- ACHIEVERS, CURRENT AFFAIRS, GUJARAT NEWS

પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલની વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદે બિનહરીફ વરણી

ગુજરાતના જાણીતા એનઆરઆઈ હોટેલિયર અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલ (65)એ જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગ્રુપ, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેમના પૂર્વગામી કૃષ્ણકાંત વખારિયાનો કાર્યકાળ પૂરો થતાં 8 ફેબ્રુઆરીએ પટેલની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતના જાણીતા પાટીદાર, સી. કે. પટેલ ગુજરાતમાં સંખ્યાબંધ પાટીદાર સામાજિક અને ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા છે. તેઓ એક હોટેલિયર તરીકે પણ જાણીતા છે જેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1993માં પ્રથમ વખત અમેરિકા ગયા હતા.

-વિશ્વ ગુજરાતી સમાજ શું છે?

વિશ્વ ગુજરાતી સમાજ એક બિનરાજકીય અને ગુજરાતના વિશાળ હિતમાં અનેક પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા છે. ગુજરાતના તેમજ વિશ્વવ્યાપી ગુજરાતી મહાજાતિના વિશાળ હિતમાં સંસ્થાએ છેલ્લા ત્રણ દાયકા દરમિયાન અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગુજરાતીઓના પ્રશ્નનોના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરેલા છે. આજે ગુજરાતીઓ વિશ્વવ્યાપી બન્યા છે અને વિશ્વના અમેરિકા સહિત 100થી વધારે દેશોમાં ગુજરાતી મહાજાતિનો વસવાટ છે. ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત, ગુજરાતી ભાષા તેમજ સંસ્કારો પ્રત્યે લગાવ રહે તે માટે આ સંસ્થા સતત કાર્યરત છે.

-જાણો કોણ છે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે.પટેલ?

ભારતીયો વિદેશ જવા તલલાપડ હોય છે ને વિદેશ રહેવા મળતું હોય તો ગમે તે કરવા તૈયાર હોય છે. આ સ્થિતી હોય ત્યારે કોઈ માણસ અમેરિકામાં પોતાનું કરોડો ડોલરનું બિઝનેસ સામ્રાજ્ય પડતું મૂકીને ભારત આવે એવું બને ? અને એ પણ માત્ર આ દેશની સેવા કરવા માટે ? બહુ ઓછા વિરલા આવી હિંમત બતાવી શકે ને ‘સી.કે.’ આવા વિરલાઓમાં એક છે.

‘સી.કે.’એ આ દેશની સેવા કરવા, આ દેશની સ્થિતી સુધારવા માટે અમેરિકાની સાહ્યબી છોડતાં વિચાર ના કર્યો. અમેરિકામાં જે માંગો એ સુખ હાજર હતું પણ એ બધું છોડીને છેલલ્ બે દાયકાથી આ માણસ ગુજરાતમાં સેવાની ઘૂણી ધખાવીને બેઠા છે.

‘સી.કે.’ એટલે કે ચંદુભાઈ કે. પટેલ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મ્યા. યોગાનુયોગ તેમનો જન્મદિવસ 2 ઓક્ટોબર છે. 1955માં ગાંધી જ્યંતિના દિવસે જન્મેલા ‘સી.કે.’નો પરિવાર બહુ ગરીબ હતો. નાનપણમાં ઘરમાં ખાવાનાં પણ ફાંફાં હોય એવા દિવસો ‘સી.કે.’એ જોયા છે.

એ વખતે જ તેમણે ગરીબી સામે લડવાનું નક્કી કરી નાંખેલું. ‘સી.કે.’ ભણવામાં બહુ હોશિયાર હતા ને ડોક્ટર બનવા માગતા હતા પણ માત્ર બે માર્ક માટે મેડિકલમાં એડમિશન ના મળ્યું તેથી જીયોલોજીમાં બી.એસસી. કર્યું. એ પછી એમ.બી.એ. કરવા અમેરિકા ગયા.

પેસિફિક સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યંટ ત્યારે ‘સી.કે.’ પાસે અમેરિકા જવાના પૈસા નહોતા. ‘સી.કે.’એ યુનિવર્સિટીને પત્ર લખ્યો કે, વિમાનની ટિકિટ મોકલો તો જ ભણવા આવી શકું તેમ છું. યુનિવર્સિટીએ ટિકિટ મોકલી અને ‘સી.કે.’ ફેબ્રુઆરી, 1974માં અમેરિકા પહોંચ્યા.

