- ACHIEVERS, GUJARAT NEWS, slider news, Trending News

રાજપીપળાઃ કેન્સર સામે પણ ન ઝૂંકી આ ગુજરાતી દીકરી, આપી રહી છે બોર્ડની પરીક્ષા

રાજપીપળાઃ કેન્સર જેવા દારુણ બીમારી સામે ઝઝુમતી રાજપીપળાની વિદ્યાર્થીનીએ આજે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. દ્રઢ મનોબળ ધરાવતી આ કિશોરીએ કેન્સરને મ્હાત આપી રાજપીપળાની મહારાજા રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયમાં પોતાનું પ્રથમ પેપર આપ્યું હતું.

આ અંગે 15 વર્ષીય કિશોરી સુજાન હારુન મન્સૂરીનએ ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે “પપ્પા હું તો 10માં ધોરણમાં આવી મને કેન્સર છે તો મારા ભવિષ્યનું શુ થશે. મારે સારું ભણી ગણીને આગળ વધવું છે” આ શબ્દો હતા રાજપીપળાની 15 વર્ષીય કિશોરી સુજાન હારુન મન્સૂરીના જ્યારે આજથી એક વર્ષ અગાઉ ડોક્ટરોએ એને હાડકાનું કેન્સર હોવાનું કહ્યું હતું. કેન્સરગ્રસ્ત આ કિશોરીએ એક વર્ષ સુધી કેન્સરની અલગ અલગ સારવાર પણ લીધી અને સાથે સાથે 10માં ધોરણની પરીક્ષાની પણ તૈયારી કરી. દ્રઢ મનોબળ ધરાવતી આ કિશોરીએ કેન્સરને મ્હાત આપી આજે રાજપીપળાની મહારાજા રાજેન્દ્ર સિંહજી વિદ્યાલયમાં પોતાનું પ્રથમ પેપર પણ આપ્યું.

રાજપીપળાની સુજાન હારુન મન્સૂરી કલરવ શાળામાં અભ્યાસ કરે છે. ગત વર્ષે તેને હાડકાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એજ સમય ગાળામાં તેણે 9મુ ધોરણ પાસ કરી 10માં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. એક વર્ષ પછી બોર્ડની પરીક્ષાઓ હતી ફક્ત 5/6 દિવસ જ સ્કૂલે ગઈ. તો બીજી બાજુએ સતત 70 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી હતી અને કેન્સરની જટિલ સારવાર લઈ રહી હતી. આવી કપરી પરિસ્થિતિમાં મોટી ઉંમરનો વ્યક્તિ પણ પોતાનું મનોબળ ગુમાવી બેસે છે. પણ 15 વર્ષીય સુજાને મક્કમ મનોબળ રાખી પગના ઘૂંટણની સર્જરી બાદ ઘરે બેઠા બેઠા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને સ્વસ્થ રીતે હાલ 10માં ધોરણનું પોતાનું પ્રથમ પેપર પણ સારી આપ્યું.

સુજાન મન્સૂરીએ જણાવ્યું કે, મને મારા પરિવાજનોએ સારવાર દરમિયાન ઘણી હિંમત આપી. જેથી હું પણ મક્કમ બની અને મારું મનોબળ વધ્યું. પરિણામ વિશે મેં વિચાર્યું હોત તો આજે મારી હિંમત વધી ન હોત. ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે પરિણામની ચિંતા કર્યા વિના તમે જો કાર્ય કરશો તો તમને સફળતા જરૂર મળશે. હું મારા દરેક પેપર આપીશ પરિણામ જે આવે તે મને કોઈ ચિંતા નથી.

અત્રેએ ઉલ્લેખનીય છે કે, સુજાનના સારવાર અને સર્જરી પાછળ લગભગ 20 લાખ જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. એના પિતા હારુન મન્સૂરી જણાવી રહ્યા છે કે અમે સરકારમાં સહાયની ઘણી રજૂઆત કરી પણ નથી મળી. સરકારના બેટી બચાવો બેટી પઢાવોના નારા પોકળ સાબિત થયા છે. શરૂઆતમાં મને એવી સાંત્વના આપવામાં આવી હતી કે તમને સહાય મળશે પણ પાછળથી મને સહાય મળી નથી

જ્યોતિ જગતાપ, રાજપીપળા

0Shares