- વિચારબેંક

ઈલેક્ટોરલ બોન્ડ એટલે કાળા-ધોળા નાણાંની ‘પારદર્શક’ માયાજાળ !

કાળા નાણાંની ચર્ચા દેશમાં છેલ્લા કેટલાય વખતથી ચાલી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર તો કાળા નાણાં સામે જંગ આદરવાની લોકમાનસમાં આશાઓ જગાવીને સત્તા પર આવી છે. વળી 23-05-2014ના એક ચૂકાદામાં સુપ્રીમકોર્ટે એક અઠવાડિયામાં જ કાળા નાણાંની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાનો કેન્દ્ર સરકારને આદેશ આપેલો હોવાથી નવી સરકાર તરીકે એનડીએ સરકારે શાસનના પ્રથમ દિવસે જ કાળા નાણાંને વિદેશમાંથી શોધી લાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સીટની રચના કરેલી. ક્યારેક 25,000 કરોડ તો ક્યારેક 60,000 કરોડનું કાળુ નાણું વિદેશોમાં જતુ રહ્યું છે તેવી ચારેકોર ચર્ચાઓ ગઈ લોકસભાની ચૂંટણી દરમિયાન સાંભળવા મળતી હતી. લોકોમાં પણ એક તબક્કે વિશ્વાસ થવા લાગ્યો હતો કે નવી સરકાર આવશે તો વિદેશથી કાળુ નાણું પાછુ આવશે. એટલુ જ નહિં, નોટબંધી વખતે નાણાંમંત્રી અરૂણ જેટલી સતત કહેતા હતા કે નોટબંધી એ કાળાનાણાં પર એક સર્જીકલ સ્ટ્રાઈક છે !

        હવે આજે પાંચ વર્ષ પછી શું પરિસ્થિતિ છે તે સમજવુ હોય તો છેલ્લા એક મહિના પર જ નજર નાંખીએ. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એટલે ચૂંટણીપંચ પાસે કાળા નાણાંની હેરફેર પર નજર નાંખવાની પણ જવાબદારી છે. પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર મતદાન ગયા અઠવાડીયે સમાપ્ત થયુ ત્યાં સુધીમાં ચૂંટણીમાં ખર્ચો કરવા માટે થતી તમામ પ્રકારની હેરફેરમાં 530 કરોડ રૂપિયા દેશભરમાંથી જપ્ત થયા છે. 186.2 કરોડ રૂપિયાનો દારૂ, 41.4 કરોડ રૂપિયાની ભેટસોગાદો, 725.4 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ અને 426.8 કરોડ રૂપિયાના સોના-ચાંદી જપ્ત કરાયા છે. યાદ રહે, જે નાણું બિનહિસાબી છે તેને જપ્ત કરાય છે, અને હજુ તો છ તબક્કાનુ મતદાન બાકી છે ! આ સિવાય પણ આપણે ત્યાં પકડાય તેને જ ચોરી કહેવાય છે, એટલે સાચો આંકડો આ 1908.8 કરોડ કરતા કેટલો વધારે હશે તે કોઈને પણ સમજાય તેવી બાબત છે. કાળા નાંણાંની વિરૂદ્ધ જંગનો સરકારનો દાવો કેટલો પોકળ છે તેની આ સાબિતી છે.

        કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે લાવવામાં આવેલા ચૂંટણી બોન્ડ એટલે કે ઈલેક્ટોરલ બોન્ડ  એક એવું ગતકડુ છે, જે કાળા-ધોળા નાણાંની માયાજાળ સમાન છે. ચૂંટણી બોન્ડની વ્યવસ્થાને નાબૂદ કરવા માટે સુપ્રીમકોર્ટમાં એક યાચીકા દાખલ કરાઈ છે જેની સુનાવણી ચાલી રહી છે. આ યાચિકામાં હમણાં જ સુપ્રીમકોર્ટે રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે કે બોન્ડ દ્વારા મેળવવામાં આવેલા ફાળાની વિગતો સીલબંધ કવરમાં તે ચૂંટણીપંચને સોંપે. અલબત્ત સુપ્રીમકોર્ટે હજુ સુધી બોન્ડને રદ્દ કરવા અંગે કે જનતા સમક્ષ જાહેર કરવા અંગે કોઈ ચૂકાદો આપ્યો નથી. આમ છતાં આ ચૂકાદો પારદર્શિતાની દિશામાં એક પગલું ચોક્કસ કહી શકાય, જે આવકારદાયક છે.

