- VICHAR BANK

ગરીબ સવર્ણોને અનામત – આશાભરી પહેલ કે રાજકારણનો ખેલ ?

 

 દેશમાં એક નવી અને આવકાર્ય શરૂઆત થઈ છે. ધર્મ અને જાતિને બદલે આર્થિક આધાર પર ગરીબ સવર્ણોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરતો 124મો બંધારણીય સુધારા ખરડો લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બંને ગૃહોમાં મોટી સરસાઈથી પસાર થયા બાદ કહી શકાય કે સવર્ણ ગરીબોને આજસુધી જે તકના સંદર્ભમાં અન્યાય થઈ રહ્યો હતો, તેમાં પરિવર્તન આવી શકે છે. જો કે સમગ્ર ખરડાને બંધારણીય સ્વરૂપે અમલી બનાવવામાં હજુ ઘણી લાંબી સફર બાકી હોવાનુ જણાય છે, છતાં લોકશાહીનુ પ્રતિબિંબ પાડતી દેશની સર્વોચ્ચ સંસ્થા એવી સંસદ જ્યારે એક સૂરે કંઈક કહેતી હોય તો અવરોધોને પણ પાર પાડી શકાય છે, તેવી હૈયાધારણ પણ અસ્થાને નથી. સામાન્ય રીતે બંધારણીય સુધારા ખરડાને લોકસભા અને રાજ્યસભા ઉપરાંત દેશની ઓછામાં ઓછી 50 ટકા વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ સંસદમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીના કહેવા અનુસાર આ બંધારણીય સુધારા ખરડાને રાજ્યો પાસે મંજૂરી માટે મોકલવાની જરૂર નથી અને એવું જો હોય, તો હવે સરકાર તેને સીધો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. રાષ્ટ્રપતિ પણ આ બંધારણીય સુધારા ખરડો હોવાથી પુનઃવિચારણા માટે સંસદને પરત મોકલી શકતા નથી. જો કે સમગ્ર બાબત સરકાર કહે છે તે રીતે મૂળભૂત અધિકારની વ્યાખ્યામાં આવે છે કે કેમ ? તેના પર હવે પછી કેવો વિલંબ થઈ શકે છે તે જોવાનું રહેશે. 

ગરીબ સવર્ણ અનામતના ખરડામાં જે વર્ગને અનામતનો લાભ હજુ સુધી મળી રહ્યો નથી તેઓને કોઈપણ ધર્મ કે જાતિનાં બાધ વિના વાર્ષિક રૂપિયા 8 લાખથી ઓછી આવક ધરાવતા નાગરીકોને આ અનામતનો લાભ મળશે. અલબત્ત, બ્રાહ્મણ, રાજપૂત, ઠાકુર, જાટ, મરાઠા, ભૂમિહાર, કાપુ, કમ્મા, પટેલ, જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સહિતના જનરલ કેટેગરીમાં આવતા તમામ સમુદાયોના આર્થિક રીતે નબળા ઉમેદવારોને આ લાભ હવે મળશે, તેવી આ બાબત છે. લાભાર્થીના માપદંડોમાં એવું છે કે જેમને અત્યાર સુધી કોઈ પ્રકારનો અનામતનો લાભ મળી શક્યો નથી, જેમની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય, જેમની પાસે રૂ. 5 લાખથી ઓછા મૂલ્યની ખેતીની જમીન હોય, જેમની પાસે 1000 ચો.ફૂટથી નાનુ એવુ માલિકીનું આવાસ હોય, જેમની પાસે નિગમની 109 ગજથી ઓછી સંપાદિત જમીન હોય, જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની બિનસંપાદિત જમીન હોય.

જે અહેવાલો છે તેના મુજબ ખરડામાં જે શબ્દો જે રીતે લખાયા છે, તેમાં ગુંચવાડો જણાય છે. ઉદાહરણ તરીકે જેમની પાસે 1000 ચો.ફૂટથી નાનુ એવુ માલિકીનું આવાસ હોય અને જેમની પાસે માલિકીનુ આવાસ હોય, પરંતુ 1000 ચો.ફૂટથી મોટુ ન હોય એ બંને વાક્યમાં મોટો તફાવત છે. કોઈની પાસે મકાન જ ન હોય તો તેને શું અનામત લેવા માટે 1000 ચો.ફૂટથી નાનુ એવું માલિકીનું આવાસ લેવુ જ પડશે ? આ પ્રશ્ન તદ્દન બાલીશ અને વાહિયાત જણાય, પરંતુ અમલના સ્તરે અધિકારીઓ આવા જ પ્રશ્નોથી લોકોને દુઃખી કરી મૂકે છે. આ જ રીતે જેમની પાસે રૂ. 5 લાખથી ઓછા મૂલ્યની ખેતીની જમીન હોય તેઓને લાભ મળશે, પણ જેમની પાસે જમીન જ ન હોય તેમને શું અનામતનો લાભ લેવા માટે ક્યાંક જમીનનો ટુકડો ફરજીયાત બતાવવા પડશે ?  આશા રાખવી રહી કે ખરડાના શબ્દોમાં અધુરપની શક્યતા ક્યાંય દૂર દૂર સુધી ન હોય.

