- વાત સરકારની

કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરીંગ સેલ રચાશે

તા-22-03-2020 નોવેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મોનીટરિંગ સેલ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્ય અધિક સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના સંભવિત ખતરા સામે પહોંચી વળવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.

પંકજ કુમારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રને ચીનના વુહાન પ્રાંતમાં કોરોના સંદર્ભે ઉભી કરાયેલી આરોગ્ય સુવિધાઓ જેવી સુવિધાઓ ઉભી કરવા સૂચના આપી હતી. તેમણે આરોગ્યની સુવિધાઓને વધુ દ્રઢ બનાવવા માટે નોન ક્રિટિકલ આઈસોલેસન હોસ્પિટલ(NCIH) જેવી વિશેષ સુવિધા ઉભી કરવાનો વિચાર રજૂ કર્યો હતો.

અધિક મુખ્ય સચિવે આ સમીક્ષા બેઠકમાં તેમણે અધિકારીઓને વલ્નરેબલ પોકેટ(જોખમવાળા વિસ્તારો)નો મેપ તૈયાર કરી તેને આધારે આયોજન કરવાના દિશાનિર્દેશ પણ આપ્યા હતા. તેમણે આફતને પહોંચી વળવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ભૂતકાળમાં આ પ્રકારની આફતોના અનુભવોનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

0Shares