- VICHAR BANK

ખેડૂતોને લોનમાફી એ સંવેદના કે રાજકારણની વિકૃત માનસિકતા ?

આપણા દેશની આ ખૂબી કહો કે વિચિત્રતા, દાયકાઓથી દેશની તિજોરીમાંથી અબજો રૂપિયા ગરીબો, વંચિતો અને ખેડૂતોના નામે વપરાય છે છતાં આ વર્ગની દયનીય હાલતમાં સુધારો જોવા મળતો નથી. આજકાલ દેશમાં ખેડૂતોને દેવામાફીનુ રાજકારણ પુરજોશમાં ચગેલુ છે. આમ તો આ નવુ નથી, પરંતુ વિશિષ્ટતા એ છે કે આ મુદ્દો હવે ખેડૂતની સમસ્યા ઉકેલવાના સંદર્ભમાં વિચારાવાના બદલે ચૂંટણી જીતવાની રણનીતિ ઘડવાની બાબતમાં રાજકીય પક્ષો માટે કેન્દ્રસ્થાને હાવી બની જય-પરાજય માટે નિર્ણાયક બનવા લાગ્યો છે. પરિણામ એ છે કે ખેડૂતની અવદશા સામે સંવેદનશીલતા ક્યાંય દ્રષ્ટિગોચર થતી નથી, ખેડૂતની અસલી સમસ્યાના ઉકેલની દિશામાં સર્વગ્રાહી ચિંતન થતુ નથી, વહિવટીસ્તરે અભ્યાસ ઓછો થતો રહ્યો છે, રાજકીય સ્તરે દૂરંદેશી અને ઈચ્છાશક્તિનો અભાવ સર્વત્ર જણાય છે, અર્થતંત્રની હાલત ડામાડોળ થતી જાય છે, બેંકો નબળી પડતી જાય છે, ભ્રષ્ટાચાર વધતો જાય છે અને ખેડૂત વધુને વધુ પાયમાલ થતો જાય છે. મહામહેનતે સમયસર લોન ચૂકવી દેતો ઈમાનદાર ખેડૂત હતાશ થતો જાય છે તે લટકામાં !

આવા વેદનાસભર નિષ્કર્ષ પર આવતા પહેલાં લાંબા સમય સુધી અનેક પ્રકારના આંકડાઓનો અભ્યાસ કર્યો છે, સરકારી તથા બિનસરકારી અહેવાલો પર નજર નાંખી છે, માધ્યમોના અહેવાલોને સમજવા પ્રયાસ કર્યો છે, જુદાં જુદાં સ્ત્રોતના આંકડાઓમાં અસમાનતા સામે વાસ્તવિક સ્થિતિ સમજવા માટે ખેડૂતવર્ગ સાથે રૂબરૂ વિચાર-વિમર્શ કર્યો છે, સરકારી યોજનાઓની કાગળ પર જાહોજલાલી અને ધરતી પર બેહાલી અનુભવી છે અને તેથી જ કૃષિપ્રધાન ગણાતા ભારતનો ખેડૂત કેમ આત્મહત્યા સુધીના વિચાર તરફ દોરાઈ જાય છે, તે સમજાઈ જાય છે.

એક તરફ સરકારોની જાહેરાતોમાં કૃષિક્ષેત્રના કાયાપલટ માટેની અઢળક કલ્યાણ યોજનાઓ અને બેસુમાર સિદ્ધિઓના યશોગાન જોવા-સાંભળવા મળે છે, તો બીજી તરફ કેટલાય રાજ્યોમાં ધોમધખતા તાપ અને કડકડતી ઠંડીમાં પણ રસ્તા પર ઉતરી પડતા ખેડૂત આંદોલનો એ વર્ષોથી જોવા મળતી આપણી વાસ્તવિકતા છે. સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલો રૂપિયો ખેડૂત સુધી પહોંચતો નથી તેના આ પ્રત્યક્ષ પ્રમાણો છે. ચોર પકડાય ત્યારે જ ચોરી થઈ છે તેવું માનવાની આપણી માનસિકતાના કારણે તંત્રમાં અને તંત્રની બહાર પેધી ગયેલા ચતુર ચોરો હજુ પણ ન પકડાતા હોય કે પકડવાની સરકારોની દાનત ન હોય, ત્યારે સમજી લેવુ પડે કે સત્તાધીશો દેશને એક એવા અગનખેલમાં લપેટી રહ્યા છે, જેમાં દેશની માત્ર પાયમાલી જ દ્રષ્ટિગોચર થાય છે.

