- FEATURED NEWS, slider news, Trending News

નમસ્તે ટ્રમ્પઃ રાતો-રાત ક્યાંથી આવી ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ?, જાણો શું છે સમગ્ર વિવાદ

અમદાવાદ: 24 ફેબ્રુઆરીએ ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” ઇવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં યુ.એસ.ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. અમેરિકાના હ્યુસ્ટનમાં 5 મહિના પહેલા યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમની જેમ તેને પણ ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ હેલો ટ્રમ્પના આયોજક કોણ છે? ગુરુવાર પહેલા એવું લાગતું હતું કે તે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અથવા કદાચ તે ભાજપનો કાર્યક્રમ હશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતી’ કાર્યક્રમની આયોજક છે. ટ્રમ્પની ભારત મુલાકાતની જાણકારી માત્ર 10 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસ દ્વારા મળી હતી. અમદાવાદમાં ટ્રમ્પને આવકારવા માટે આવી કાર્યક્રમ થવાની ચર્ચા કેટલાક મહિનાઓ પહેલા ચાલી રહી હતી. પરંતુ રવિશ કુમારના નિવેદન પહેલાં આ સમિતિ વિશે ક્યારેય ચર્ચા સાંભળી નહોતી. સરકારે પણ આ સમિતિ વિશે અગાઉ કોઈ માહિતી આપી ન હતી. તેની ન તો કોઈ વેબસાઇટ છે. કોઈ પણ ટ્વીટર એકાઉન્ટ કે ફેસબુક પેજ પણ નથી.

કાર્યક્રમ પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ એક ખાનગી સંસ્થા છે અને ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં સરકારી ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે? ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર સરકાર ટ્રમ્પના પ્રવાસ પર સરકાર 80થી 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. કેટલાક સમાચારોમાં 100 કરોડ ખર્ચ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત બેઠકો કરી રહ્યા છે. પ્રતિષ્ઠિત અખબારે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે, સરકારના ખાતામાં આ કાર્યક્રમનો ખર્ચ દર્શાવતા બચવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આના માધ્યમેથી મોટા કોર્પોરેટ્સ, સરકારી કંપનીઓ અને સહકારી સંસ્થાઓ પણ સીએસઆર હેઠળ દાન આપી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિના નામ પર બબાલ કેમ?

1) સમિતિ છે, તો શા માટે તેના વિશે કોઈ જાણકારી નથી?

ઇન્ટરનેટ પર આ સમિતિ વિશે કોઈ માહિતી નથી. તેની વેબસાઇટ નથી. ન તો કોઈ ટ્વિટર એકાઉન્ટ અથવા કોઈ ફેસબુક પેજ. આ સમિતિના અધ્યક્ષ કોણ છે? તેના સભ્યો કોણ છે? આ વિશે કોઈને કંઈ ખબર નથી. કે સરકારે આ અંગે કોઈ માહિતી આપી ન હતી.

કમિટીના સભ્ય તરીકે અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય ડો.કિરીટ સોલંકી છે. તેમણે પ્રતિષ્ઠિત અખબારને કહ્યું હતું કે તેમને શુક્રવારે સવારે ફોન આવ્યો ત્યારે આ વિશેની જાણકારી મળી. ખર્ચ સમિતિએ જ ઉઠાવવાનો છે, તેના માટે ભંડોળ ક્યાંથી અને કેવી રીતે આવશે, આ સવાલ પર તેમણે કહ્યું, આવું કોણે કહ્યું? અન્ય એક સભ્ય હસમુખ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે 12 વાગ્યે મળનારી બેઠકમાં સમિતિની કામગીરી અંગે નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં ભંડોળ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

2) આયોજક સમિતિ છે, તો પછી કાર્યક્રમના પાસ એએમસી અને કલેક્ટર પાસેથી કેમ મળી રહ્યા છે?

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ અગાઉ કહ્યું હતું કે, કાર્યક્રમ માટે ઈન્વિટેશન પાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અથવા કલેક્ટર પાસેથી લઈ શકાય છે. હવે જો કાર્યક્રમની આયોજક સમિતિ છે, તો પાસ એએમસી અને કલેક્ટર પાસેથી કેમ મળી રહ્યા છે?

કેટલાક પ્રશ્નો, જે વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ઉભા થઈ રહ્યા છે

1) સરકાર આયોજક નહીં, સરકારે આ માટે વેબસાઇટ કેમ બનાવી?

સરકારે namastepresidenttrump.in વેબસાઇટ પણ બનાવી છે. આ વેબસાઇટ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. પરંતુ આ વેબસાઇટ પર “About Us’નું પેજ જ નથી. આ વેબસાઇટના નામે ટ્વીટર અને ફેસબુક પર એક એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે.

2) કમિટી આયોજક છે, તો પોસ્ટર-બેનરમાં તેનો ઉલ્લેખ શા માટે નથી?

અમદાવાદમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમના મોદી-ટ્રમ્પના ફોટા સાથે 10,000 પોસ્ટર, બેનરો, હોર્ડિંગ્સ, જાહેરાતો મૂકવામાં આવી ચૂક્યા છે. પણ બેનરો અથવા પોસ્ટરોમાં કોઈ પણ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું નામ સુદ્ધા નથી. અમદાવાદના મેયરે શુક્રવારે ટ્વીટ કર્યું, “હું અભિનંદન સમિતિની પ્રમુખ છું. બાદમાં તેમણે મોબાઈલ સ્વિચ ઑફ કરી દીધો. સમિતિના કેટલાક સભ્યોએ કહ્યું કે તેઓ કંઈ પણ જાણતા નથી. ઉલ્ટાનું તેઓ પોતાની ભૂમિકા પૂછી રહ્યા હતા.

3) સ્ટેડિયમનું ઉદઘાટન કેમ ન થઈ શકે?

જો સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવું હોય, તો જીસીએનું નામ આયોજક તરીકે રાખવામાં આવે. જીસીએના વડાની પસંદગી હજી થઈ નથી. આવી સ્થિતિમાં, ટ્રમ્પના અભિનંદનનો ખર્ચ પણ જીસીએના ખાતામાં આવી જાત.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે – કાર્યક્રમમાં સરકારની કોઈ સીધી ભૂમિકા નથી

જ્યારે એક પ્રતિષ્ઠિત અખબાર દ્વારા ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ વિશે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે- તેમાં સરકારની સીધી કોઈ ભૂમિકા નથી. અમારું કામ તો વ્યવસ્થા કરવાનું હતું. હું વ્યક્તિગત રૂપે માનું છું કે, આ સમિતિ શહેરના નાગરિકોની હોઈ શકે છે.

આ વિશે વધુ જાણવા માટે અમદાવાદના મેયર બિજલ પટેલને 5 વાર ફોન પણ કરવામાં આવ્યો, પરંતુ રાત્રે મોડા સુધી તેમનો ફોન બંધ આવતો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રશાંત વાળાનો ફોન પણ બંધ હતો.

એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર બિજલ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરાને ટ્વીટ કરીને આ વિશે જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી.

0Shares