- TECHNOLOGY, Trending News

રેલવે સ્ટેશન પર Googleની મફતમાં મળતી Wifi સેવા થશે બંધ, જાણો કેમ

વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલે રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ મફત વાઇ-ફાઇ સેવા બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે 400થી વધુ સ્ટેશનો પર નિ:શુલ્ક વાઇ-ફાઇ સેવા બંધ કરવામાં આવી રહી છે, કારણ કે ટેલિકોમ માર્કેટમાં ઓછા ભાવો સાથે ડેટા પ્લાન ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં લોકોને નિ:શુલ્ક વાઇ-ફાઇ સેવા આપવાની જરૂર નથી. જોકે, રેલટેલે કહ્યું છે કે, મુસાફરોને મફતમાં વાઇ-ફાઇ મળવાનું ચાલુ રહેશે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે ગૂગલે ફ્રી વાઇ-ફાઇ સ્કીમ માટે ભારતીય રેલ્વે અને રેલટેલ સાથે ભાગીદારી કરી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.

ગૂગલે કહ્યું – ઇન્ટરનેટ થયું સસ્તુ

ગૂગલે તેના ઑફિશિયલ બ્લૉગમાં લખ્યું છે કે, ઈન્ટરનેટ હવે ભારતમાં પહેલા કરતા વધારે સસ્તુ બન્યું છે. ઉપરાંત, દરેક વ્યક્તિ સરળતાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સિવાય ટ્રાઇએ છેલ્લા પાંચ વર્ષમાં ડેટા પ્લાનની કિંમતોમાં 90 ટકાનો ઘટાડો કર્યો છે.

ભારતીય ગ્રાહકો 10 જીબી ડેટાનો ઉપયોગ કરે છે

મીડિયા અહેવાલો અનુસાર હાલમાં ભારતીય ગ્રાહકો દર મહિને લગભગ 10 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. બીજી તરફ, નિષ્ણાતો માને છે કે આવનારા વર્ષોમાં આ આંકડો 10 જીબીથી વધીને 20 જીબી થશે.

ગૂગલ વાઇ-ફાઇ પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરશે નહીં

ભારતમાં વાઇ-ફાઇ પ્રોગ્રામની સફળતાને ધ્યાનમાં રાખીને ગૂગલે તેને અન્ય દેશોમાં પણ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે કંપની ભારતમાં આ યોજના બંધ કરવા જઇ રહી છે. જો કે, ગૂગલ ધીમે ધીમે આ યોજના બંધ કરશે.

વાઇ-ફાઇ યોજના 2015માં શરૂ થઈ હતી

જણાવી દઈએ કે, ગૂગલે 2015માં નિશુલ્ક Wi-Fi યોજના શરૂ કરી હતી. આ માટે, કંપનીએ ભારતીય રેલ્વે અને રેલટેલ સાથે ભાગીદારી કરી. જ્યારે, 400થી વધુ રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને વિના મૂલ્યે વાઇ-ફાઇની સેવા આપવામાં આવી રહી છે.

0Shares