- વિચારબેંક

મત માટેની રાજરમતમાં હસવુ, રડવુ કે નક્કર કંઈક કરવુ ?

લોકસભા ચૂંટણી છે એટલે ધારણા હતી તે પ્રમાણે જ રાજકીય પક્ષોના પ્રચારમાં ગંભીર સમસ્યાઓ, વાસ્તવિક પરિસ્થિતિ કે ભાવિ આયોજન અંગેની કોઈ ચર્ચા સાંભળવા મળતી નથી, પરંતુ જાત-જાતની વાતો, ધડ-માથા વગરના આક્ષેપો-પ્રતિઆક્ષેપો, જૂઠ્ઠાણાઓ, નિમ્ન કક્ષાની ભાષાશૈલી, મતદારોને લોભાવવા, છેતરવા, ગુમરાહ કરવા અને છેવટે પોતાના તરફે આકર્ષવા તમામ પ્રકારના હાસ્યાસ્પદ અને ઘૃણાસ્પદ હોય તેવા તમામ નુસખાઓ અજમાવવા, એ આજના ભારતની ચૂંટણીના મેદાનનુ આબેહૂબ દ્દશ્ય છે. ભારતના બે મુખ્ય પક્ષોએ પોતાના મેનીફેસ્ટો પણ હવે જાહેર કરી દીધા છે. અલબત્ત સ્વયં પક્ષો કે દેશની જનતા આ મેનીફેસ્ટોને કેટલી ગંભીરતાથી લે છે તે પણ એક આજનો સવાલ છે. રાજકીય વાતાવરણ સરેઆમ કોલાહલયુક્ત, વિષયુક્ત અને ડહોળાયેલી માહિતીયુક્ત બની ચૂકેલુ છે, ત્યારે આ પરિસ્થિતિમાં દેશનો મતદાર સ્પષ્ટ હશે કે કેમ ? શાંત ચિત્તે પોતાનો નિર્ણય લઈ શકશે કે કેમ ? શું વિચારશે અને કોને પસંદ કરશે ? જેવા સવાલોભર્યું એક અત્યંત અનિચ્છનીય કહી શકાય તેવું ચૂંટણીચિત્ર તે આજની આપણી વાસ્તવિકતા છે.

આમા સવાલ એ થાય છે કે, દોષ કોનો ? શું આપણા રાજકીય નેતાઓ દેશના નાગરીકોને એટલા બધા મુર્ખ કે અસંસ્કારી સમજે છે કે જેના કારણે તેઓના વિચાર, વાણી, વર્તન આ પ્રકારના છે ? કે પછી જનતા તરીકે એ આપણી નબળાઈ છે કે જે રાજકીય નેતાઓને આ હદે વકરવા દે છે ? શું આ દેશમાં હવે મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતો, નીતિ-નિયમો કે સ્વચ્છ જાહેરજીવનની ક્યાંય કોઈને ખેવના પણ નથી રહી કે જેનો એક સામાન્ય મતદારને અહેસાસ થાય ? દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, તેના પર ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.  લોકસભાની આ ચૂંટણી વખતે આપણો દેશ એવા એક ગંભીર વળાંક પર ઉભો છે, જ્યાંથી હવે ચૂંટણીના પરિણામો પછી નક્કી થઈ જશે કે દેશ કઈ દિશા તરફ જશે. એક દિશા એ છે, જ્યાં પ્રગતિ, સુખ-ચેન, ઉન્નતિ, સદ્દભાવના અને લોકશાહી હશે, જ્યારે બીજી દિશા એ છે જ્યાં નફરત, અધોગતિ, કોલાહલ અને કકળાટ, વેર-ઝેર અને ટોળાશાહી હશે.

અત્યારે ચૂંટણીમાં ક્યા વિકાસના મુદ્દાઓ ચર્ચાય છે ? કોણ સામાન્ય માનવીની મુશ્કેલીઓ પર ધ્યાન દે છે ? શું રોટી, કપડા ઔર મકાનની બાબતોમાં 130 કરોડની જનતા ખુશખુશાલ છે ? શું દેશના સાત લાખ ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પર્યાપ્ત છે ? ધંધા-રોજગાર માટે ક્યાં પણ ઉત્સાહવર્ધક વાતાવરણ જોવા મળે છે ?  સરકારો કહે છે અમે કરોડો-અબજો રૂપિયા આપીએ છીએ તો શા માટે ખેડૂતો હજી હેરાન-પરેશાન છે ? ગરીબો, વંચિતો, દલિતોના નામે તો જાત-જાતનુ રાજકારણ દાયકાઓથી આજસુધી ખેલાતુ રહ્યું છે, છતાયં તેમની હાલત સુધરતી હોય તેવું ક્યાંય જાણવા મળે છે ? આમ છતાં શું આવી બધી બાબતોની ચર્ચા કરી શકે એવો કોઈ વિરલો કે રાજકીય પક્ષ આજના રાજકારણમાં જોવા મળે છે ?  જવાબ છે ના… ના… અને માત્ર ના…

એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે. નવા-નવા નેતાઓ આવતા જાય, નવા રાજકીય પક્ષો ઉમેરાતા જાય, નવી આશાઓ જન્માવતા જાય, શાબ્દિક અલંકારો બદલાતા જાય અને એટલે નવા-નવા વચનો અપાતા જાય અને મતદારો પણ મૂલ્યાંકનની પળોજણમાં પડ્યા વગર જે સારૂ બોલે એને સ્વીકારતા જાય, પણ આખરે તો આશા બધી નિરાશામાં જ ફેરવાતી જાય ! શું આપણા 130 કરોડના દેશમાં ક્યાંય કોઈ એવું દ્દષ્ટિગોચર થતુ નથી કે ઉભરી આવતુ નથી, જે શુદ્ધ ચારિત્ર્યવાન અને લોકહિતને સમર્પિત હોય, દેશની સમસ્યાઓને ઉકેલવાની તેનામાં સમજ સાથે આવડત હોય, ક્યાંય કોઈ રાજકીય આકાંક્ષા ન હોય પરંતુ માત્ર જનહિતની ખેવના અને પરિણામલક્ષી કાર્યોની કૂનેહ હોય ?! આટલો શૂન્યાવકાશ શા માટે ? અડધી સદીનો સમય એક રીતે જોઈએ તો બહુ લાંબો ન કહેવાય છતાં નવી પેઢી તરીકે જવાબદારી લેવાની જ હોય તો એવું અવશ્ય વિચારવુ પડે કે આવા ઘોર નૈતિક અધઃપતન માટે આપણે ક્યાં ભૂલા પડ્યા ?! ખેર, એવુ લાગે છે કે આજની એ નથી આપણી ચિંતા કે નથી પ્રાથમિકતા. મૂડીવાદ હાવી છે એટલે આપણે વિચારતંત્ર પર સ્વૈચ્છિક પ્રતિબંધ લાદ્યો છે. સત્વ સાથે ઓછી લેવા-દેવા પણ ગ્લેમરનુ આપણને હવે વધુ આકર્ષણ છે. માનવીય સંવેદનાઓની આંતરિક સમૃદ્ધિ હાસ્યાસ્પદ અને કૃત્રિમ આભા મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રહિત, સમાજહિત કે સામુહિકહિત બહુ દૂરની વાત, પણ વ્યક્તિગત સ્વાર્થની સરેઆમ બોલબાલા છે. કેટલાક અપવાદો બાદ કરતા આ બધુ એટલુ સહજ અને સ્વાભાવિક છે કે લોકશાહીનુ પર્વ ગણાતી ચૂંટણી તેના સાચા અર્થમાં પર્વ બની રહે છે કે કેમ ? તે આજનો સૌથી મોટો સવાલ છે.

