તેને સતત ખુશ કઈ રીતે રાખવી તેની ચિંતા વધારે હતી. દિવાળી, શ્રાવણ મહિનો કે ગમે તે તહેવારો-પ્રસંગોમાં એકતાનો આગવો ઉત્સાહ સર્વત્ર દદિપ્યમાન રહતો. 

એક્તાનો આશ્ચર્યજનક જીવનસફર, તે સંપૂર્ણ દિવ્યાંગ બની ગયા પછી વધારે તેજસ્વી બનતી ગઈ. સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું છે કે સવા-દોઢ વર્ષની ઉંમર બાદ તે ક્યારેય રડી નથી, જે સાબિત કરે છે કે તેનું મનોબળ લોખંડી હતુ. પિતાની આર્થિક સ્થિતિના કારણે જરૂરી સહાય નહિ મળી શકી હોય, તેવી શક્યતાઓને ફગાવતા એકતા કોઈને પણ કહે છે કે, “મારા માતા-પિતાએ મારા માટે શું નથી કર્યું….?! 

હું સો ટકા દોડતી થવાની જ છું, પરંતુ ન થાઉ તો પણ મારી પ્રવૃત્તિઓ તો ચાલતી જ રહેવાની છે…. એકતાની મમ્મી નીતિબહેનને દીકરીના કોડની જેટલી ચિંતા હતી, તેના કરતાં તેને સતત ખુશ કઈ રીતે રાખવી તેની ચિંતા વધારે હતી. દિવાળી, શ્રાવણ મહિનો કે ગમે તે તહેવારો-પ્રસંગોમાં એકતાનો આગવો ઉત્સાહ સર્વત્ર દદિપ્યમાન રહતો. 

એકતાની સારવારને ધ્યાનમાં રાખીને જ પિતાએ દિલ્હીમાં સ્થિર થવાનો નિર્ણય કર્યો. વ્યવસાયે પત્રકાર અને આદર્શ પત્રકારત્વના હિમાયતી એવા સુધીર એસ. રાવલે પુત્રીની સારવાર સાથે કારકિર્દીની કૂચ ચાલુ રાખી. કુદરતની કૃપા એવી રહી કે એક દિવસ ભારત સરકારના તત્કાલીન કેન્દ્રીય મંત્રી શ્રી કાશીરામ રાણાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સુરતથી જ આવેલા એક દિવ્યાંગ શ્રી કનુભાઈ ટેલરની મુલાકાત થઈ. તેમની સાથે એવા જ એક દિવ્યાંગ કું. રેખાબહેન જે પાણસણિયા પણ ત્યાં શ્રીમાન ટેલર સાથે જ મળેલા. 

પિતાએ પોતાની પુત્રીની વાત કરી અને જાણે એકતાની જિંદગીમાં બીજો નવો ચમત્કાર થયો. વ્યક્તિ નહીં પરંતુ સંસ્થારૂપી કનુભાઈ ટેલર સાથેની મુલાકાત એ એકતાના જીવનનો નવો અધ્યાય બન્યો. એમણે એકતાને પોતાના વિદ્યામંદિરની વિદ્યાર્થીની બનાવી અને છેક સુધી તેની સતત કાળજી લીધી. તેજસ્વી કારકિર્દી બનાવવા માટેના તમામ પ્રયત્નો આદર્યા. 

શાળાના શિક્ષકો એકતાની યાદશક્તિ તથા જ્ઞાનપિપાસુ સ્વભાવના ભારોભાર વખાણ કરતાં રહેતા હતા. સંસ્થાના ટ્રસ્ટી રેખાબહેને પણ એકતામાં રહેલી શક્તિઓનું સંવર્ધન કરવાનાં સવિશેષ પ્રયત્નો આદર્યા. એકતા મોઠામાં પેન રાખીને પરીક્ષા આપે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓ કે જેમનાં હાથ હલતાં હોય તેમનાં કરતાં પણ ઓછા સમયમાં પેપર લખી નાંખે….!

ગુજરાતના અખબારો, સામયિકોએ સામે ચાલીને એકતાની સિદ્ધિઓને માધ્યમોમાં બિરદાવવા માંડ્યા. અંગ્રેજી માધ્યમ ‘ધી એશિયન એઈજ’માં એકતાનો ઈન્ટરવ્યૂ છાપ્યો. ગુજરાતી સામાયિક ‘વર્લ્ડ નેટવર્ક’, ‘આરપાર’, અને ‘સખી’ જેવા ગુજરાતી સામયિકોએ એકતાની પ્રેરણાદાયક વાતો પ્રસિદ્ધ કરી. રાજ્યના અગ્રણી દૈનિકો ‘ગુજરાત સમાચાર’,  ‘સંદેશ’, ‘ગાંધીનગર સમાચાર’માં એકતાના સમાચારો પ્રસિદ્ધ થયાં. ઈલેક્ટ્રોનિક મીડિયામાં ‘ઈ-ટીવી’,  ‘દૂરદર્શન’,  ઈન્ડિયા ટીવી’, ‘ઈ-ટીવી’ જેવી ચેનલોએ એકતાની ખાસ મુલાકાત તેમજ સમાચારો આપ્યા છે. 

નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં તત્કાલિન કેન્દ્રિય મંત્રી શ્રી સત્યનારાયણ જટિયાના હસ્તે એકતાનું સન્માન કરવામાં આવ્યું છે અને તેને રોકડ રૂ।. 15000/-નું પ્રોત્સાહક ઈનામ પણ તેની કાબિલેદાદ જીવનપ્રવૃત્તિઓ માટે આપવામાં આવ્યું હતુ. સ્થાનિક ચેનલો થકી પણ એકતા રાજ્યનાં લાખ્ખો દિલો સુધી પહોંચી ગઈ. રાજ્યભરમાંથી અનેક પત્રો આવ્યા. અનેકોએ શુભચ્છાઓ સાથે એકતાના હિતમાં સૂચનો તથા અભિનંદનનો વરસાદ વરસાવ્યો. 

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ બાળકીને જોઈને તેની વિશિષ્ટતાઓનાં વખાણ તેમના રાજકીય સાથીઓ સમક્ષ કરીને એકતાને પ્રેરણા પૂરી પાડી છે. તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ત્યારે એકતાએ તેમને અભિનંદન આપતો પત્ર મોંઢાથી લખી મોકલ્યો, જેના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ આભારનો પત્ર મોકલ્યો હતો. મુખ્યમંત્રીના મદદનીશ જનસંપર્ક અધિકારી શ્રી હિતેષ પંડ્યા એકતાને પ્રેરણા આપવા માટે લગભગ રોજ નવા-નવા SMS મોકલે અને એકતા આજ SMS તેના મિત્રવર્તૂળને મોકલી આપી અન્યોને પણ પ્રેરણા આપી સંતોષ પામે.

એકતા સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં રોજ સાંજે બાળકો સાથે તેની વ્હીલચેરમાં બેસીને રમવા નીકળે. નાના બાળકો રમે અને તે નેતૃત્વ પૂરું પાડે બાળકોના મીઠા ઝઘડામાં ન્યાય તોલે. સૌ એકતાનો આદર સાચવે. આમ એકતાની જિંદગી રસમય બની રહે. 

પપ્પા તેનો પ્રેમ અને મમ્મી તેની શક્તિ છે. અભીદીદી તેની હમસફર અને નાનોભાઈ માનવ તેનો અતૂટ સ્નેહ છે. પોતે શાસ્ત્રીય સંગીતના ખાસ વર્ગો કરીને પ્રથમ શ્રેણીની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ હતી. હિન્દુ તહેવારો અને ઉત્સવો સાહજિકતાપૂર્વક સૌની જેમ જ ઉજવતી હતી. ઉપવાસ પણ કરતી હતી.

એકતાને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી. તેની કવિતામાં સાત વર્ષની ઉંમરે તેણે લખ્યું છે કે, ‘હું દેશનું નામ રોશન કરવા ઝંખુ છું….!’ માતાપિતા કે બહેનને મળવા કોઈ પણ આવે તેની સાથે સીધો સંબંધ સ્થાપીને પોતાનું વિઝીટીંગ કાર્ડ આપવાનું ન ચૂકે. તેણે છપાયેલા પોતાનાં વિઝીટીંગ કાર્ડમાં સૂત્ર લખ્યું હતુ, ‘Where there is a will, there is a way.’ પપ્પા-મમ્મીને સતત કહેતી કે હું તમને બોજ બનવા નથી માંગતી, પરંતુ હું તમારી શક્તિ જ હોઉં, એવું બનશે….! તેનાં વિચારોની પરિપકવતા ખૂબ જ હતી. મમ્મીને રસોઈ કરાવે. પપ્પાની સેક્રેટરી બની જાય ને ટેલિફોન નંબરો લગાવી આપે, વગેરે… મદદ કરાવે. એકતા કહે છે કે, હું હોશિયાર છું, તેમાં મોટી બહેન અભીનું ઘણું જ યોગદાન છે. 

આમ એકતા નામની દિવ્યાંગ બાળકીની આ કથાને કરુણતાની કહાની કહો કે ગૌરવની ગાથા; દુ:ખભરી દાસ્તાન કહો કે પ્રેરણાની પરબ….! દુનિયાને માટે દયાનું પાત્ર ગણાતી એકતા દુનિયા માટે જ પ્રેરણા બનવા થનગનતી. તે એક દિવ્યાંગ તરીકે તેના દેશ બાંધવોને એટલું જ કહેવા માંગતી હતી કે ‘દિવ્યાંગ બાળકોને દયાની નહિં, પરંતુ પ્રેમની જરૂર છે…….!!!!

