- વિચારબેંક

સર્વોચ્ચ અદાલતની પવિત્રતા અને વિશ્વસનિયતા અખંડ રહે તે જરૂરી

આપણા દેશમાં જાહેરજીવન એવું ભેળસેળીયુ થઈ ગયુ છે કે, ચિત્ર-વિચિત્ર સંજોગો, આઘાતજનક આક્ષેપો-પ્રતિઆક્ષેપો, કાવાદાવાઓ, ચારિત્ર્યહનનના કિસ્સાઓ, અમર્યાદ ભ્રષ્ટાચાર અને હની ટ્રેપની માયાજાળ વચ્ચે પ્રમાણિક, નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને કાયદાના શાસનને સમર્પિત રહી હિંમતપૂર્વક ફરજ બજાવતા, જીવન જીવતા કે લોકસેવા કરતા લોકો કઈ રીતે આગળ વધી શકતા હશે તેવો સવાલ મનમાં થાય છે, પરંતુ સાથે સાથે રાહત, સંતોષ અને ગૌરવ પણ થાય છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં આપણા દેશમાં અનેક લોકો પણ છે, જેઓ અનેક પ્રકારના પડકારો વચ્ચે પણ નિષ્કલંક રહીને કારકિર્દી કે જીવન પસાર કરી દેતા હોય છે. કસોટીના સમયે ચારિત્ર્યવાન માણસ ડગતો નથી અને તેને કોઈ ડગાવી શકતુ નથી, તે કોઈએ પણ યાદ રાખવા જેવી બાબત છે.     

તાજેતરમાં ભારતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ એક વિવાદમાં ફસાયા. તેમની સામે સુપ્રીમકોર્ટની જ એક ભૂતપૂર્વ કર્મચારીએ યૌનઉત્પીડન અને પરિવારની હેરાનગતિ કરવાનો આરોપ લગાવતો પત્ર 22 ન્યાયાધીશોને લખ્યો. આ પત્રને 4 વેબસાઈટે પ્રકાશિત કર્યા પછી ચીફ જસ્ટીસે શનિવારે સુપ્રીમકોર્ટમાં રજા હોવા છતાં તાત્કાલિક એક વિશેષ ખંડપીઠનુ ગઠન કરીને આ મામલે સુનાવણી કરી, જેમાં જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ સંજીવ ખન્ના અને તેઓ પોતે પણ સામેલ હતા. ગોગોઈએ અત્યંત ગંભીરતાપૂર્વક સમગ્ર બાબતને લઈને કહ્યુ કે, આ ઘટનાક્રમ પાછળ બહુ જ મોટુ કાવતરું છે. ન્યાયતંત્રની આઝાદી ખતરામાં છે. આગામી સપ્તાહમાં મારે કેટલાક મહત્વના લોકો સાથે સંકળાયેલા કેસોની સુનાવણી કરવાની છે એટલે એ મોટી તાકાતો ચીફ જસ્ટીસની ઓફિસને નિષ્ક્રિય કરવા માંગે છે. સુનાવણી ટાળવા જ આ બેહૂદા આરોપો લગાવાયા છે, પરંતુ કાર્યકાળ ખતમ ન થાય ત્યાં સુધી હું હોદ્દો નહિં છોડુ અને પક્ષપાત વિના નિર્ભય રહીને કામ કરતો રહીશ. આ ખંડપીઠમાં સામેલ બે અન્ય ન્યાયાધીશોએ કહ્યુ કે, આ મામલામાં કોર્ટ કોઈ જ આદેશ નથી આપતી મીડીયા પોતે જ સ્વવિવેકથી નક્કી કરે કે અયોગ્ય સામગ્રી પ્રકાશિત કરવાની છે કે નહી. ચીફ જસ્ટીસ બેન્ચના અધ્યક્ષ હતા પણ આદેશ આપવાનો નિર્ણય તેમણે બાકીના બે જજ પર છોડ્યો હતો અને પછી જાહેર કરાયેલા આદેશમાં ચીફ જસ્ટીસનુ નામ નહોતુ. આ કેસ હવે નવી બેન્ચ જોશે, જેમાં ચીફ જસ્ટીસ નહિં હોય.

