- વિચારબેંક

કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ એ જ ભારતનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા

14મી ફેબ્રુઆરી 2019નો દિવસ ભારત માટે ક્યારેય ન ભૂલાય તેવો ગમગીન બની રહ્યો. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 78થી વધુ ગાડીઓમાં જઈ રહેલા ભારતના CRPFના 2500 જેટલા જવાનોના કાફલા પર આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના આતંકીએ આત્મઘાતી હુમલો કર્યો અને ભારતના 40થી વધારે જવાનો શહીદ થઈ ગયા. આ સમાચાર ભારતભરમાં વાયુવેગે પ્રસરી ગયા. સમગ્ર દેશ સ્તબ્ધ અને ગમગીન બની ગયો.

આ લખાઈ રહ્યું છે ત્યારે અલગ-અલગ છાવણીઓમાં શું સિનારીયો છે તેના પર એક નજર કરીએ. શહીદોના પરિવારોમાં ગ્લાનિ છવાયેલી છે. વેદના, આક્રોશ અને ઘણે અંશે નિરાશાભર્યુ વાતાવરણ છે. વર્ણવી ન શકાય તેવી અત્યંત દુઃખદાયક પરિસ્થિતિ છે. એક તરફ સીઆરપીએફ, સૈન્ય, અર્ધસૈન્ય સુરક્ષાદળો, પોલીસ જેવા સશસ્ત્ર દળો અત્યંત સક્રિય બની જઈ નાગરીકોની સુરક્ષાકાજે પોતાના જાનને જોખમમાં મૂકી આતંકવાદીઓને સાફ કરવા દિવસ-રાત એક કરીને કેટલીય પ્રકારની મર્યાદાઓ વચ્ચે જરા પણ જુસ્સો ગુમાવ્યા વગર દેશની આન-બાન-શાનની રક્ષા કરી રહ્યા છે. એક તરફ સરકાર અને વહિવટી તંત્ર છે જે બની ગયેલા બનાવના સંદર્ભમાં ઘનિષ્ઠ તપાસ અને આગામી રણનીતિ પર વિચાર કરી વિના વિલંબે ક્યા ક્યા પગલાં લઈ શકાય છે, તેના પર અત્યંત ગંભીરતાપૂર્વક સક્રિય છે. ડિપ્લોમેટીક સ્તરે પાકિસ્તાનને અટુલુ પાડવા, આતંકવાદીઓની કમ્મર તોડી નાંખવા, અલગાવવાદીઓ પર નિર્ણાયક અંકુશ લાદવા, સુરક્ષાદળોને છૂટો દોર આપી તમામ જરૂરી પગલાં લેવા જેવી મહત્વપૂર્ણ બાબતો પર કાર્યરત છે. વિપક્ષોએ સરકારને આ બાબતમાં દેશહિતમાં જે કાંઈ જરૂરી લાગે તે પગલાં લેવા પર સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. અલબત્ત રાજનૈતિક સ્તરે જોઈએ તો દેશ એક સૂરે બોલી રહ્યો છે અને વિશ્વભરમાં તેની અસર જણાય છે. 50 જેટલાં દેશો ભારતના સમર્થનમાં આગળ આવ્યા છે.

એક છાવણી એવી છે જે બેજવાબદાર નિવેદનો કરી રહેલા રાજકીય નેતાઓ, પ્રવક્તાઓ, કાર્યકર્તાઓથી ભરપૂર છે જે અત્યંત ગમગીન કહી શકાય તેવી આ ગંભીર ઘટનાની સંવેદનશીલતા સમજ્યા વગર તેમાંથી પણ રાજકીય લાભાલાભની ગણતરી કરવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે જનમાનસ પર પોતાના પક્ષની તરફેણમાં કઈ રીતે વાતાવરણ બને કે જે કમ સે કમ ચૂંટણી સુધી ટકેલુ રહે તે જોવા આતુર અને સક્રિય છે. દેશહિત કરતા પક્ષહિત તેઓને મન વધારે મહત્વનું છે. ક્યારેક એવુ પણ જણાય છે કે આવુ રાજકીય પક્ષોની રણનીતિ અનુસાર થઈ રહ્યું છે.

