- વાત સરકારની

‘નેશનલ આયુષ મિશન’ અંતર્ગત ગુજરાતના ૨૦ ગામોને ‘આયુષ ગ્રામ’ માટે કરાયા પસંદ

તા-10-02-2020 કેન્દ્ર સરકારના ‘નેશનલ આયુષ મિશન’ અંતર્ગત ગુજરતનાં ૨૦ ગામોને આયુષ ગ્રામ યોજના માટે પસંદ કરાયા છે. ‘આયુષ’ એ આયુર્વેદ, યોગ, નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી ઉપચાર પધ્ધતિઓનો સમુહ છે.

આયુષ વિભાગના નિયામક ભાવનાબેન પટેલના જણાવ્યા મુજબ ‘આયુષ ગ્રામ’ અંતર્ગત ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ‘આયુષ ગ્રામ’ના ખ્યાલ તરફ સંવેદનશીલ બનાવવામાં આવે છે. ઉપરાંત, ગ્રામજનોની દિનચર્યા બદલાય અને આયુષ ઉપચાર પધ્ધતિઓ લોકોની જીવનશૈલીમાં વણાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

તેઓના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના અસલાલી, જેતપુર અને શિયાળ ગામ. ગાંધીનગર જિલ્લાના કોલવડા, નારદીપુર, અને સાદરા ગામ. બરોડા જિલ્લાના દશરથ, સોખડા, અને વાઘોડિયા ગામ, ભાવનગર જિલ્લાના નવાગામ અને કોળીયાક ગામ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને અજબ ગામ. સુરત જિલ્લાનું જોલવા ગામ. રાજકોટ જિલ્લાનું ખાખીજળીયા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નંદાણા ગામ. મહેસાણા જિલ્લાનું માણસા તથા બોટાદ જિલ્લાનું ઢસાગામ પસંદ કરવામાં આવ્યા છે. કુલ ૨૦ ગામો માંથી ૮ ગામમાં આયુષ ગ્રામ પ્રકલ્પનું લોકાર્પણ સોમવારના રોજ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામને આયુષ ગ્રામ માટે પસંદ કરાયું છે.

સોમવારે બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે સોમવારે ‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ ખુલ્લું મુકવામાં આવ્યું. આ અંતર્ગત બાવળા તાલુકાના શિયાળ ગામના અંદાજે ૮ હજાર જેટલા ગ્રામજનોને આવરી લેવામાં આવશે. શિયાળ ગામ બહુધા પઢાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે.

‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, આયુષ ગ્રામ થકી શિયાળ ગામને પુરાતન ચિકિત્સા પદ્ધતિઓનો ઘર-આંગણે લાભ મળશે. ગ્રામજનો આમ તો ઘણી દેશી ઉપચાર પદ્ધતિઓ જાણતા હોય છે, ત્યારે સંસ્થાગત આયુષ ઉપચાર પદ્ધતિ આપણી દિનચર્યામાં પુનઃસ્થાપિત કરવાનો આ સુવર્ણ અવસર છે.

બાવળા મામલતદાર પી. આર. દેસાઇએ જણાવ્યું કે, તાજેતરમાં શિયાળ ગામ ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ થયો હતો ત્યારબાદ હવે ‘આયુષ ગ્રામ પ્રકલ્પ’ ગ્રામજનોના સંપૂર્ણ સ્વાસ્થ્યવર્ધન માટે પૂરક બની રહેશે.

જિલ્લા આયુર્વેદ અધિકારી એચ. એમ. જોષીએ જણાવ્યું કે, આયુષ ગ્રામ પ્રકલ્પ અંતર્ગત અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા, કાય ચિકિત્સા (હૃદય્રોગ, મધુમેહ, શ્વાસ, કાંસ, વગેરે), શલ્ય ચિકિત્સા (હરસ, મસા, ભગંદર, વગેરે), સ્ત્રી તથા બાલરોગ ચિકિત્સા, ચાંમડીના રોગનો વિભાગ અને હોમિયોપેથી ચિકિત્સા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ગામના ૨૫૦૦ કુટુંબને આયુષ કાર્ડ આપવામાં આવશે અને દરેક ગ્રામજનોની પ્રકૃતિ નક્કી કરી તે મુજબ આહાર-વિહારનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક શાળાના બાળકો તથા ગ્રામજનોને યોગ શીખવવામાં આવશે. આગામી એક વર્ષ દરમિયાન આયુષ ચિકિત્સા કેમ્પનું આયોજન નિયમિત કરવામાં આવશે. આમ સમગ્ર ગામ આયુષ થકી સુસ્વાસ્થ્ય મેળવે તેવા પ્રયત્ન કરવામાં આવશે. અહીં વિવિધ ઘરગથ્થું ઔષધિય-વનસ્પતિના ફાયદા જણાવતું પ્રદર્શન પણ ગ્રામજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

શિયાળ પ્રાથમિક શાળાના બાળકોએ ભવાઈ દ્વારા ગ્રામજનોને આયુષ ચિકિત્સા પદ્ધતિના ફાયદા સમજાવ્યા હતા. નાનકડા રંગલો અને રંગલી ગ્રામજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત બાળકોએ વિવિધ ઔષધિઓ પ્રદર્શિત કરતી અનોખી શોભાયાત્રા કાઢી હતી અને આયુષ કળશનું સ્થાપન કર્યું હતું.

આ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન હરીભાઈ ડાભી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર સિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી વી.કે. બારોટ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

0Shares