- વાત સરકારની

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

તા-06-02-2020 નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પને ખુલ્લો મુકતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વિદ્યાર્થિઓના ભાવિ ઘડતરની સાથે સાથે તેમના માટે રોજગારીના દ્વાર પણ ખોલ્યા છે.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મેગા પ્લેસમેન્ટ કેમ્પના માધ્યમથી રાજ્યના શિક્ષિત યુવક-યુવતીઓને નોકરી-રોજગારી અપાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના યુવાનો શૈક્ષણિક કારકિર્દી બાદ તેમના અભ્યાસ અને રૂચિને અનુરૂપ નોકરી મળે તે માટે રાજ્ય સરકારે સવિશેષ પ્રયાસો કર્યા છે એમ ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોને નોકરી મળે અને અથવા તો ઉદ્યોગ કે ધંધો કરીને આગળ વધતા યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે રાજય સરકારે પદ્ઘતિસરનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ‘વિદ્યાર્થી અને કંપની ડિરેક્ટરી’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી અને અનુદાનિત કોલેજો ખાતે હાલમાં સેમેસ્ટર 5 અને 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેઓના રસ, કલા અને કૌશલ્યો અનુસાર રોજગારીની તક ઉપલબ્ધ થાય તે હેતુથી 20 ફેબ્રુઆરી, 2020 સુધી 30 અલગ અલગ જગ્યાઓ પર પ્લેસમેન્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, જિલ્લા કલેકટર કે.કે નિરાલા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુ પંડ્યા, ઉપ કુલપતિ જગદીશ ભાવસાર, ઉચ્ચ શિક્ષણના નિયામક પી.ભારથી, નોડલ ઓફિસર બી.કે.જૈન, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત એ.યુ.પટેલ સહિત કોલેજ સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

0Shares