- વિચારબેંક

કલમ-370ને દૂર કરવાનો સમય પાકી ગયો છે ?

આ લેખ લખવાની શરૂઆત કરું તે પહેલાં જ સારા સમાચાર આવ્યા છે કે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના બાલાકોટ વિસ્તારમાં પથરાયેલા જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીના અડ્ડાને વહેલી સવારે હુમલો કરીને ઉડાવી દીધો છે. પુલવામામાં આતંકી હુમલામાં આપણા 40થી વધારે જવાનો શહીદ થયા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધુ હતુ કે, એ હુમલાનો બદલો લેવામાં આવશે. ભારતીય વાયુ સેનાના 12 મીરાજ-2000 વિમાનોએ આતંકવાદીના કેમ્પ પર 1000 કિલોના બોમ્બ ફેંકીને તબાહી મચાવી અને તેમાં અત્યાર સુધીના અહેવાલો મુજબ 200 થી 300 જેટલા આતંકવાદીઓ મરાયા છે. જો કે પાકિસ્તાનનું કહેવુ એવું છે કે ભારતે ખાલી જંગલ વિસ્તારમાં બોમ્બ ફેંક્યા છે અને કોઈના મરવાની ખબર નથી ! જો કે પાકિસ્તાન વિશ્વસ્તરે પોતાની આબરૂ બચાવવા આવુ જ કહે તે સમજાય તેવી બાબત છે. ભૂતકાળમાં પણ જ્યારે ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરેલી ત્યારે પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ પત્રકારોને લઈને ભારતે હુમલો કર્યો તે સ્થળે પહોંચી ગયા હતા અને બતાવ્યુ હતુ કે જૂઓ, અહિંયા હુમલો થયો જ નથી !  નવાઝ શરીફ પત્રકારોને ક્યા સ્થળે લઈ ગયા હશે તે પાકિસ્તાન જાણે, પરંતુ પોતાના દેશમાં આતંકવાદીઓના કેમ્પો છે તે સ્વીકારવું પાકિસ્તાન માટે ક્યારેય સહજ ન હોઈ શકે.

ભારતની ઈન્ટેલીજન્સ એજન્સીઓ પાસે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કેટલાંક ચોક્કસ સ્થળોની જાણકારી હતી, જ્યાંથી જૈશ-એ-મોહમ્મદ પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે. આ વિસ્તારોમાં કેલ, શરડી, દૂધમિયાલ, અઠમુકામ, જુરા, લીપા, પ્કિબાન, ચામ, કઠુઆ, કાટલી, લાંજોટે, નિકીયાલ, ખુઈરેટ્ટા અને મંધાર સામેલ છે. ભારતીય વાયુદળે બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં જોરદાર બોંબમારો કર્યો હતો. આપણા વિમાનોએ પઠાણકોટ એરબેઝ અને મધ્યભારતના આદમપુર એરબેઝથી ઉડાન ભરી હોવાના અહેવાલો છે. ભારતના વિદેશ સચિવે પત્રકાર પરિષદ કરીને અધિકૃત જાણકારી આપી, પરંતુ પત્રકારોના સવાલોના જવાબ આપવા માટે ન રોકાતા વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારતીય વાયુદળને સલામ કરી છે. સરકારે બધા પક્ષોની એક બેઠક બોલાવી છે જેમાં વધુ માહિતી બહાર આવશે. અલબત્ત ભારતના આ પગલાંથી આતંકવાદ સામે એક મજબૂત સંદેશ ગયો છે અને ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અખત્યાર કરશે, તે બાબતની તેણે વિશ્વને જાણ કરી દીધી છે.

આતંકવાદ એ વિશ્વની સમસ્યા છે. કાશ્મીરમાં તેનો પગ-પેસારો પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ ઝીયા-ઉલ-હકના સમયથી શરૂ થયો છે. બે યુદ્ધ હાર્યા પછી પાકિસ્તાને પ્રોક્સી વૉર શરૂ કરી અને કાશ્મીર મુદ્દે ભારતને તોડવા માટે શક્ય તેટલા તમામ કારનામાઓ કર્યે રાખ્યા. આ વાત પાકિસ્તાનની છે, પરંતુ કાશ્મીર સમસ્યા ભારત માટે માથાના દુખાવા રૂપ બનતી રહી છે તેમાં એક મુદ્દો કલમ-370નો છે. ભારતના બંધારણની કલમ-370 શરૂઆતથી જ વિવાદો વચ્ચે ઘેરાયેલી છે, જે જમ્મુ-કાશ્મીરને વિશેષ પ્રકારના સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપે છે. આ કલમનુ માળખુ 1947માં શેખ અબ્દુલ્લા દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ કલમ શા માટે વિવાદીત છે તેના પર એક નજર નાંખવા જેવી છે.

