- EDUCATION, GUJARAT NEWS, slider news

કોરોનાની દહેશતઃ ઘરે બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી ગુજરાતમાં વિદ્યાર્થીઓને અપાશે શિક્ષણ

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની શાળઓ 29 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.

પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી રાજ્યના ધોરણ-7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓના મહત્વના વિષયોનું પૂનરાવર્તન કરાવવામાં આવશે.

આવતીકાલથી એટલે કે, 19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી દરેક વિષયોનો અભ્યાસ કરી શકશે. ટીવી ચેનલ્સ દ્વારા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના જેવા વિષયોનો અભ્યાસ નિષ્ણાંત શિક્ષકો દ્વારા અપાશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પ્રકોપને પગલે ગુજરાત સરકારે તમામ શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં સ્વિમિંગ પૂલ, સિનેમાગૃહો તેમજ આંગણવાડીઓ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. આ પ્રતિબંધ બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની બેઠક બાદ મુખ્ય સચિવ અનિલ મુકીમે આની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવી 500 રૂપિયા દંડ પણ નક્કી કરવામાં આવ્યો હતો.

0Shares