મનુષ્ય ની અંદર અનંત શક્તિઓનો ખજાનો છુપાયેલો છે, તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સદૈવ સક્ષમ ખુદ એકતા છે. જેણે અનેક વિપરીત અને દર્દભરી પરિસ્થિતિઓમાં પણ હિંમત સાહસ, મનોબળ, ધૈર્ય અને ઈશ્વરની નિયતિ પ્રત્યે હકારાત્મક ખ્યાલ દ્વારા જગતના લાખો, કરોડો, અસહાય, અશક્ત વિકલાંગ અને પીડિતોને મજબુત સંકલ્પ સાથે જીવવાનો એક મજબુત સંદેશ આપીને સિદ્ધ કરી બતાવ્યું કે જીવન એક અણમોલ સંપદા છે.
    
ફક્ત પાંચ વર્ષની નાની ઉંમરે જ એકતાએ ભગવદ્દ ગીતાના કેટલાક અધ્યાય, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ગાયત્રીચાલીસા, ગાયત્રી શતકપાઠ, રૂદ્રાભિષેક, જયશંકર સ્ત્રોત્ર, દત્તબાવની સહિત અનેક મંત્રસ્તુતિઓનું પઠન જ નહિ, પરંતુ તેને કંઠસ્થ કરી લીધા. એકતા ઘરે બેઠા ફક્ત અભ્યાસ જ નહિ, સાથે સાથે પેન્ટિંગ કરવું, મહેંદી લગાવવી, કમ્પ્યુટર ચલાવવું, મોબાઈલ પર ગેમ્સ રમવી, પ્રભુની પૂજા, સેવા  અર્ચના કરવી, વગેરે બનતી દરેક પ્રવૃત્તિ પોતાના મોં વડે કરવા લાગી. આ સાથે જ એકતાએ શાસ્ત્રીય સંગીતની કલાનો અભ્યાસ પણ કર્યો.

એકતાની પરેશાની ઉંમરની સાથે વધતી જતી હતી. તબીબોએ એક દિવસ નિદાન કર્યું તો સામે આવ્યું કે તેને હાડકાની ગંભીર બીમારી લાગુ પડી છે અને આવનાર થોડા મહિનામાં જ એના જીવનનો અંત નિશ્ચિત છે. ચાર વર્ષમાં હાડકાનો ગંભીર રોગ ગણાતો ઓસ્ટ્રિયોપેરોસીસ એકતાને ભલે મારી ના શક્યો, પણ તેને આ રોગે અતિશય દર્દની હદ ઉપર લાવીને મુકી દીધી. 

એકતાને જ્યારે ખબર પડી ગઈ કે તેની પાસે બહુ ઓછો સમય છે. ત્યારથી એણે મનમાં નક્કી કર્યું કે મારે ગરીબ વસ્તીમાં જવું છે. એની ઈચ્છા રહી કે ગરીબ અને ઝૂંપડપટ્ટીનાં લોકોના બાળકોને મારે પ્રોત્સાહન આપવું છે, એમને મોટીવેટ કરવા છે. દિવ્યાંગોને એકતાએ ‘ધી સીક્રેટ’ ફિલ્મ બતાવી અને જીવનમાં હંમેશા લડાયલક મિજાજથી સાચું જીવન જીવવાની પ્રેરણા આપી. 

દર્દથી ભરેલી આ સંઘર્ષ કથા અંતે એ મુકામ પર આવીને પહોંચી કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન એકતાની રાત્રિની ઉંગ પણ હરામ થઈ ગઈ. જો કે જે માતા-પિતાને ક્યારેય મંજુર નહોતું, પણ વિધાતાએ લખી રાખ્યું હતું, એ થઈને જ રહ્યું. 

એકતાએ એક દિવસ તેના પપ્પા સુધીર રાવલને કહ્યું કે ‘પપ્પા, હવે મારી પાસે જીવનના ચાર-પાંચ દિવસ જ છે..’ અને તેના બીજા જ દિવસે તા. 05 માર્ચ,2011ના દિવસે સવારે બરાબર 11 કલાક અને 55 મિનિટે પરિવારના સભ્યોને ‘હરે કૃષ્ણ’ બોલીને એકતાનો દિવ્ય આત્મા ભૌતિક શરીર છોડીને અનંતની દિવ્યયાત્રાએ નીકળી પડ્યો.

એકતા.. જેનું નામ એકતા હતું ક્યારેય કપરા સંજોગોમાં ઝૂકી નહી, ન ક્યારેય પરિસ્થિતિ સામે લાચાર બની, ક્યારેય પોતાની શારીરિક તકલીફોથી ન હારનારી એકતાને કરીએ શત્ શત્ સલામ.

0Shares