મૂળ વાત એવી છે કે સ્વતંત્રતા પછી નાના રજવાડાઓને ભારત સાથે જોડી દેવામાં આવ્યા હતા, પરંતુ જમ્મુ-કાશ્મીર હજુ ભારતમાં જોડાયુ નહોતુ. આ દરમિયાન પાકિસ્તાન સમર્થક કેટલાક કબીલાઓ અને જૂથો દ્વારા જમ્મુ-કાશ્મીર ઉપર હુમલો કરવામાં આવ્યો અને કાશ્મીરના તે સમયના રાજા હરિસિંહે ભારત સાથે તુરંત જ જોડાણ કરવાનો અને ભારતમાં વિલીન થવાનો પ્રસ્તાવ મુક્યો. તે વખતે એવો સમય નહોતો જેમાં કાશ્મીર રાજ્યનુ ભારત સાથે જોડાણ કરવાની બંધારણીય પ્રક્રિયા હાથ ધરીને તાત્કાલિક પુરી કરી શકાય. કાશ્મીરની સ્થિતિ પેચીદી હતી. ત્યાં મુસ્લિમ બહુમતિ અને શાસન હિન્દુ રાજાનુ હતુ. ભારત-પાકિસ્તાનના ભાગલા ધર્મના આધારે થયા હોવાથી બંને કોમ વચ્ચે ભારે તંગદીલીનુ વાતાવરણ હતુ. આ સ્થિતિ વચ્ચે ગોપાલ સ્વામી આયંગરે સંઘીય સંવિધાન સભામાં કલમ-306-A દાખલ કરી જે પછીથી કલમ-370 તરીકે આજે પણ મોજૂદ છે.

  કલમ-370ના કારણે ભારતીય સંસદને જમ્મુ-કાશ્મીર માટે સંરક્ષણ, વિદેશી બાબતો અને સંચાર વ્યવસ્થા અંગે જ કાયદો ઘડવાનો અધિકાર છે. અન્ય બાબતે ભારત સરકાર કાશ્મીરમાં દખલ દઈ શકતી નથી. ભારત સરકાર જો કાશ્મીરમાં સંઘીય કાયદાઓ લાગુ કરવા ઈચ્છે તો તેને રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે. કાશ્મીરના લોકો પાસે બેવડી નાગરિકતા છે, તેઓ ભારતના અને સ્વતંત્ર રીતે કાશ્મીરના નાગરીકો હોય છે. જમ્મુ-કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ અને પ્રતિક પણ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ અથવા રાષ્ટ્રપ્રતિકોનુ અપમાન કરવામાં આવે તો તે અપરાધ ગણાતો નથી. ત્યાં સુપ્રીમ કોર્ટના આદેશ પણ માન્ય રાખવામાં આવતા નથી. જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યના નાગરીક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરીકતા રદ્દ થઈ જાય છે અને કાશ્મીરી મહિલા પાકિસ્તાની નાગરીક સાથે લગ્ન કરે તો તેના પતિને કાશ્મીરની નાગરીકતા મળી જાય છે ! આ કલમના કારણે પાકિસ્તાનીઓ પણ જો કાશ્મીરમાં રહેતા હોય તો તેમને ભારતની નાગરીકતા મળી જાય છે.

વિકાસની દ્રષ્ટિએ કાશ્મીર તદ્દન અવિકસીત રહ્યું છે તેમાં પણ આ કલમની મોટી ભૂમિકા છે. અન્ય રાજ્યના લોકો અહિંયા જમીન ખરીદી શકતા નથી અને એટલે કાશ્મીરની બહારથી કોઈ મૂડી રોકાણકારો પણ આવતા નથી. પરિણામે ધંધા-રોજગારની સમસ્યા અતિવિકરાળ છે. આતંકવાદ પ્રસરી શકવા પાછળ આ પણ એક કારણ છે. આતંકવાદીઓ નિર્દોષ યુવાનોને પૈસાની લાલચમાં ફસાવે છે અને આતંકવાદના રસ્તે વાળે છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જ્યારે ભારતના અન્ય રાજ્યોમાં 5 વર્ષનો કાર્યકાળ હોય છે. કાશ્મીરની મહિલાઓ પર શરિયત લાગુ કરવામાં આવે છે. ત્યાં પંચાયત પાસે કોઈ અધિકાર હોતો નથી. આપણા આરટીઆઈ, આરટીઈ જેવા કાયદાઓ અને કેગ પણ ત્યાં ચાલતા નથી. કાશ્મીરમાં લઘુમતીઓમાં હિન્દુઓ અને શીખો છે પણ તેમને 16 ટકા અનામત મળતી નથી.

