- વિચારબેંક

થૂંકણિયા જોડાણો અને સત્તાકારણનો વરવો ખેલ દેશને ક્યાં લઈ જશે ?

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ અઠવાડિયે 22 વિપક્ષી રાજકીય  પક્ષોના નેતાઓની હાજરી સાથે વિશાળ જનમેદની અને તીખા તમતમતા ભાષણોથી દેશે ફરી એકવાર લોકસભા-2019ના ચૂંટણી જંગનું ટ્રેલર જોયું. હાજર રહેલા નેતાઓમાં એક ભૂતપૂર્વ વડાપ્રધાન, ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ, પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ, પાંચ પૂર્વ કેન્દ્રિય મંત્રીઓ, રાષ્ટ્રમંચ સંગઠનના નેતાઓ એવા યશવંત સિંહા અને અરૂણ શૌરી, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને ભારતીય જનતા પક્ષના સાંસદ એવા શત્રુઘ્ન સિન્હા સહિત ભારતના રાજકારણમાં દિગ્ગજ કહી શકાય તેવા ઘણાં નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતના બે જુવાનિયાઓ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીને પણ ડાયસ પર સ્થાન આપવામાં ભાજપ વર્સીસ ઓલ બનવાનો વ્યૂહ પ્રગટ થતો હતો. યજમાન તરીકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના તેજ-તર્રાર સુપ્રીમો એવા મમતા બેનર્જીએ તરખાટ મચાવવા માટે શક્ય તેટલું શક્તિ પ્રદર્શન કરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. દિલ્હી સરકારને બદલી નાંખવાની હાકલ અને વિપક્ષી એકતાની આહલેક સાથે મહાગઠબંધનનો આ રેલો ચૂંટણીકીય ગરમાટો ચોક્કસ લાવી ગયો છે. કુમારસ્વામી, અરવિંદ કેજરીવાલ, એમ.કે.સ્ટાલિન, અખીલેશ યાદવ, તેજસ્વી યાદવ, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, ચંદ્રાબાબુ નાયડુ, શરદ યાદવ સહિતના નેતાઓએ જે કાંઈ કહ્યું તેમાં મુખ્ય સૂર એ હતો કે, મોદી સરકાર હટાવો અને અમને દેશનું સુકાન સોંપી દો, કારણ કે, ‘લોકશાહી ખતરામાં છે, છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની જોડીએ વિનાશ વેર્યો છે, જુઠ્ઠાણાંઓ ચલાવ્યા છે, રાજ્યોના હિતને પારવાર નુકસાન પહોંચાડ્યું છે, સંસ્થાઓ તૂટી રહી છે, ધર્મના નામે સમાજના ભાગલા કરાઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર ચારેકોર છે, દેશના ટુકડા કરવાની ચાલ ચલાઈ રહી છે, બેરોજગારીએ માઝા મૂકી છે, ખેડૂતો પાયમાલ છે, બંધારણ ખતરામાં છે, સીબીઆઈ, ઈડી જેવી તપાસ સંસ્થાઓ દ્વારા રાજકીય હરીફોને ખતમ કરવાના ખેલ ખેલાઈ રહ્યા છે અને એટલે હવે દેશને ગમે તેમ કરીને બચાવી લેવાની જરૂર છે !’ 

રેલીના દિવસે વડાપ્રધાન ગુજરાતમાં હતા અને તેમણે સીન પારખી જઈને કટાક્ષમાં વળતો પ્રહાર કરતા કહ્યું કે ‘વાહ ક્યા સીન હૈ!’. પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ અમિત શાહની રેલીને રોકવા માટે મમતાએ ઘણાં પ્રયત્નો કર્યા અને છેક સુપ્રીમ સુધી કહ્યું કે ભાજપ કોમી રમખાણ કરાવવા માટે યાત્રા કાઢી રહ્યો છે. સુપ્રીમે પણ ઝીણવટપૂર્વકના અવલોકન પછી લોકશાહીમાં અપાયેલો અધિકાર નંદવાય નહિં અને રમખાણો પણ ન થાય તે રીતે ચોક્કસ ફેરફારો અને જવાબદારી સાથે સંલગ્ન પક્ષો આગળ વધી શકે તે રીતનુ વલણ દાખવતા હવે અમિત શાહ પશ્ચિમ બંગાળના માલદામાં અને ત્યારબાદ જારગ્રામ તથા બીરભુમમાં રેલીઓને સંબોધવાના છે. 

લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે દેશમાં રેલીનું રાજકારણ ખેલાવાનું શરૂ થઈ ગયુ છે. સાત મહિના પહેલાં કર્ણાટકમાં કુમારસ્વામીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં આવી જ એક ‘વિપક્ષી એકતા’નો સંદેશ આપતી રેલી યોજાયેલી. એક સમય હતો જ્યારે લોખંડી મહિલા ગણાતા ઈન્દિરા ગાંધી સામે વિપક્ષોએ એકજૂટ બની લડત આદરી હતી. જો કે તે સમયે નવનિર્માણના આંદોલન દરમિયાન સર્વમાન્ય લોકનાયક તરીકે જયપ્રકાશ નારાયણ ઉભરી ચૂક્યા હતા, જેઓ સત્તાના રાજકારણ સાથે સંકળાયેલા નહોતા. તેઓ કોઈ એક પક્ષના ન હોવાથી તેમના દિશાદર્શન મુજબ અન્ય વિપક્ષો એકજૂટ થઈ શક્યા હતા. જો કે  તે સમયે પણ ઈન્દિરા ગાંધીએ પોતાના પરાજય બાદ કહ્યું હતું કે, આ વિપક્ષી એકતા નારંગી જેવી છે જે ટૂંક સમયમાં જ અલગ અલગ ફાડમાં છૂટી પડી જશે. થયું પણ એવું જ, માત્ર અઢી વર્ષના ગાળામાં જ મોરારજી દેસાઈની જનતા પક્ષની સરકાર તૂટી પડી. ચરણસિંહ વડાપ્રધાન બન્યા અને તેઓ વડાપ્રધાન તરીકે સંસદગૃહમાં એક પણ દિવસ બેસ્યા વિના ઘરભેગા થઈ ગયેલા. 

આ વખતે વિપક્ષી એકતાના પ્રયાસોમાં દરેક નેતાઓને પોતાનો પક્ષ સાથે ચોંટેલો છે! આથી કોઈપણ નેતા હજુ સુધી એવો ઉભરી શક્યો નથી કે જેનો દરેક નેતાઓ અને તેમના પક્ષ પર વ્યક્તિગત પ્રભાવ હોય. આજની તારીખે જ જોઈએ તો પણ પચ્ચીસ જેટલા ભાજપ વિરોધી પક્ષમાં દસ જેટલા વડાપ્રધાનના ઉમેદવારો છે. ગઠબંધન એટલે કે મોરચાની દ્રષ્ટિએ જોઇએ તો મુખ્યત્વે એક ભાજપ અને તેના સાથીઓનો મોરચો એનડીએ છે. બીજો યુપીએ કે જેમાં કોંગ્રેસ અને તેના વિશ્વાસુ કહી શકાય તેવા શરદ પવારની એનસીપી, સ્ટાલિનની ડીએમકે, લાલુ યાદવની આરજેડી અને એચડી દેવગૌડાની જનતાદળ (એસ) એવા સાથીઓનો મોરચો છે. ઉત્તર પ્રદેશમાં પોતાની રીતે ગઠબંધન શરૂ કરી દેનાર સપા અને બસપા કેટલાક પક્ષોને માયાવતીના નેતૃત્વ હેઠળ પોતાની તરફ ખેંચવા આતૂર છે. મમતા બેનર્જી પોતાની રીતે વડાપ્રધાન બનવાની તૈયારીમાં લાગી ગયા છે. એક મોરચો એવો છે જેમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જેવા પોત-પોતાના રાજ્યોના મહારથીઓ છે. નવીન પટનાયકનું બીજુ જનતાદળ, ચંદ્રશેખર રાવની ટીઆરએસ અને જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વળી આ બધા ગઠબંધનોથી વ્યૂહાત્મક કારણોસર પોતાને અલિપ્ત રાખવા માંગે છે. ડાબેરીઓ એવા છે જેઓ કોઈના સાથી બનવા માગતા નથી અને બીજુ કોઈપણ એમને સાથી તરીકે ઝટ સ્વીકારવા તૈયાર નથી. 

આ સમગ્ર ચિત્રમાં વર્તમાન રાજકીય સમીકરણો પ્રમાણે સ્પષ્ટ દેખાય છે કે, રોજ નવો આકાર લેતા ગઠબંધનો એવા છે, જેમાં અટપટી વ્યાખ્યામાં આવતા જુદી-જુદી કેટેગરીના મિત્રો છે. આમાં મિત્રો-મિત્રો, શત્રુઓના શત્રુ એવા મિત્રો, રાષ્ટ્રિય સ્તરે મિત્રો અને પ્રાદેશિક સ્તરે દુશ્મનો એવા મિત્રો, બધી બાજુ પગ રાખવા મથતા મિત્રો, આવા ભાતભાતના ચિત્ર-વિચિત્ર સમીકરણો આંત્રિક સ્તરે પ્રવર્તી રહ્યા છે. આ ઉપરાંત દરેક પક્ષમાં પ્રથમ હરોળના અને દ્વિતિય હરોળના નેતાઓ વચ્ચે મતભેદો છે. નેતાઓની મહત્વાકાંક્ષા કોઈને પણ સર્વમાન્ય ફોર્મ્યુલા પર સંમતિ સાધવા સામે આડખીલીરૂપ છે. રાજકારણીઓની વિચારધારા સાથેની વફાદારી એ હવે ભૂતકાળની બાબત બનવા લાગી છે. 