આ ખરડો જે રીતે પસાર થયો છે તેને માટે દરેક રાજકીય પક્ષોને અભિનંદન આપવા જોઈએ. સરકારની પહેલને અનુમોદન આપવાની બાબતમાં સૈદ્ધાંતિક રીતે એકાદ-બે અપવાદ બાદ કરતા કોઈએ પણ વિરોધ કર્યો નથી, તે મહત્વનું છે. જો કે ખરડાની વિગતવાર ચર્ચા થઈ તેમાં છીંડા ઘણાં જણાયા છે તેની નોંધ લેવી રહી. સવર્ણ ગરીબો માટે 10 ટકા આર્થિક અનામતના બીલમાં દર્શાવ્યા મુજબ રૂ. 8 લાખની વાર્ષિક આવક અને 5 એકર જમીનના માપદંડોની સંસદમાં ચર્ચા થઈ ત્યારે કેન્દ્રના સામાજીક ન્યાય અને સશક્તિકરણ વિભાગના મંત્રી થાવરચંદ ગહેલોતે સ્પષ્ટતા કરી કે આ માપદંડો હજુ વિચારણા હેઠળ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. આ બાબતમાં રાજ્યોની પરિસ્થિતિ પણ જુદી-જુદી છે એટલે દરેક રાજ્યમાં એક સરખા ધોરણો કઈ રીતે અમલી કરવા તેનો પ્રશ્ન ઉભો છે. વળી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત ક્વોટા એ રાજ્યના અધિકાર ક્ષેત્રમાં આવતી બાબત હોવાથી રાજ્યોને પોત-પોતાની જરૂરીયાત અનુસાર તેમાં ફેરફાર કરવાની સત્તા હોવી જોઈએ.

કેટલાંક અવલોકનો એવા છે કે જે આ ખરડાની સફળતાના માર્ગમાં શંકા ઉપજાવે તેવા છે. કેટલીક બાબતો ટેકનિકલ છે, કેટલીક બાબત સૈદ્ધાંતિક છે તો કેટલીક બાબતો રાજકીય છે. અગાઉ 1992માં નરસિંહરાવ સરકારના આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાના નિર્ણયને ઈન્દ્રા સહાનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે જાતિ આધારિત અનામત પર 50 ટકાની મર્યાદા લાદી દીધી હતી. અત્યારે પણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એવા આ એડવોકેટ 10 ટકા ગરીબ સવર્ણ અનામતને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરવા લાગ્યા છે. કારણ કે, તેમનુ માનવું છે કે કેન્દ્ર સરકારના આ પગલાંથી જનરલ કેટેગરીમાં આવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોને તક ગુમાવવી પડશે. સુપ્રીમ કોર્ટ બંધારણની મર્યાદામાં રહીને તેની સમક્ષ આવતી બાબતોનું ઝીણવટભર્યુ અવલોકન, અભ્યાસ અને મૂલ્યાંકન કર્યા બાદ તારણ પર આવે છે. ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના કિસ્સામાં મામલો જો અદાલતમાં ગયો તો સરકારે કેટલું હોમવર્ક કર્યું છે અને 10 ટકા નિર્ધારીત કરવા પાછળ ક્યા આધારો લક્ષ્યમાં લીધા છે, તેનો સરકારે હિસાબ આપવો પડશે.

સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના એક અહેવાલ અનુસાર વર્ષ-2018માં અંદાજે 1.09 કરોડ ભારતીઓએ પોતાની નોકરી ગુમાવી છે. નોકરી ગુમાવનારાઓમાં ગ્રામિણ વિસ્તારના 91 લાખ અને શહેરી વિસ્તારના 18 લાખ લોકો સામેલ છે. આ અહેવાલ અનુસાર આનો સૌથી વધુ આર્થિક રીતે નબળા વર્ગો બન્યા છે. વર્ષ-2017માં નોકરી કરતા લોકોની સંખ્યા 4.79 કરોડ હતી જે ડીસેમ્બર-2018માં ઘટીને 3.97 કરોડ થઈ ગઈ છે. ભારત દેશની કોઈપણ સરકારે આજ સુધી રોજગારીના એવા આંકડાઓનું સુવ્યવસ્થિત સંકલન કોઈપણ સ્તરે કર્યું નથી, જેથી બેરોજગારી અંગેની ચોક્કસ માહિતી મળી શકે. આજે પણ જે આંકડાઓ ઉપલબ્ધ છે તે એકઠા કરવાનું કામ ખાનગી સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે. આવા અહેવાલોને ધ્યાને લઈએ તો છેલ્લા 27 મહિનામાં ભારતમાં બેરોજગારીનો આંક સૌથી ઉંચે જતો રહ્યો છે, જેનો દર 7.38 ટકા છે.