આ ઈલેકટોરલ બોન્ડ શું છે તે સમજવા જેવું છે. ઈલેક્ટોરલ બોન્ડના વિરોધમાં ચૂંટણીપંચે જે સોગંદનામુ રજૂ કર્યુ છે એ જ ફરિયાદ કોમન કોઝ અને એડીઆર જેવા સામાજીક સંગઠનોની છે. ઈલેક્ટોરલ બોન્ડ એક પ્રકારની પ્રોમીસરી નોટ છે. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો જ વટાવી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડ રૂપિયાના હોય છે. રાજકીય પક્ષોને ફાળો આપવા માંગતી વ્યક્તિ કે કંપની આ બોન્ડ ખરીદીને જે તે રાજકીય પક્ષને આપે છે. રાજકીય પક્ષે આ બોન્ડ 15 દિવસમાં વટાવવાના રહે છે. જો રાજકીય પક્ષ 15 દિવસની અંદર આ બોન્ડ ન વટાવી શકે તો એ રકમ વડાપ્રધાન રાહત કોષમાં જતી રહે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીમાં એટલે કે માત્ર ત્રણ મહિના દરમિયાન 1716 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ વેચ્યા છે. ગયા વર્ષે 6 મહિનાના સમયગાળા દરમિયાન 1000 કરોડના બોન્ડ વેચાયા હતા. આનો અર્થ એ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં અજ્ઞાત સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનો મોટા પાયે ઉપયોગ થશે.

ઈલેક્ટોરલ બોન્ડની યોજનાની વિગત એવી છે કે, આ બોન્ડ જ્યારે કાયદાનુ સ્વરૂપ લઈ રહ્યો હતો ત્યારે ચૂંટણીપંચે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તે વખતે કેન્દ્ર સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારની નવી વ્યવસ્થા દ્વારા રાજકીય પક્ષોને મળતા ચૂંટણી ફંડમાં પારદર્શિતા આવશે. એક વર્ષના અનુભવ પછી સાબિત થયુ છે કે પારદર્શિતાના ઓઠા હેઠળ બનાવવામાં આવેલી નવી વ્યવસ્થા ભેદી અને અપારદર્શક જ છે. આવુ એટલા માટે કહી શકાય કે રાજકીય પક્ષો પોતાને મળેલા બોન્ડ રૂપી નાણાં કોણે આપ્યા, તે જાહેર કરવા માટે બંધાયેલા નથી !  આ દેશમાં એવા કેટલાય સ્વૈચ્છિક સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને નાગરીકો છે જે નિસ્વાર્થભાવે દેશહિત કાજે સક્રિય હોવાથી આવા મામલાઓ સામે બાંયો ચઢાવે છે અને અદાલતના દ્વાર પણ ખટખટાવે છે. આ મામલામાં ચૂંટણીપંચ પણ સરકારની યોજના સાથે એટલા માટે અસંમત છે કે ચૂંટણી પ્રક્રિયા સ્વચ્છ અને નિષ્પક્ષ રહે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. આ સૌ ઈચ્છે છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારાના નામ જાહેર કરવામાં આવે જેથી કરીને એ ખબર પડી શકે કે કોઈએ કોઈ પ્રકારની ફાયદાની ગણતરીમાં તો ચૂંટણી ફાળો નથી આપ્યો ને ? સરકારની દલીલ એવી છે કે ફાળો આપનાર લોકોનુ નામ ગુપ્ત રહેવુ જરૂરી છે કારણ કે તેમની ઓળખ છતી થતા રાજકીય પક્ષો કિન્નાખોરી રાખીને તેમને પરેશાન કરી શકે છે. સરકાર વતી રજૂ થયેલા એટર્ની જનરલે તો સુપ્રીમકોર્ટમાં એવી દલીલ કરી કે રાજકીય પક્ષોને મળતા ફંડ વિશે લોકોને જાણવાનો અધિકાર નથી અને તેમને જાણવાની શી જરૂર છે ?! પારદર્શિતા લાવવાના મુદ્દે સૌથી ઉંચા અવાજે વાત કરતી કેન્દ્ર સરકાર જનતાને શુ કહે છે અને અદાલતમાં શુ કહે છે, તેનો આ નમુનો છે.

