- વાત સરકારની

કોરોના વાયરસનો વ્યાપ – ફેલાવો વધતો અટકાવવા રાજ્ય સરકાર સર્તકઃ CM રુપાણી

તા-22-03-2020 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ વ્યાપ મહામારી COVID 19 કોરોના વાયરસના સંક્રમણને રાજ્યમાં વધુ ફેલાતું અટકાવવાની સતર્કતા સાથે સૌ નાગરિકોના આરોગ્ય હિત રક્ષા માટે કેટલાક વધુ મહત્વના નિર્ણયો કર્યા છે.

વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ મોટા ભાગે લોકોના એક બીજાના વધુ સંપર્કથી ફેલાતો હોય છે તે સંદર્ભમાં લોકો કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટમાં ન રહે, આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે તેવી આરોગ્ય સુખાકારીની નેમ સાથે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં તા. 25 માર્ચ,2020 સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ બંધ રાખવાનો નિર્ણય અગાઉ કરેલો છે.

હવે આ ચાર મહાનગરો ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તથા કચ્છ જિલ્લામાં પણ આ નિયંત્રણો લાગુ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. એટલે કે, ગાંધીનગર મહાનગર અને સમગ્ર કચ્છ જિલ્લામાં પણ તા. 25 માર્ચ, 2020 સુધી દૂધ, શાકભાજી, દવાઓ વગેરે જેવી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ, એકમો બંધ રાખવાના રહેશે.

મુખ્યમંત્રીએ આ કોરોના વાયરસના ચેપ નિયંત્રણ માટે વધુ એક જનહિતલક્ષી નિર્ણય લઇને સમગ્ર રાજ્યમાં આજથી તા.25મી માર્ચ, 2020 સુધી પેસેન્જર બસ સેવાઓ, ટેક્ષી કેબ, મેક્ષી કેબના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે.

ખાનગી માલિકીના વાહનો, સરકારી વાહનો તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અને કોરોના ચેપ નિયંત્રણ કામગીરી સાથે સંકળાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. સચિવાલય આવતી પોઇન્ટ બસ સેવાઓ પણ યથાવત રહેશે.

ગુજરાતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં નાગરિકોની અવરજવર રહેતી હોય છે તે સંજોગોમાં કોરોના વાયરસનો વ્યાપ આવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો દ્વારા વધુ ન ફેલાય તે માટે અન્ય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતી ઇન્ટર સ્ટેટ બસ સેવાઓ, ટેક્ષી કેબ, મેક્ષી કેબ સેવાઓના વાહનો પણ આજથી તા. 31 માર્ચ, 2020 સુધી ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

મુખ્યમંત્રીએ આ કોરોના વાયરસનો ફેલાવો વધે નહીં અને સૌ નાગરિકો સુરક્ષિત રહે તે માટે પ્રધાનમંત્રીએ 22 માર્ચ રવિવારે આપેલા દેશવ્યાપી જનતા કર્ફયુનું રાજ્યના સૌ નાગરિકોએ જે પ્રચંડ સમર્થન કર્યું છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને અપિલ કરતાં એમ પણ જણાવ્યું કે, આ જનતા કફર્યુની સમયાવધિ સવારે 7થી રાતના 9 સુધીની ભલે હોય પરંતુ રાત્રે 9 વાગ્યા પછી પણ આવશ્યક ન હોય ત્યાં સુધી સૌ નાગરિકો ઘરની બહાર ન નીકળે તે તેમના આરોગ્યના હિતમાં છે.

મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરો સહિતની જનતા જનાર્દન આ અપીલનું પાલન કરે અને રાત્રે 9 વાગ્યા પછી પણ બહાર રસ્તાઓ પર ન નીકળી આવે તેવું સુનિશ્ચિત કરવા તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનરોને સૂચના આપી હતી.

0Shares