- GUJARAT NEWS

વિદેશ ગયા વગર પણ રાજકોટના 75 વર્ષના માજીને થયો કોરોના, તંત્રમાં ખળભળાટ

રાજકોટ: શહેરમાં મંગળવારે કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જ્યારે બીજા કેસમાં 41 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે,યુવકને તો વિદેશ ગયો હોવાથી કોરોનાનો ચેપ લાગ્યો હશે, પરંતુ વૃદ્ધા તો વિદેશ પણ ગયા નથી તો તેમને કઈ રીતે ચેપ લાગ્યો? આ પ્રશ્નને લઈને આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો. હાલ તો તેમની પ્રાથમિક તપાસમાં ગંભીર વાત સામે આવી હોવાનું મનાય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વૃદ્ધાનો પરિવાર સાડીનો શો રૂમ ધરાવે છે. જ્યાં તેમના પરિવારના સભ્યો પતિ, પુત્ર, પુત્રી વગેરે બેસે છે. શોરૂમમાં NRI લોકો પણ સાડી ખરીદવા માટે આવે છે. ગુજરાતમાં લોકડાઉન શરૂ થયું એ પહેલાં આ શોરૂમમાં NRI સાડીઓ ખરીદવા આવ્યા હતા. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો છે ત્યારે, સાડીની ખરીદી કરનારા વિદેશીમાંથી શોરૂમધારકને આ ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ શોરૂમધારક પોતાના ઘરે જતો હોય ત્યારે તેનામાંથી આ સંક્રમણ વૃદ્ધા સુધી પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે. આમ તપાસમાં વૃદ્ધાને આ રીતે કોરોના થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહીં આ ગંભીર વાતની બાબત એ છે કે, લોકોમાં કોરોનાનું સંક્રમણ થયા પછી તેમને ખબર પણ નથી હોતી પરંતુ આ લોકો જ્યારે બીજાના સંપર્કમાં આવે ત્યારે આ બીજા લોકોમાં પણ કોરોના સંક્રમિત થઈ જતો હોય છે. એવું પણ બની રહ્યું છે કે જેમનામાંથી કોરોનાનું સંક્રમણ થયું એ લોકોને કંઈ ન થયું હોય પણ જેને લાગ્યું તે બીમાર પડી ગયા હોય. હાલ તો ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજ પર છે, ત્યારે લોકો બહાર નીકળવાનું અને એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળે એ જ જનહિત માટે યોગ્ય છે.

0Shares