એક છાવણી પ્રચાર-પ્રસાર માધ્યમોની છે, જેણે એક તરફ ખૂબ જાગૃતિ દાખવીને હિંમતપૂર્વક માહિતી તથા સમાચારોને દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યા છે. શહીદોને શ્રદ્ધાસુમન સાથે સવા સો કરોડની જનતા શહીદોના પરિવારોના દુઃખમાં ભાગીદાર છે, તેની અનુભૂતિ કરાવી છે. સરકાર અને વહિવટી તંત્રની ચૂક સામે નિર્ભિકપણે ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષાદળોનો જુસ્સો વધારવામાં ભૂમિકા ભજવી છે. આમ છતાં કમનસીબે પ્રીન્ટ, ઈલેક્ટ્રોનિક, ડિજીટલ અને સોશિયલ મીડિયા પર સક્રિય એક હિસ્સો એવો પણ છે, જેમાં ‘બદલા’ના નામે, ‘રાષ્ટ્રપ્રેમ’ના નામે, ‘પાકિસ્તાન વિરોધ’ના નામે દેશમા નફરત ઉત્પન્ન કરવાનુ, જુઠ્ઠાણા ફેલાવવાનુ, પોતાને માફક ન હોય તેવા સત્યવક્તા અને સ્પષ્ટવક્તાઓ સામે ટ્રોલીંગ કરવાનુ અને આ ગંભીર ઘટનાને ‘તક’ સમજી ચૂંટણી પહેલાં રાજકીય લાભ રળી લેવાનુ પણ ચાલી રહ્યું છે ! પ્રચાર-પ્રસાર માધ્યોમો તથા સોશિયલ મીડિયામા જોવા સાંભળવા મળતા ઉશ્કેરણીજનક અહેવાલો, લેખો, ટીવી ચર્ચાઓ, વોર્ટસ એપ મેસેજીસમાં કેટલાક બુધ્ધિ(!)પૂર્વક સક્રિય છે તો કેટલાક ભોળપણમાં દોરાયા છે. કેટલાક દેશપ્રેમના કારણે વેદનાગ્રસ્ત બની આવા અભિયાનમાં વગર વિચાર્યે માત્ર સંવેદનશીલ બની જોડાઈ ગયેલા છે, તો કેટલાક ‘ઈનફ ઈઝ ઈનફ’ના તારણ સાથે સમજદારીપૂર્વક હવે સંયમ અને ધીરજ દાખવવા માગતા નથી તેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક નાગરીકો પણ છે.

એક તરફ કાશ્મીર છે જે સમસ્યાના કેન્દ્રમાં છે, જ્યાં આ વાસ્તવિક ધરતી પર આ લડાઈ ચાલી રહી છે. ત્યાંના નાગરીકોમાં ભારતપ્રેમી નિષ્ઠાવાન નાગરીકો પણ છે અને પથ્થરબાજોના પરિવેષમાં ભારત વિરોધી માનસિકતા ધરાવતા અલગતાવાદી તત્વો પણ છે. આ તત્વો પાકિસ્તાન તરફી પણ છે, સ્વતંત્ર કાશ્મીરના હિમાયતી પણ છે અને ભારતના સૈન્યની વિરૂદ્ધ સતત ઝેર ઓકતા અને આતંકવાદના ઓછાયા હેઠળ ભટકી ગયેલા શાંતિ અને સુખાકારીના દુશ્મનો પણ છે. આ રાજ્યમાં 370ની કલમની ચર્ચા છે, 35-એ ની ચર્ચા છે, આતંકવાદ અને બેરોજગારીની વિકરાળ સમસ્યા છે. પાકિસ્તાનનો પડછાયો તેને સ્પર્શતો રહે છે. રાજકીય સ્તરે દિશાશૂન્ય વાતાવરણ છે. હાલ રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે અને સ્થાનિક રાજકીય પક્ષોની ભૂમિકા પેચીદી પરિસ્થિતિ વચ્ચે વિવાદોના ઘેરામાં છે. કુલ મળીને જોઈએ તો કાશ્મીર અને કાશ્મીર મામલે ભારત વેદનાગ્રસ્ત છે. સમસ્યા જાણે અસાધ્ય છે. સરકારો અને રણનીતિકારો દિશાશૂન્ય છે અને ઉકેલ માટે આશાવાદી પરિબળો નબળા બની રહ્યા છે. ‘હવે શું ?’ નો પ્રશ્ન અને જવાબની આતુરતા સવા સો કરોડ ભારતીયોના મનમાં છે.