અહિંયા બે બાબતો મહત્વની છે અને બંનેમાં સરકારનુ વલણ વિરોધાભાસી છે. પ્રથમ, કિન્નાખોરી રાખવાની વાત, તો આ વાત રાજકીય નેતાઓને લાગુ પડે છે. મતદાનના કિસ્સાઓમાં ક્યા વોર્ડમા કોણે કોને મતદાન કર્યુ તે જાહેર થઈ જવાથી રાજકીય નેતાઓ બેફામ વાણી-વિલાસ અને ધમકીઓ આપતા જોવા મળે છે, આમ છતાં એ ચિંતા કોઈ કરતુ નથી. બીજુ ગુપ્તતાની વાત, તો નક્કી થયેલી વ્યવસ્થામાં ઈલેક્ટોરલ બોન્ડ કોણે ખરીદ્યા છે તે સત્તાધારી પક્ષ સરળતાથી જાણી શકે છે. કારણ કે આ બોન્ડ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી ખરીદી શકાય છે અને બોન્ડ ખરીદનારે કેવાયસી ફોર્મ ભરવુ ફરજીયાત છે. આનો અર્થ એ કે સરકાર જાણી જ શકે કે બોન્ડ કોણે ખરીદ્યા છે. આવુ હોય ત્યારે કોણ એવી હિંમત કરે કે સત્તાધારી પક્ષને ફાળો ન આપે અને વિરોધપક્ષને આપે ?! એટલે ઉલટાનુ સત્તાધારી પક્ષ ફાળો ન આપનાર સામે કિન્નાખોરી ચોક્કસ રાખી શકે ! આંકડાઓ પર નજર કરીએ તો ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જે શરૂઆતમાં 221 કરોડ રૂપિયાનો ફાળો અપાયો છે તેમાં 210 કરોડનો ફાળો તો સત્તાધારી પક્ષ ભાજપને જ મળ્યો છે, જ્યારે બાકીના રાજકીય પક્ષોના ફાળે માત્ર 11 કરોડ આવ્યા છે. આ 11 કરોડમાંથી પાંચ કરોડ કોંગ્રેસને ફાળા પેટે મળ્યા છે. આ સાબિત કરે છે કે ઈલેક્ટોરલ બોન્ડની હાલની વ્યવસ્થા અન્યાયી છે.

હાલ પરિસ્થિતિ એવી છે કે રાજકીય પક્ષોને બોન્ડ દ્વારા મળતા ફાળાની વિગતો આપવામાંથી છૂટ મળેલી હોવાથી એ માહિતી મેળવવી મુશ્કેલ છે કે તેમને આ ફાળો દેશની કંપનીઓ દ્વારા મળ્યો છે કે વિદેશના સ્ત્રોતો દ્વારા. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીનો મત છે કે, ઈલેક્ટોરલ બોન્ડ એ સત્તાધારી પક્ષ, સરકાર અને કોર્પોરેટ સેક્ટર વચ્ચેના ગુપ્ત સંબંધોને છૂપાવવામાં મદદકર્તા છે. એટલું જ નહિં, ઈલેક્ટોરલ બોન્ડે એ અર્થમાં સાંઠગાંઠવાળા મૂડીવાદને કાયદેસરનુ સ્વરૂપ આપી દીધુ છે.

આપણા લોકશાહી દેશમાં પારદર્શિતાનુ મૂલ્ય અનેરૂ છે અને મહત્તમ કક્ષાએ તે જળવાવી જરૂરી છે. ભારતમાં એટલે જ માહિતી અધિકારનો કાયદો આવેલો છે જે દેશના નાગરીકોને જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર આપે છે. જો કે આજકાલ આ આરટીઆઈ એક્ટને પણ નબળો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે. કાયદાઓ સારા આશયથી બને અને સમય જતા તેની અસર નાબૂદ થતી જાય તેવા વ્યવહારો સરકાર કરે ત્યારે એ જ અનીતિ, એ જ અન્યાય, એ જ  ભ્રષ્ટાચાર અને એ જ ખોરી દાનત દેશને પીડે છે.

એટલુ સારું છે કે હાલ પુરતુ ચૂંટણી પંચે સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં 2017માં કાયદા મંત્રાલયને મોકલેલા પોતાના અભિપ્રાયને વળગી રહેવાનુ નક્કી કર્યું છે. સુપ્રીમકોર્ટનો હાલનો ચૂકાદો પારદર્શિતાની દિશામાં પહેલ તરીકે ભલે સારો છે, પરંતુ એ પણ હકિકત છે કે, અદાલત દ્વારા અપાયેલી તારીખ 30 મે પહેલા, અર્થાત ચૂંટણી પૂરી થઈ ગયા પછી ચૂંટણીપંચને વિગતો મોકલવાનો આદેશ અને માત્ર ચૂંટણીપંચ જ આ વિગતોથી માહિતગાર થાય, તેનાથી ખાસ કશું વળે નહિં. આશા રાખીએ કે વાત આગળ વધીને જનતા સુધી વિગતો આવે તે પ્રકારની વ્યવસ્થા ઈલેક્ટોરલ બોન્ડના કિસ્સામાં થાય તો સોનામાં સુગંધ ભળે.

0Shares