જમ્મુ-કાશ્મીરનુ પોતાનુ બંધારણ છે જે 1956માં અમલી બનેલુ છે. આ બંધારણ પ્રમાણે ત્યાં નો સ્થાનિક નાગરીક એવી જ વ્યક્તિ ગણાય છે જે 14મી મે-1954થી રાજ્યનો નાગરીક હોય અથવા તેની પહેલાંના 10 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં રહેતો હોય. આ ઉપરાંત આ તારીખની 10 વર્ષ પહેલાંથી કોઈ જમીન કે સંપત્તિ તેના નામે હોય તો પણ તેને નાગરિકતા અપાય છે. વિશેષ વ્યવસ્થા એવા નાગરિકો માટે આપવામાં આવી છે ભાગલાં દરમિયાન પાકિસ્તાન જતા રહ્યા હતા અને થોડા સમય પછી પાછા કાશ્મીરમાં આવીને વસ્યા હતા. આવા નાગરિકોને કાશ્મીરની નાગરિકતા આપવા અંગે વિશેષ છૂટ આવેલી છે. વળી અહિંયા અન્ય રાજ્યના લોકો સરકારી નોકરી કરી શકતા નથી અને તેમને કોઈ પોસ્ટીંગ અપાતુ નથી. આર્ટીકલ-360 હેઠળ દેશમાં આર્થિક કટોકટી લાગુ કરવાની જે સત્તા છે તે કાશ્મીરમાં લાગુ કરી શકાતી નથી.

આ સિવાય પણ એવા ઘણાં મુદ્દા છે જેના કારણે જમ્મુ-કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ હોવા છતાં ભારત સાથે એકરસ થઈ શક્યું નથી. કાશ્મીરના નાગરિકો પણ ભારતીય હોવાનું ગૌરવ અનુભવવાથી દૂર જોવા મળે છે. ભારતની તિજોરીમાંથી હરપળે કરોડો રૂપિયા માત્ર કાશ્મીર પાછળ ખર્ચાતા હોવા છતાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેને માટે જો બંધારણની આવી કોઈ કલમ આડખીલી રૂપ બનતી હોય તો તેને દૂર કરવી અત્યંત જરૂરી છે. કાયદાકીય રીતે જોઈએ તો આમ પણ તે કલમ અસ્થાયી સ્વરૂપે દાખલ કરવામાં આવેલી. તે સમયે શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નહેરુ વચ્ચે કલમ-370 લાગુ કરવા અંગે જે બેઠક યોજાઈ હતી તેમાં શેખ અબ્દુલ્લાએ એવી દલીલ કરી હતી કે બંધારણમાં તેનો ઉલ્લેખ કામચલાઉ તરીકે ન કરાય અને આ કલમના આધારે રાજ્યને સ્વાયત્તતા આપવાની માંગણી કરેલી પરંતુ કેન્દ્રએ તે ફગાવી દીધેલી. આજે પણ કલમ-370 માટે બંધારણમાં ટેમ્પરરી શબ્દ ઉલ્લેખાયેલો છે. આથી આઝાદીના 70 વર્ષ પછી પણ આ કલમનું જો અસ્તિત્વ ચાલુ હોય તો તેને દૂર કરવી કે શા માટે ન કરવી, તેની દેશવ્યાપી ચર્ચા, ચિંતન, મનન જરૂર થવુ જોઈએ. કાશ્મીરીઓએ પણ તેમના ભલા માટે આ વિષય પર છેલ્લા સાત દાયકાનુ વિશ્લેષણ કરવુ જોઈએ અને પછી જ તેઓ યોગ્ય તારણ પર આવી શકે.

આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં કલમ-35 A ને હટાવવા માટેની પણ માંગણી ઉઠી છે. સામે પક્ષે તેને નહીં હટાવવા માટે પણ જબરજસ્ત વિરોધ ચાલુ છે. આ કલમ-35 A ત્યાંની વિધાનસભાને સ્થાનિક રહેવાસીની પરિભાષા નક્કી કરવાનો અધિકાર આપે છે. આ મામલે ભારતની સર્વોચ્ચ અદાલતમાં પણ સુનાવણી ચાલી રહી છે. આમ, બદલાયેલા સમય અને સંજોગોમાં કાયદાકીય સ્તરે પણ ફેરફારો થાય તે જરૂરી હોય છે. ભારત એક છે અને ભવિષ્યમાં પણ જો તેને એક રાખવુ હોય તો ભારતીયો વચ્ચે ભારતીયતાની બાબતમાં વૈચારિકસ્તરે પણ ક્યાંય ભેદ જણાતો હોય તો તેનુ નિદાન વિનાવિલંબે થવુ જોઈએ. કલમ-370 પણ આવુ જ એક કારણ છે જેનો ઉપાય આવશ્યક છે.

0Shares