છેલ્લા પાંચ દિવસમાં અનેક પ્રકારની માહિતી બહાર આવી છે. દોષારોપણનો સીલસીલો પણ ચાલી રહ્યો છે. સત્ય, અર્ધસત્ય અને અસત્ય બધુ જ એક સાથે ખીચડીમાં દેશની જનતાને પીરસવામાં આવી રહ્યું છે ત્યારે કોણ સાચુ અને કેટલુ સાચુની પળોજણમાં પડવાને બદલે કાશ્મીર સમસ્યાના મૂળમાં જઈને કાયમી ઉકેલ આણવાની તત્પરતા, નિર્ણાયકતા અને સફળતા સુધીના સંકલ્પને સાકાર કરવામાં હજુ આપણે શા માટે ઉણા ઉતરીએ છીએ તે ચિંતા અને આત્મમંથન કરવાની જરૂર છે. આ હુમલો પ્રથમ નથી. આ અગાઉ પણ 1995માં કાલુચક સૈન્યના વિસ્તારમાં, નવેમ્બર-1999માં બદામીબાગ લશ્કરી મુખ્યાલય પર, 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પરિસરમાં, તે જ વર્ષમાં ડોડામાં, એપ્રિલ-2004માં બારામુલ્લા જિલ્લાના ઉરીમાં, જૂન-2005માં શ્રીનગરમાં, જુલાઈ-2008માં બારામુલ્લા હાઈવે પર, જૂન-2013માં શ્રીનગરમાં લશ્કરી બસ પર, જુલાઈ-2015માં ગુરૂદાસપુરમાં એક યાત્રી બસ પર, જાન્યુઆરી-2016માં પઠાણકોટમાં વાયુસેના બેઝ ઉપર, 2016માં પંપોર ખાતે સીઆરપીએફ બસ પર, જૂન-2016માં અનંતનાગ ચેકપોસ્ટ પર, સપ્ટેમ્બર-2016માં ઉરી ખાતે સેનાની છાવણી પર, નવેમ્બર-2016માં જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આર્મી કેમ્પ ઉપર, એપ્રિલ-2017માં કુપવાડામાં પંજગામ ખાતે સૈન્યના કેમ્પ પર, જુલાઈ-2017માં અમરનાથ યાત્રીઓની બસ પર, ઓગસ્ટ-2017માં પુલવામાં પોલીસ લાઈનમાં, ફેબ્રુઆરી-2018માં સુંજવા ખાતે સૈન્યના કેમ્પ ઉપર આતંકવાદીઓએ હુમલા કર્યા છે જેમાં આપણા સંખ્યાબંધ જવાનો શહીદ થયા છે. ગૃહ મંત્રાલયના 8-ડિસેમ્બર-2018 સુધીના આંકડા મુજબ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 11 વર્ષ દરમિયાન નાની-મોટી એવી 3948 આતંકી ઘટનાઓ ઘટી છે, જેમાં આપણાં 651 જવાનો શહીદ થયા છે, 447 નાગરીકોએ જાન ગુમાવ્યા છે અને 1941 આતંકીઓ માર્યા ગયા છે. આ આતંકીઓમાં 311ને ઠાર કરયા છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં જેના તીવ્ર પ્રત્યાઘાતો પડેલા તેવી ત્રણ આતંકવાદી ઘટનાઓમાં એક, ભારતીય સંસદ પર હુમલો, બે, મુંબઈની તાજ હોટલ પર હુમલો અને ત્રણ, ભારતના વિમાનનુ કંદહાર ખાતે અપહરણ. આવી ગંભીર ઘટનાઓના સિલસિલા પછી પણ આતંકી ઘટનાઓ આપણે રોકી શક્યા નથી તે એક કમનસીબ વાસ્તવિકતા અને આપણી નબળાઈ છે, જે આપણને ગંભીરતાપૂર્વક વિચારવા મજબૂર કરે છે.

