- GUJARAT NEWS, slider news, SPORTS, Trending News

PHOTO: આ છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જેમાં થશે ‘કેમ છો ટ્રમ્પ’ ઈવેન્ટ

ગુજરાતના અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં આ સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને નવા નિર્મિત સરદાર પટેલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ કરશે.

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમની સુરક્ષા માટે સજ્જડ સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યું છે. મોટેરા વિસ્તારમાં 63 એકર જમીનમાં બનેલા આ સ્ટેડિયમને બનાવવા માટે 700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

સૌથી ખાસ વાત એ છે કે અહીં 1 લાખ 10 હજાર લોકો આ સ્ટેડિયમમાં એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. આ સ્ટેડિયમના ઉદઘાટન બાદ વિશ્વ ક્રિકેટને અમદાવાદ તરફથી એક નવું નજરાણું મળશે.

જણાવી દઈએ કે, આ સૌથી મોટું સ્ટેડિયમ શહેરના મોટેરા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ આપવામાં આવ્યું છે. એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે.

આ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ મેદાન, ક્લબ હાઉસ, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.

સ્ટેડિયમનું માળખું એવું છે કે, જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રી મારે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દરેક ક્રિકેટ પ્રેમી તે બાઉન્ડ્રી જોઈ શકશે. કાર અને સ્કૂટરનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર્સ પાર્ક કરવાની વ્યવસ્થા છે.

આ સિવાય 75 કોર્પોરેટ બૉક્સ બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત કોઈ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવશે. સ્ટેડિયમ નજીક મેટ્રો લાઇન પણ લાવવામાં આવી છે. સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ પદ પર હતા ત્યારે સપનું જોયું હતું કે, મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે. આને મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવાતો હતો.

0Shares