હવે કેટલીક આંકડાની અને રાજકીય પક્ષોના નવા વચનોની વાત કરીએ કારણ કે, કાયદાના શાસનમાં છેવટે એ તો કરવુ જ પડવાનુ છે. કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં સૌથી વધુ મહત્વ હમ નિભાયેંગેને આપ્યુ છે. વિશ્વાસની અછતના વાતાવરણમાં આ પ્રતિબધ્ધતા ઉપર ભાર મુકીને લોકો સમક્ષ ઉપસ્થિત થવુ તે જરૂરિયાત મુજબની જવાબદારી લેવાની વાત છે. બીજુ કોંગ્રેસે તેના મેનીફેસ્ટોને જન કી બાતતરીકે રજૂ કરીને વ્યક્તિલક્ષીને બદલે લોકલક્ષી હોવા પર પ્રકાશ ફેંકવા પ્રયત્ન કર્યો છે. તેની મહત્વની બાબતોમાં ન્યાય યોજના હેઠળ 20% ગરીબ પરિવારોના ખાતામાં દર વર્ષે રૂ. 72000 જમા કરવાનુ વચન છે. કાયદાની ભાષામાં રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહ બે અલગ બાબત છે. રાષ્ટ્રદ્રોહ એ દેશવિરોધી ગુન્હાને તથા રાજદ્રોહ તે સરકાર વિરોધી ગુન્હા માટે હોય છે. રાજદ્રોહના ગુન્હા માટેની કલમનો સૌથી વધુ દૂરૂપયોગ અંગ્રેજો એ આપણી સામે કર્યો હતો. આજે પણ સરકારો સામે આ કલમના દૂરૂપયોગની ફરિયાદો આવતી રહી છે. સરકારને ન ગમતા અને તેની સામે સવાલો કરતા લોકોને ઢીલાઢફ કરી નાંખવા માટે થઈ રહેલ દૂરૂપયોગ પર અંકૂશ લાદવા કોંગ્રેસે રાજદ્રોહના કેસને લગતી પરિભાષા ધરાવતી આઈપીસીની કલમ-124/એ ને રદ્દ કરવાની બાંહેધરી આપી છે. આ ઉપરાંત આફ્સ્પાની કલમમાં સુધારો કરવાની વાત કરી છે. ખેડૂતો માટે અલગ બજેટ અને કૃષિલક્ષી લોન ન ચૂકવી શકે તો તેની સામે ક્રિમિનલ કેસ નહિં પરંતુ સીવીલ ગુન્હો ગણાય તે રીતની જોગવાઈ લાવશે. લોકસભા-વિધાનસભામાં 33% મહિલા અનામતની જોગવાઈ કે જે બંને મુખ્ય પક્ષો છેલ્લી ચાર ચૂંટણીથી આ વચન આપી રહ્યા છે તેનુ પુનઃ ઉચ્ચારણ થયુ છે. મનરેગા યોજના હેઠળ ગરીબને 100 ને બદલે 150 દિવસ કામ અપાશે. કુલ 487 જેટલા વચનોમાં ખેડૂત, ગરીબ, વંચિત, નાના અને મધ્યમ વેપારીઓ, મહિલાઓ, સહિત સમાજના વિવિધ વર્ગો માટે રાહત તથા શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં લોકોપયોગી વચનો અપાયા છે.

આની સામે ભાજપે પોતાના સંકલ્પપત્રમાં રાષ્ટ્રવાદની પોતાની વાતને આ વખતે વિકાસ કરતા વધુ મહત્વ આપ્યુ છે. 2014માં અપાયેલા વચનો દોહરાવવાની સાથે સાથે નવા વચનો પણ આપ્યા છે. નાના ખેડૂતો, દુકાનદારોને 60 વર્ષની વય પછી પેન્શન, રામમંદિર માટે પ્રયાસો તથા 370ની કલમ અને 35/એની કલમને હટાવવાની વાત કરી છે. કાશ્મીરી પંડિતોને વસાવવાનો ઉલ્લેખ થતા વર્તમાન મુદ્દતમાં તે અંગે શા માટે પ્રગતિ ન થઈ, તેની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. ગઈ વખતે વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપવાનુ વચન આપી ચૂકેલા ભાજપના આ વખતના સંકલ્પપત્રમાં 22 જેટલા ક્ષેત્રોમાં રોજગારી માટેની નવી તકો પેદા કરવાના પ્રયાસોની વાત છે, પરંતુ કોઈ જગ્યાએ રોજગારીના ચોક્કસ આંકડાનો ક્યાંય પણ ઉલ્લેખ નથી ! ભાજપનુ કહેવુ છે કે તેણે આ સંકલ્પપત્ર 6 કરોડ લોકોનો સંપર્ક કરીને તૈયાર કર્યો છે. ગૌરક્ષા અને કાળુનાણું જેવા મુદ્દાઓ પર આ વખતે ભાજપે કશુ કહેવાનુ હોય તેવુ ફલિત થતુ નથી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના મેનીફેસ્ટોને જૂઠ્ઠા વચનોની કક્ષામાં ગણાવ્યા છે અને પોતાના મેનીફેસ્ટોને સાચા જાહેર કર્યા છે.

અંતમાં, આ પરિસ્થિતિ વચ્ચે આપણને ક્યાંય પણ જો સકારાત્મક પરિવર્તનની અપેક્ષા હોય તો લોકશાહી દેશમાં ચૂંટણી સ્વાભાવિક રીતે જ અત્યંત મહત્વનો પ્રસંગ છે, જ્યારે સામાન્ય જનતાને પણ લાગે છે કે રાષ્ટ્રનિર્માણમાં તેનુ પોતાનુ પણ યોગદાન છે. આજની તારીખે  વિચારીએ તો કાયદાના શાસનમાં જે થયુ છે, થઈ રહ્યું છે અને થવાનુ છે, તેમાં એક નાગરીક તરીકે આપણે શું કર્યું અને શું કરી શકીએ તે તો કમ-સે-કમ નક્કર રીતે આપણા હાથની વાત છે અને મતદાન તેમાંનુ અત્યંત મહત્વનુ એક પગલુ હોવાથી જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને દરેકે પોતપોતાનુ નાગરીક કર્તવ્ય નિભાવવુ જોઈએ, તે આજની સૌથી અગત્યની વાત છે.

0Shares