કાશ્મીર સમસ્યાના સંદર્ભમાં ભૂતકાળથી લઈને આજ સુધી રાજકીય તેમજ વહિવટી સ્તરે ઘણી યોજનાઓ અમલમાં મુકાઈ છે. સકારાત્મક અને માનવતાવાદી અભિગમ પણ દાખવવામાં આવ્યો છે. લોકશાહી ઢબે અને બંધારણ મુજબ સંનિષ્ઠ પ્રયત્નો પણ થયા છે. આંતરરાષ્ટ્રિય સ્તરે કાશ્મીર પ્રશ્નને પાકિસ્તાન દ્વારા ચગાવવામાં આવ્યો છે. બે દેશો વચ્ચે સીધુ યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલા પણ ભારતે કરી દીધા છે. કાશ્મીરના વિકાસ અને કાશ્મીરીઓની સુખાકારી માટે ભારત સરકારે અબજો રૂપિયા ખર્ચ્યા છે. આમ છતાં કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. હજુ પણ કાશ્મીરમાં અલગાવવાદીઓ મજબૂત અને સક્રિય છે. યુવાનો સૈન્ય પર પથ્થર ફેંકે છે. પથ્થર બાજોને સજા કરનાર મેજર ગોગોઈ જેવાને માફી માંગવા સુધીની નોબત આવે છે. રાજકીય જોડાણોની બાબતમાં કોઈ પણ પક્ષ કારગલ ઉકેલ લાવવામાં સહાયભૂત થઈ શક્યો નથી.

1947ની સ્થિતિ તથા આજના સંદર્ભમાં અનેક પરિવર્તનો આવ્યા છે. દેશ અને દુનિયામાં પણ અનેક પરિવર્તનો થયા છે. 370ની કલમ નાબૂદ થાય તો તેનો લાભ કાશ્મીરને જ પહેલો મળી શકે તેમ હોવા છતાં શા માટે આપણે કાશ્મીરીઓને સમજાવી શકતા નથી અથવા કાશ્મીરીઓ સમજવા માંગતા નથી ?! શું આ ચર્ચા દેશભરમાં સદ્દભાવનાપૂર્વક, સકારાત્મક રીતે ન થઈ શકે ? આ કલમના કારણે જ મૂડીરોકાણકારો કાશ્મીરમાં જઈ શકતા નથી અને કાશ્મીરીઓને રોજગારી અને વિકાસના મીઠા ફળો પ્રાપ્ત થઈ શકતા નથી. સમગ્ર વિશ્વમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં છે ત્યારે વિદેશીઓ ભારતભરમાં બિઝનેસ કરી રહ્યા છે, પરંતુ ભારતની એકતા કે અખંડિતતા જોખમાય તેવી સ્થિતિ હજુ સુધી તો દ્રષ્ટિગોચર થઈ નથી. આ સંદર્ભમાં કાશ્મીરીઓએ પણ દૂરંદેશીપૂર્વક વિચારવુ જોઈએ અને રાજકીય સ્તરે તેમજ પ્રજાકિય સ્તરે પરસ્પર વિશ્વાસ પેદા કરવો જોઈએ. ભલે, એક તરફ આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની યોજના પર ભારત એક બનીને આક્રમકતાપૂર્વક લડી લે, પરંતુ સાથે સાથે સમય ગુમાવ્યા વગર એક લાંબાગાળાના સર્વાંગી વ્યૂહ હેઠળ કાશ્મીર સમસ્યાના કાયમી ઉકેલને ભારતના સૌથી મહત્વપૂર્ણ એજન્ડા તરીકે હાથ ધરવો જ પડશે.

જેઓ શહીદ થયા છે, તેમના દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના આજે સમગ્ર ભારત દેશનો પ્રત્યેક નાગરીક અંતઃકરણપૂર્વક કરી રહ્યો છે, ત્યારે સૌ શહીદોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા આજની પળે આપણો એક સંકલ્પ અનિવાર્ય છે કે હવે વધારે કોઈ આતંકી ઘટના ન થવા દઈએ કે જેમાં આપણો કોઈપણ શૌર્યવંતો બહાદુર જવાન શહીદ થાય.

0Shares