- GUJARAT NEWS

અમદાવાદઃ દોહિત્ર પોતાની 70 વર્ષની નાની પાસે મંગાવતો હતો ભીખ, પોલીસે કરી વૃદ્ધાની મદદ

અમદાવાદમાં એક શખ્સ પોતાની 70 વર્ષની નાની પાસે ભીખ મંગાવતો હતો. જો કે ADGP અનિલ પ્રથમની સતર્કતાથી વૃદ્ધાને બચાવી લેવાયા છે.

મળતી માહિતી અનુસાર, અનિલ પ્રથમ રોજની જેમ મંગળવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે તેમણે શ્યામલ ચાર રસ્તા પાસે એક વૃદ્ધાને ભીખ માગતા જોયા હતા. તેમણે જોયું કે, કડકડતી ઠંડીમાં એક 25 વર્ષનો યુવક એક વૃદ્ધાને BRTS જંક્શન પાસે ઉતારી ત્યાંથી જતો રહ્યો. બાદમાં તેમણે વૃદ્ધાની તબિયત ચકાસવા માટે 108 તેમજ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો.

જેથી PSI એસ.કે. બારડની આગેવાનીમાં આનંદનગરની શી ટીમ (SHE) સ્થળ પર પહોંચી હતી અને સોસાયટીના લોકોની તેમજ નજીકના બિલ્ડિંગના વોચમેનની પૂછપરછ કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, એક યુવક દરરોજ સવારે 4 વાગ્યે આ વૃદ્ધાને અહીં મૂકી જાય છે અને રાત્રે 8.30 કલાકે લેવા આવે છે.

અમદાવાદ આનંદનગરના પી.આઈ સાજીદ બ્લોચે જણાવ્યું કે, વૃદ્ધાની તપાસ કરાતા સામે આવ્યું કે, વૃદ્ધાનું નામ તારાબેન સોલંકી છે. તેમને બે દીકરીઓ છે. તેઓ પોતાની દીકરી મધુબેન સાથે રહે છે. મધુબેનનો દીકરો જિગર દરરોજ સવારે વૃદ્ધા તારાબેનને ભીખ માંગવા માટે મૂકી આવતો હતો. હાલ જિગર સામે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓપ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન એક્ટની કલમ 24 હેઠળ ગુનો નોંધ્યો છે.

0Shares