વાસ્તવિકતા એવી છે કે લોકસભાની ચૂંટણી બાદ યા તો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સત્તારૂઢ થાય, અથવા કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર સત્તારૂઢ થાય, અને ત્રીજો વિકલ્પ એવો હોય જેમાં ભાજપ વિરોધી અને કોંગ્રેસ વિરોધી એવા મોરચાની સરકાર રચાય જેને ભાજપ કે કોંગ્રેસનું બહારથી સમર્થન હોય. ત્રીજા વિકલ્પની આશામાં મોટાભાગના નેતાઓ હાલ દોડાદોડ કરી રહ્યા છે, પરંતુ આ સૌ પોતપોતાના રાજ્યોમાં શક્તિશાળી ભલે હોય, પરંતુ રાષ્ટ્રિય રાજકારણમાં તેમનો પ્રભાવ ઓછો છે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો લોકમાનસમાં નરેન્દ્ર મોદી જેટલું શક્તિશાળી અને પ્રભાવી નેતૃત્વ અન્ય કોઈ જણાતુ નથી. ત્યારપછી હવેના સંજોગોમાં રાહુલ ગાંધીએ સારું એવું કાઠુ કાઢ્યું છે અને તેનો પ્રભાવ પણ વ્યાપક બન્યો છે, પરંતુ તે સિવાય અન્ય કોઈ પક્ષમાં એવો નેતા દેખાતો નથી જેનો રાષ્ટ્રિયસ્તરે પ્રભાવશાળી જનાધાર હોય. આ સંજોગોમાં 1996માં જે રીતે કોમરેડ હરકિશનસિંહ સુરજીત દેવગૌડાને  વડાપ્રધાન તરીકે શોધી લાવ્યા હતા, તેમ હાલના મોરચાના નેતાઓમાં કમ સે કમ 10 થી 12 જેટલા નેતાઓ પોતે પણ કોઈક ને કોઈક રીતે વડાપ્રધાનની ખુરશી પર ગોઠવાય જાય, તે માટેના સપનાઓથી સજ્જ અને આશાવાદી છે. અલબત્ત ભારતની જનતાને એ સમયે જે રાજકીય અસ્થિરતા જોવા મળેલી તે યાદ છે. અને તેથી જ ત્રીજા મોરચાનું શાસન લોકો પસંદ કરે તે શક્યતા નહિવત્ત છે. પ્રાદેશિક પક્ષો જ્યારે રાષ્ટ્રનુ સુકાન સંભાળે, ત્યારે પૂંછડી કુતરાને હલાવે તેવો ઘાટ સર્જાય છે તેનો સાક્ષી આખો ભારત દેશ છે. ઉત્તર પ્રદેશમાં માત્ર 35 બેઠકો હોવા છતાં માયાવતી મુખ્યપ્રધાન બની ગયેલા! આવું કેન્દ્રમાં થાય તો દેશની ટ્રેજડી કહેવાય.  

ભારતમાં જુદા જુદા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો બળવાન છે. આગામી ચૂંટણીમાં ભાજપ સામે જેમ વિરોધ છે તેમ કોંગ્રેસ સામે પણ વિરોધ છે વિભાજીત જનાદેશની શક્યતામાં ત્રીજા મોરચાને લાભ થાય તો તે ખતરાની ઘંટી સમાન બની રહેશે, તે અનુભવે સમજી શકાય તેમ છે. હાલ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તિસગઢ અને ઝારખંડ કે જે હિન્દી બેલ્ટ કહેવાય છે તેમાં કુલ 245 લોકસભાની બેઠકો છે આ વખતે 2014 જેવી મોદી લહેર દેખાતી નથી. તાજેતરની પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ પણ ઉત્સાહીત છે. હિન્દી બેલ્ટમાં પડેલો ઘસારો પશ્ચિમ બંગાળ તથા ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સરભર કરવાની ભાજપની ગણતરી સામે કોંગ્રેસ સાથીઓ સાથે નક્કર વ્યૂહરચના સાથે કઈ રીતે આગળ વધી શકાય, તે દિશામાં વિચારશીલ અને સક્રિય છે. કુલ મળીને જોઈએ તો ભારતભરમાં મતો વહેંચાઈ ન જાય તો સત્તાધારી પક્ષને તકલીફ પડે તેમ છે. આમછતાં સીનારીયો જે જોવા મળે છે તેને સર્વાંગી રીતે તપાસતા હજુ ચિત્ર અસ્પષ્ટ છે. 

કુલ મળીને જોઈએ તો પરિસ્થિતિ એવી છે કે, ‘બીજાના દુઃખે સુખી રહેવુ’ અને ‘હું ભલે ડુબુ પણ બીજાને ય ડુબાડુ’ તેવી ’મનઃસ્થિતી’ અને ‘રણનીતિ’ વચ્ચે રાજકીય પક્ષો સત્તાના રાજકારણમાં ગોટે ચડ્યા છે અને દેશને પણ ગોટે ચડાવવા તૈયાર છે !

0Shares