અમેરિકામાં એમ.બી.એ. કરતા હતા ત્યારે જ નીતિનભાઈ ત્રિવેદી નામના બીજા ગુજરાતી સાથે મળીને ડેરી સ્ટોરમાં રોકવ્યુ ડ્રાઈવ-ઈન શરૂ કર્યો ને એ સાથે સફળતાની સફર શરૂ થઈ. તેને સફળતા મળી એટલે બીજો ડ્રાઈવ-ઈન શરૂ કર્યો. તેને પણ સફળતા મળી.

આ રીતે સફળતા મળતી ગઈ ને એમ.બી.એ. પૂરું થાય એ પહેલા તો ફેબ્રુઆરી, 1976માં સી.કે.એ 4 લાખ ડોલરમાં પોતાની પહેલી મોટેલ ખરીદી લીધી. એ વખથે 10 હજાર ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરવાથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મળતું ત્યારે આ રકમ કેટલી મોટી હશે તેનો અંદાજ લગી જુઓ.

‘સી.કે.’એ પછી રીયલ એસ્ટેટમાં કોર્સ કર્યો અન પ્રોપર્ટી બિઝનેસમાં ઝંપલાવ્યું. આ બિઝનેસમાં ધૂમ સફળતા મળી ને ‘સી.કે.’ દર છ મહિને પોતાના નામે એક નવી હોટલ કરતા ગયા. 1982માં તેમણે તાજ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી. લોસ એન્જલસમાં એલિમ્પિક્સ રમાવાનો હતો એ પહેલાં જ સી.કે. સમજી ગયેલા કે, રીયલ એસ્ટેટમાં ભારે તેજી આવશે.

તેમણે એક પછી એક 18 હોટલો બાંધી અને ધૂમ કમાયા. તેમણે 1991માં દાના પોઈન્ટ ખાતે હિલ્ટન હોટલ બાંધી. સમગ્ર વિશ્વમાં હિલ્ટન હોટલ બાંધનારા ‘સી.કે.’ પહેલા ભારતીય હતા. આ દરમિયાન સી.કે. ગ્લોબલ વોર્મિગની વધતી સમસ્યા અને પર્યાવરણ વિશે પણ જાગૃત થયા હતા તેથી ગ્રીન પોપર્ટીઝ ઉભી કરવા તરફ વળ્યા. તેના ભાગરૂપે તેમણે ગ્રીનપોર્ટ એનર્જી પાર્ક બનાવ્યો. 1309 એકરમાં ફેલાયેલા આ પાર્કની કિંમત 2009માં 48 કરોડ ડોલર હતી.

સી.કે. બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરવાની સાથે સાથે ભારતીયોને સંગઠિત કરવામાં પણ સક્રિય હતા. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકન એસોસિએશન્સના પ્રમુખ બનેલા સી.કે.ને તેમની સમાજ સેવા માટે અમેરિકામાં પ્રેસિડેન્ટ મેડલ મળ્યો હતો. આ મેડલ મેળવનારા તે પહેલા ભારતીય હતા.

સી.કે. 1990ના દાયકામાં ભારત આવ્યા ત્યારે સાબરકાંઠામાં તેમણે આરોગ્ય અને શિક્ષણની ખરાબ હાલત જોઈ. તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે ભારતમાં આરોગ્ય અને શિક્ષણની સ્થિતી સુધારવા માટે કામ કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે સાબરકાંઠા હેલ્થ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી.

કરોડોનાં દાન આપીને તેમણે હિંમતનગરમાં મેડિકલ કોલેજ, ગર્લ્સ હોસ્ટેલ, વૃધ્ધાશ્રમ, મહિલા કોલેજ સ્થાપી છે અને અત્યારે સેવાનો યક્ષ ચલાવે છે. અમદાવાદમાં જાસપુર ખાતે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાનું મંદિર બનાવવા તેમણે કમર કસી છે. તેનું ભૂમિપૂજન માર્ચ, 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું.

સી.કે. રાજકીય રીતે પણ વ્યાપક સંપર્કો ધરાવે છે પણ તેમની મુખ્ય કામગીરી સમાજ સેવાની છે તેથી તેમની ઓળખ પણ બધું છોડીને દેશની સેવા કરતા સમાજ સેવકની છે.

0Shares