ઘટનાક્રમની વધુ વિગત એવી છે કે જસ્ટીસ રંજન ગોગોઈના જણાવ્યા અનુસાર આગલા દિવસે એટલે કે શુક્રવારે સાંજે કેરેવાન, ધ વાયર, લીફલેટ અને સ્ક્રોલ વેબસાઈટે તેમનો સંપર્ક કરેલો અને કહેલું કે, સુપ્રીમકોર્ટની એક પૂર્વ કર્મચારીએ તેમના પર યૌનઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ શનિવારે સવારે સોલીસિટર જનરલના આગ્રહના કારણે તેમણે આ બેઠક બોલાવેલી. બેઠકમાં જસ્ટીસ રંજન ગોગોઈએ એ પણ કહ્યુ કે, મને જવાબ આપવા 10 કલાકથી પણ ઓછો સમય અપાયો છે. સુપ્રીમકોર્ટમાં દરેક કર્મચારી સાથે શિષ્ટ વ્યવહાર થાય છે, હું આવા આધારહિન આરોપોનો જવાબ આપવો યોગ્ય નથી સમજતો. શું 20 વર્ષની નિષ્કલંક કારકિર્દીનું આ ઈનામ છે ? મારી પાસે રૂપિયા 6.80 લાખનું બેન્ક બેલેન્સ છે અને પીએફમાં લગભગ 40 લાખ રૂપિયા છે. મારુ ખાતુ કોઈ પણ ચેક કરી શકે છે. આ મારી કુલ સંપત્તિ છે. મારાથી વધુ સંપત્તિ તો એક પટાવાળા પાસે પણ હોઈ શકે છે. પૈસાના મામલે લોકો મારી સામે આંગળી ઉઠાવી શકે એમ નથી, આથી આવા આરોપ લગાવી રહ્યા છે. મને નથી લાગતુ કે, આવુ ષડયંત્ર રચવાનુ સાહસ જુનિયર આસીસ્ટન્ટ કરી શકે. તેની પાછળ મોટી તાકાત હોવી જોઈએ.

આ ઘટના પ્રકાશમાં આવતા જ સમગ્ર દેશમાં જોતજોતામાં ખળભળાટ મચી ગયો. જે યુવતીએ આક્ષેપ કર્યા છે તેણે કહ્યું છે કે, ગયા વર્ષે 10-11 ઓક્ટોબરે ચીફ જસ્ટીસે તેની સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો અને પોતે વિરોધ કર્યો એટલે તેને નોકરીમાંથી હટાવી દેવાઈ હતી. દિલ્હી પોલીસમાં હેડ-કોન્સ્ટેબલ એવા તેના પતિને પણ 2012માં એક કેસમાં સમજૂતિ થઈ ગઈ હોવા છતાં સસ્પેન્ડ કરાવી દીધા અને વિકલાંગ દિયરને પણ સુપ્રીમકોર્ટમાંથી નોકરીમાંથી કાઢી મુકાવ્યા. યુવતિએ વધુ આરોપમાં એવુ કહ્યુ હતુ કે, ત્યારબાદ ચીફ જસ્ટીસ ગોગોઈ અને તેમની પત્નિ સામે તેને કરગરવા મજબૂર કરાઈ હતી અને તેને અને તેના પતિને છેતરપીંડીના એક કેસમાં પોલીસ મથકમાં બેસાડી રાખેલી, જ્યાં તેની સાથે મારપીટ તથા ગાળાગાળી કરાયેલી.

આ યુવતિ વિશે ચીફ જસ્ટીસે એવું કહ્યુ છે કે, જે મહિલાએ આરોપ લગાવ્યા છે તે 4 દિવસ જેલમાં હતી. તે મહિલાએ કોઈ વ્યક્તિને સુપ્રીમકોર્ટમાં નોકરી અપાવવાનુ જણાવી પૈસા લીધા હતા. તેની પણ તપાસ થવી જોઈએ કે આ મહિલાને અહીં નોકરી કેવી રીતે મળી ? તેની સામે તો કેસ છે. જો આ રીતે જજને નિશાન બનાવાતા રહેશે તો સારા લોકો જજ નહીં બને. કોઈ જજ કેસ નહીં સાંભળે. જજ પાસે માત્ર સન્માન હોય છે. તેને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. સન્માન પર જ હુમલો થશે તો  શું બચશે ? ન્યાયપાલિકાને બલિનો બકરો બનાવી શકાય નહીં.

આ ઘટનાના સંદર્ભમાં ભારતના એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, કોર્ટમાં સરકારનો બચાવ કરવાના કારણે મને પણ ટાર્ગેટ કરાયો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લાગે છે કે આ બ્લેકમેઈલનો પ્રયાસ છે. જસ્ટીસ અરૂણ મિશ્રાએ કહ્યુ કે, જો લોકોનો ન્યાયપાલિકામાં વિશ્વાસ જ નહિં રહે તો અમે કામ કેવી રીતે કરી શકીશું ? નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ મામલાને અત્યંત અફસોસજનક ગણાવી કહ્યું કે, લાગે છે કે સુપ્રીમકોર્ટની ગરીમાને ઘટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આવા સમયે સુપ્રીમકોર્ટની સાથે ઉભા રહેવાની જરૂરત છે.