જ્યાં સુધી ગરીબ સવર્ણની વ્યાખ્યાની વાત છે તેમાં વાર્ષિક આવક એટલી ઉંચી રાખી છે કે દેશની મોટાભાગની સંખ્યા તેમાં આવી જાય છે ! આપણે ઈન્કમટેક્ષની જોગવાઈ જોઈએ તો વર્ષે રૂ.2.50 લાખ કમાનારને આવક વેરો ભરવો પડે છે અને બીજી તરફ સરકાર વર્ષે રૂ. 8 લાખ કમાનારને ગરીબ ગણાવી રહી છે. આ જ રીતે જેટલી નોકરીનું સર્જન થઈ રહ્યું નથી, તેનાથી વધારે નોકરીઓ ગુમાવી ચૂક્યાના કિસ્સાઓની વચ્ચે સરકાર નોકરીઓ આપવાની અનામત માટે ખાત્રી આપે છે !  એક ગણિત એવું સુચવે છે કે સરકારના આ અનામત આપવાની જાહેરાતનો અર્થ એ પણ છે કે દેશની 98 ટકા જનતાને અનામતમાં હવે આવરી લેવાઈ છે. અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે હાલના આંકડાઓ અને પરિસ્થિતિને ધ્યાને લઈએ તો અનામતની નવી પ્રથા પ્રમાણે આ જનતાને નોકરી આપતા 800 વર્ષ લાગી જાય તેમ છે ! અલબત્ત આવી અવાસ્તવિક બાબતોનો ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે, સંસદમાં જે બાબતો કેટલાંક કલાકો દરમિયાન જ નિર્ધારીત થઈ જાય છે અને તેની પાછળ કેટલો વિચાર-વિમર્શ, ચિંતન-મનન થાય છે તે સમજવા પુરતું છે !

 

રાજકીય રીતે જોઈએ તો સરકાર અને ખાસ કરીને ભાજપ યશ લેવા પ્રયત્ન કરશે અને કોંગ્રેસ ભાજપને એકલાને યશ મળતો રોકવાનો પ્રયત્ન કરશે. સંસદમાં એઆઈડીએમકેના સાંસદ નવનીતકૃષ્ણને ખરડાનો વિરોધ એટલા માટે કર્યો કે તેમના માનવા અનુસાર આ ખરડાથી સૌથી વધુ નુકસાન તામિલનાડુને થશે. પશ્ચિમ બંગાળના તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ-બ્રાયને નોકરીઓ ન હોવાની વાત કરી અને સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે સંસદમાં કહ્યું કે દેશમાં જ્યારે નોકરીઓ જ નથી ત્યારે આવી અનામત આપવાનો શું અર્થ છે ? બંધારણના મૂળભૂત માળખાને સંસદ બદલી શકે નહિં, તેવી સુપ્રીમનું હજુ સુધીનું વલણ બંધારણીય સુધારાના આ કિસ્સામાં કેવુ રહે છે તે પણ જોવું રહ્યું. બહુજન સમાજવાદી પાર્ટીએ આ ખરડાને સમર્થન આપવાની સાથે જાતિગત અનામત માટે પણ 50 ટકાથી વધારે અનામત માટે બંધારણમાં સુધારાની માંગણી કરી છે. સીપીઆઈના ડી રાજાએ અનામત માત્ર સામાજીક પછાતપણાના આધારે જ બંધારણમાં અપાઈ હોવાનો ઉલ્લેખ કરીને આર્થિક આધાર પર અનામતના મુદ્દા સાથે અસંમતિ જાહેર કરી છે.

આમ છતાં ઉડતી નજરે આનંદદાયક બાબત એ છે કે આપણા રાજનેતાઓએ રાજકીય કિંમત ચૂકવવાની ચિંતા છોડીને કમ સે કમ જાતિ આધારિત વિચારસરણીમાંથી દેશને બહાર લાવવા માટે એક ડગલું આગળ વધવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે, તે બદલ દેશના તમામ નીતિ નિર્ધારકોને અભિનંદન આપવા પડે. 

0Shares