- વાત સરકારની

અમદાવાદઃ લૉ ગાર્ડન ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’નું CM રુપાણીએ કર્યું લોકાર્પણ

અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે તૈયાર થયેલ નવી મોડર્ન હાઇજેનિક ‘હેપ્પી સ્ટ્રીટ’નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ હેપ્પી સ્ટ્રીટમાં ખાણી-પીણીની સાથે-સાથે નાગરિકોને સાંજના સમયે ખુબ આનંદ પ્રાપ્ત થાય તેવો એક માહોલ પણ ઊભો કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્કચરની સાથે-સાથે હાઇજેનિક ફૂડ મળી રહે તેવી હેપ્પી સ્ટ્રીટ ઉભી કરવામાં આવી છે, જે એક સફળ પ્રયોગ છે. આ પ્રયોગને આગામી સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ અમલી બનાવશે. આ સાથે-સાથે અન્ય મહાનગરો માટે પ્રેરણારૂપ બનશે તેમ જણાવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 8.50 કરોડના ખર્ચે લૉ ગાર્ડન ખાતે તૈયાર કરાયેલા મોડર્ન હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ (હેપ્પી સ્ટ્રીટ)ની મુલાકાતે આવનારા નાગરિકોને વિવિધ પ્રકારની હાઇજેનિક ખાણી-પીણીની ચીજવસ્તુઓ ધરાવતી અંદાજિત 34 જેટલી ફૂડવાન હાઇજેનિક ફૂડ પીરસશે.

હેપ્પી સ્ટ્રીટની લંબાઇ 325 મીટર તથા પહોંળાઇ 26.5 મીટર છે. લૉ ગાડર્ન સાઇડની કમ્પાઉન્ડ વોલની ડિઝાઇન હેરિટેજ થીમ આધારિત કરવામાં આવી છે. લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટમાં પાર્કિંગની બાજુમાં સાઈકલ ટ્રેક અને ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે નવીન અદ્યતન બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં ફૂડ વાન ઊભી રહેશે ત્યાં એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે અને આખી સ્ટ્રીટ ફૂડમાં હેરિટેજ સ્ટ્રીટનો લુક આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર વિજયભાઇ નહેરા, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, અમદાવાદના ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલભાઇ ભટ્ટ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

0Shares