સવાલ એ છે કે આવા આરોપો અચાનક કેમ આવતા હશે ? કહેવાતી યૌનઉત્પીડનની ઘટનાના 6 મહિના પછી આવા આક્ષેપો થાય તેને શું સમજવુ ? વળી જે મહિલાએ આક્ષેપો કર્યા છે તેનો ટ્રેકરેકોર્ડ પણ પોલીસ ચોપડે ગુનાઈત છે. જેલમાં 4 દિવસ જે રહી છે તેની વિશ્વસનિયતા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ સામે કેટલી કહેવાય ? વળી જે ષડયંત્રકારીઓ હશે તે સીધી કે આડકતરી રીતે એવા પ્રયત્નશીલ પણ રહેશે કે ગમે તેવા ઉચ્ચપદ પર બિરાજમાન હોય તેવા વ્યક્તિ સામે થયેલા આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એટલે કાયદાની દ્દષ્ટિએ ચીફ જસ્ટીસ સામે પણ તપાસ થવી જોઈએ. મેલીમુરાદવાળા તત્વોને ખબર હોય છે કે કાયદાના નામે પણ ચારિત્ર્યવાન લોકોને હેરાન કઈ રીતે કરી શકાય. ભૂતકાળમાં આપણા દેશમાં એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં ઉચ્ચપદ પર બિરાજી રહેલા અથવા બિરાજી ચૂકેલા પ્રતિષ્ઠિત વ્યક્તિવિશેષોને ક્યારેક ભ્રષ્ટાચાર તો ક્યારેક સેક્સ સંબંધિત આક્ષેપો દ્વારા ચારિત્ર્યહનનના પ્રયાસો થયા હોય અને અદાલતમાં તેઓ નિર્દોષ પુરવાર થયા હોય. અલબત્ત અદાલતમાં ભલે નિર્દોષ સાબિત થાય, પરંતુ ત્યાં સુધીમાં સમાજમાં અને દેશમાં પ્રતિષ્ઠા ધરાવતા આવા વ્યક્તિવિશેષોને ઘણુ ઘણુ ગુમાવવુ પડતુ હોય છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ જે રીતે કહ્યું તેમ પ્રમાણિક અને ઈમાનદાર લોકો માટે આબરૂ એ સૌથી વિશેષ હોય છે અને એટલે જ હલકા લોકો તેમની આબરૂ કઈ રીતે ધૂળધાણી થાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે.

જાહેરજીવનની તંદુરસ્તી માટે પ્રત્યેક નાગરીકની ફરજ એ છે કે આવી ઘટનાઓ કે આક્ષેપોની વાત જ્યારે સામે આવી હોય ત્યારે તુરંત જ કોઈ તારણ પર આવી જવાને બદલે તેમાં બંને તરફની હકીકતો તપાસવી જોઈએ, બંને તરફ સંલગ્ન વ્યક્તિઓના ટ્રેકરેકોર્ડ જોવા જોઈએ, આક્ષેપોના કારણોમાં ઉંડા ઉતરી યોગ્ય તારણ પર આવવુ જોઈએ. આજકાલના સમયમાં જે તે માધ્યમોની વિશ્વસનિયતા પણ ચકાસવી જોઈએ. આપણે ત્યાં નિર્દોષને ન્યાય સહેલાઈથી, સમયસર મળી જતો નથી તે હકીકત છે. આ પરિસ્થિતિનો દૂરૂપયોગ કરવાની સ્થાપિત હિતોને ઘણી ફાવટ છે ત્યારે આ જાગૃતિ જનજનમાં હોય એ અત્યંત જરૂરી છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના કિસ્સામાં નજીકના સમયમાં તેમના દ્વારા થનારી સંવેદનશીલ કેસોની સુનાવણી અને તે પણ લોકસભા ચૂંટણી જેવા સંવેદનશીલ સમયે હોવાની જસ્ટીસ ગોગોઈની દહેશત વિચારપ્રેરક અને ચિંતાજનક છે. આમછતાં આવી ઘટના નજર સમક્ષ આવી જ છે, ત્યારે આશા અને શ્રદ્ધા રાખીએ કે સુપ્રીમકોર્ટની પવિત્રતા અને વિશ્વસનિયતા સામે આવતા કોઈપણ પડકારોમાં દેશની જનતા હંમેશા સત્યના પક્ષે રહેતી હોવાના કારણે ષડયંત્રકારીઓની મુરાદ સામેની લડતમાં દેશની સર્વોચ્ચ અદાલત પણ સદા નિષ્કલંક સાબિત થતી રહેશે, જે તંદુરસ્ત લોકશાહી અને જનકલ્યાણ માટે અત્યંત જરૂરી છે.

0Shares