- વિચારબેંક

મતદારને કહો કરે મતદાન, હવે તો ચૂંટણી એ જ નિદાન..

 દિવસ રવિવારનો હતો પરંતુ ભારતના ચૂંટણીપંચનુ કામકાજ ચાલુ હતુ. પત્રકાર પરિષદમાં ચૂંટણીપંચે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહિત બાર રાજ્યોની 24 બેઠકો પર પેટાચૂંટણી સાથે જ લોકસભા-2019 માટેની ચૂંટણી જાહેર કરી દીધી અને દેશભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ. 543 બેઠકો માટે 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના પરિણામો 23મી મે ના રોજ જાહેર થશે, ત્યારે જનમત અનુસાર નક્કી થઈ જશે કે મોદી સરકાર ટકશે, અટકશે કે જશે.

આમ તો દેશભરમાં ચૂંટણીનુ વાતાવરણ ક્યારનુય જામી ગયુ છે. રાજકીય પક્ષો આ ચૂંટણીમાં એડીચોટીનુ જોર લગાવવા મેદાનમાં આવી ચૂક્યા છે, છતાં ખાસ કરીને પુલવામાં હુમલા બાદ કેટલીક અનિશ્ચિતતાઓ પછી ચૂંટણીપંચની આ સત્તાવાર જાહેરાત પછી હવે દેશમાં કેન્દ્ર સરકારના પુર્નરાવર્તન કે પરિવર્તનની ઘડીઓ ગણાવા લાગી છે. ચૂંટણીની રૂપરેખા પર નજર નાંખીએ તો 11 એપ્રિલના પ્રથમ તબક્કામાં 20 રાજ્યોમાં 91 બેઠક પર, 18 એપ્રિલના બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 97 બેઠકો પર, 23 એપ્રિલના ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત 14 રાજ્યોની 115 બેઠકો પર, 29 એપ્રિલના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર, 6 મે ના પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર, 12 મે ના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર અને 19મી મે ના સાતમા અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન યોજાવાનો છે. લોકસભા ચૂંટણીમાં પહેલી વખત તમામ ઈવીએમ સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવનાર છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ ત્રણ જૂને સમાપ્ત થઈ રહ્યો છે એટલે નવી સરકાર જે પણ રચાશે તે ત્રણ જૂન પહેલા શાસનધૂરાં સંભાળી લેશે.

ગુજરાતની વાત કરીએ તો અહિંયા કુલ 4.47 કરોડ મતદારો છે, તે પૈકી 2,32,56,628 પુરૂષ મતદારો અને 2,14,88,437 મહિલા મતદારો છે. વય પ્રમાણે મતદાન કેવુ થશે તે સમજવુ હોય તો આંકડાઓ કહે છે કે, 18 થી 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા 49.49% છે એટલે કહી શકાય કે યુવા મતદારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ મતદારોમાં 7.67 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. અન્ય મતદારોમાં 20 થી 29 વર્ષની વયના 98,68,243; 30 થી 39 વર્ષની વયના 1,15,11,639; 40 થી 49 વર્ષની વયના 89,80,735; 50 થી 59 વર્ષની વયના 67,28,586; 60 થી 69 વર્ષની વયના 40,76,013; 70 થી 79 વર્ષની વયના 20,75,743 તથા 80 વર્ષથી વધુ વયના 7,38,156 છે.

ગઈ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં 282 બેઠકો ભાજપને, 44 બેઠકો કોંગ્રેસને, 37 બેઠકો એઆઈએડીએમકેને, 34 બેઠકો તૃણમુલ કોંગ્રેસને, 20 બેઠકો બીજુ જનતાદળને તથા અન્યોને 128 બેઠકો પ્રાપ્ત થયેલી. જો કે હાલની સ્થિતિમાં ભાજપ પાસે 273 બેઠકો છે, કોંગ્રેસ પાસે 48 તથા બાકીની જેમ ની તેમ સ્થિતિ છે. આ વખતે પણ દરવખતની માફક સત્તા મેળવવા માટેનો જાદુઈ આંકડો 272 બેઠકનો જ છે.  

રાજ્યોની રાજકીય પરિસ્થિતિ અલગ-અલગ છે. 332 બેઠકવાળા નવ રાજ્યોમાં પરિસ્થિતિ પેચીદી છે. આ રાજ્યો એટલે કે, ઉત્તરપ્રદેશમાં 80, પશ્ચિમ બંગાળમાં 42, આંધ્રપ્રદેશમાં 25, ઓરિસ્સામાં 21, કેરળમાં 20, તેલંગાણામાં 17, પંજાબમાં 13, દિલ્હીમાં 7 અને જમ્મુ-કાશ્મીરમાં 6 બેઠકો છે ત્યાં મહદ્અંશે ત્રિપાંખીયો જંગ જામવાનો છે, જેમાં સૌથી તીવ્ર રસાકસી ઉત્તરપ્રદેશમાં હશે કારણ કે, ત્યાં ભાજપ, કોંગ્રેસ, અને સપા-બસપા વચ્ચે મુખ્ય મુકાબલો છે. સામ-સામે જંગ હોય તેવા 144 બેઠકવાળા આઠ રાજ્યો જેવા કે, મધ્યપ્રદેશમાં 29, ગુજરાતમાં 26, રાજસ્થાનમાં 25, આસામમાં 14, છત્તીસગઢમાં 11, હરિયાણામાં 10, ઉત્તરાખંડમાં 5 અને હિમાચલપ્રદેશમાં 4,  બેઠકો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. સ્થાનિક સ્તરે સાથી પક્ષોને મોટા પક્ષ સાથે સાંકળી લઈએ તો 169 બેઠકવાળા પાંચ રાજ્યમાં એનડીએ વિરૂદ્ધ યુપીએનો જંગ છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્રની 48 બેઠકો, બિહારની 40 બેઠકો, તામિલનાડુની 39 બેઠકો, કર્ણાટકની 28 બેઠકો અને ઝારખંડની 14 બેઠકો સામેલ છે.

ચૂંટણીકીય સમીકરણો જોઈએ તો સત્તાધારી એનડીએ અને તેમાં પણ નેતૃત્વ કરતા ભારતીય જનતા પક્ષ માટે ગઈ ચૂંટણીના સંદર્ભમાં કેટલાક રાજ્યોમાં જનાધાર ઘટ્યો હોવાની આશંકા છે તો કેટલાક રાજ્યોમાં સુધારો થયો હોવાના એંધાણ છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભાજપે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના સાત રાજ્યો સહિત કુલ નવ રાજ્યોમાં નવી 50 બેઠકો જીતવાનો વ્યૂહ ગોઠવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ભાજપને 70 થી વધારે બેઠકોનુ નુકસાન થવાનો અંદાજ છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 428 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેમાંથી 282 બેઠકો જીતી હતી. અલગ અલગ 20 રાજ્યોમાં ગુમાવેલી 146 બેઠકો પૈકી 54 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા. આ ગુમાવેલી બેઠકો પૈકી 69 બેઠકો એવી છે જે પરંપરાગત રીતે ભાજપ માટે અનુકુળ ગણાતી ન હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં અહિંયા વાતાવરણ બદલાયું છે. આથી ભાજપ આ બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

કોંગ્રેસ માટે 2014 કરતા વધુ આશાસ્પદ વાતાવરણ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યોમાં તે ભાજપને છેલ્લા પાંચ વર્ષો દરમિયાન મ્હાત આપી શકી છે. રાહુલ ગાંધીએ પક્ષનુ નેતૃત્વ સંભાળ્યા બાદ લડાયક મિજાજ સાથે સંગઠનમાં નવો પ્રાણ ફુંકવાનું જે બીડુ ઝડપ્યું છે, તેમાં તેમને ખાસ્સી સફળતા મળી રહી છે. સત્તાધારી પક્ષ ભ્રષ્ટાચારના મુદ્દે રાફેલ સહિતના વિવાદોમાં ઘેરાયેલો છે. સીબીઆઈનો આંત્રિક કલહ, રીઝર્વ બેંક, સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની પત્રકાર પરિષદ યોજવા સુધીની ઘટના, નોટબંધી જેવા મનસ્વી નિર્ણયો, સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા પર તરાપ, જેવી બાબતોએ વિપક્ષોએ સરકારને ભારે ઘેરાબંધી કરી છે અને લોકમાનસ પણ સરકારની નીતિ-રીતી તથા કાર્યશૈલી અંગે શંકા કરતુ થયુ છે. ખેડૂતો, વંચિતો, અને નાના વેપારીઓ સરકારની અનેક યોજનાઓ પછી પણ ખુશ નથી. વ્યાપાર-ઉદ્યોગની મંદી જગજાહેર છે. સત્તાધારી પક્ષની આશા કાર્યકાળ દરમિયાનના લોકસેવાના સરવૈયાનો હિસાબ દેવાને બદલે રામમંદિર, 370મી કલમ, 35-એની કલમ, આતંકવાદ, પાકિસ્તાન જેવા મુદ્દાઓ પર વિશેષ રહેવાની સંભાવના છે. ચૂંટણીપંચે લશ્કરી કાર્યવાહીને ચૂંટણીના પ્રચારમાં લાવવા માટે રાજકીય પક્ષો સામે લાલ આંખ કરી છે, જે સરાહનીય છે.  

ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોમાં ત્રીજુ પરિબળ ગણાય તેવા પણ પોત-પોતાના રાજ્યોમાં અસરકારક હોય તેવા પક્ષોનું રાજકારણ વળી વધારે ગુંચવાયેલું છે. પ્રાદેશિક પક્ષો સમીકરણો બદલાવી પણ શકે છે, બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. આ પરિસ્થિતિમાં 272ના જાદુઈ આંકડાને પાર કરવા માટે કોંગ્રેસ અને ભાજપ જેવા બે પક્ષોને રણનીતિ ઘડવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે.

ચૂંટણીપંચની કામગીરીની કપરી પરીક્ષા આ વખતે થશે તે નિઃસંદેહ છે. ચૂંટણીપંચ વિશાળ સત્તાઓ ધરાવે છે અને લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા માટે તેની જવાબદારી છે. આમ છતાં ચૂંટણીપંચ પણ ચૂંટણી દરમિયાન વિવાદોના ઘેરામાં આવતુ રહે છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ વિપક્ષોએ માત્ર 42 બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળ તથા 40 બેઠકો ધરાવતા બિહારમાં સાત તબક્કામાં મતદાન યોજવાના ચૂંટણીપંચના તર્ક સામે સવાલો ઉઠાવ્યા છે. 39 બેઠકો ધરાવતા તામિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનુ છે, જ્યારે 48 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ચાર તબક્કામાં મતદાન યોજાવાનુ છે. આ એવા રાજ્યો છે, જ્યાં કોઈ આતંકવાદ, નક્સલવાદ કે ગંભીર પ્રકારની કહી શકાય તેવી કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ નથી. અલબત્ત મુક્ત અને નિષ્પક્ષ તથા ન્યાયી ચૂંટણી યોજવાની જવાબદારી વહન કરી રહેલા ચૂંટણીપંચના આયોજન સામે તેની નિષ્ઠા અંગે સવાલો ઉઠાવવા તે તંદુરસ્ત પ્રણાલી ન કહી શકાય. ચૂંટણીપંચને આધાર ન હોય ત્યાં સુધી વિવાદોથી મુક્ત રહેવા દેવામાં જ લોકશાહીની રખેવાળી છે.

આજના સંદર્ભમાં જોઈએ તો દેશની જનતા રાજકીય વાતાવરણથી ચિંતિત છે અને ઈચ્છે છે કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા 130 કરોડની વસતિના આપણા દેશમાં ચૂંટણીઓ હિંસક ન બને. રાજનેતાઓ અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરે, ચારિત્ર્યહનનનું નિમ્નસ્તરનું રાજકારણ ન ખેલે, નફરતનું વાતાવરણ ન સર્જે અને સાચા અર્થમાં તંદુરસ્ત હરિફાઈનું પ્રતિબિંબ પાડતા ચૂંટણીપર્વની ગરિમાં જાળવી હિંમતભેર જનતાજર્નાદનના નિર્ણયને સ્વીકારવા તત્પર અને સક્રિય બને, તે સમયની માંગ સાથે આ દેશની સદ્દગુણી અને સંસ્કારી જનતાની દિલની તમન્ના છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સત્તાપક્ષ પોતાની કાર્યસિદ્ધિઓ ગણાવે અને વિરોધપક્ષ તેને નકારે તો સાચુ શું સમજવું ? અને એટલે જ સમગ્ર વિષય પર લોકચૂકાદો પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો છે. મતદારને કહો કરે મતદાન, હવે તો ચૂંટણી એ જ નિદાન !

લોકશાહીમાં સરકારો આવે અને જાય, નેતાઓ ટકે કે બદલાય, પરંતુ આમ જનતામાં સદ્દભાવ અને ભાઈચારાનું વાતાવરણ જળવાય તો જ આપણે વિકસીત ભારત અને ઉન્નત ભારતની આપણી કલ્પનાઓને સાકાર કરી શકીશુ, તે હકીકત છે. આજની પળે આગામી લોકસભા ચૂંટણીમાં નિર્વિઘ્ને સફળતા મળે તે માટે ચૂંટણીપંચ ઉપરાંત સૌ રાજકીય પક્ષો, નેતાઓ, ઉમેદવારો તથા મતદારોને હાર્દિક શુભેચ્છાઓ.       

0Shares