સાવ હમણાંની જ વાત કરીએ તો ઉત્તરપ્રદેશની સરકારે રૂ.36,359 કરોડ અને મહારાષ્ટ્રની સરકારે રૂ. 30,000 કરોડની ખેડૂતો માટે દેવા માફી કરી ત્યારપછી પંજાબ, હરિયાણા, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવાની જે માંગણી ઉઠી તેનો આંકડો અધધધ.. કહી શકાય તેટલાં રૂ. 3 લાખ 10 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. બીજી રીતે કહીએ તો આ આંકડો એટલો મોટો છે કે વર્ષ-2017ના આખા દેશના બજેટમાં ગ્રામ્ય રસ્તાઓ કે જે કૃષિક્ષેત્રની આવક અને રોજગારી માટે ખૂબ મહત્વના કહી શકાય તેને માટે ફળવાયેલા નાણાંથી 16 ગણો વધારે છે ! એટલું જ નહિં, દેશના વર્ષ-2016-17ના જીડીપીના 2.6 ટકા જેટલો છે ! આટલા રૂપિયામાં કૃષિક્ષેત્રના વિકાસમાં ઉપયોગી એવા 4 લાખ 43 હજાર જેટલા વેરહાઉસીસ બનાવી શકાય અને છેલ્લા 60 વર્ષો દરમિયાન સિંચાઈની જે સુવિધાઓ પ્રાપ્ત છે તેમાં 55 ટકા જેટલો વધારો કરી શકાય !

મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પંજાબની સરકારોએ વર્ષ-2017માં જ દેવામાફી જાહેર કરી દીધી છે અને તે અમલીકરણ હેઠળ છે. ખેડૂતો કેટલા દેવાના બોજ હેઠળ છે તેનો આંકડો જોઈએ તો રાજસ્થાનના ખેડૂતો પર 82000 કરોડ, હરિયાણાના ખેડૂતોના માથે રૂ. 56000 કરોડ, મધ્યપ્રદેશના ખેડૂતોના માથે 74000 કરોડનું દેવુ છે. મધ્યપ્રદેશમાં 34 લાખ ખેડૂતોની રૂ. 2 લાખ સુધીની લોન માફ કરાઈ છે. છત્તીસગઢમાં 39.60 લાખ ખેડૂતોની રૂ. 7 હજાર કરોડ, આસામમાં 8 લાખ ખેડૂતોની રૂ. 600 કરોડની લોન માફ થઈ છે, પંજાબમાં 1 લાખ જેટલા નાના ખેડૂતોનું રૂ. 1771 કરોડનુ દેવુ માફ થયુ છે, કર્ણાટકમાં 22 લાખ ખેડૂતોનું રૂ. 50000 સુધીનુ દેવુ માફ થયુ છે, મહારાષ્ટ્રમાં 35.32 લાખ ખેડૂતોનું રૂ. 1.50 લાખ સુધીનુ દેવુ માફ થયુ છે, ઉત્તરપ્રદેશમાં 2.25 કરોડ ખેડૂતોનું રૂ. 1 લાખ સુધીનુ દેવુ માફ કરાયુ છે. ગુજરાત પર નજર કરીએ તો ખેડૂતોના માથે સરેરાશ રૂ. 38,100નું દેવુ છે. 42.6 ટકા ખેડૂત પરિવારો એટલે કે 16.74 લાખ ખેડૂતો દેવામાં ડૂબેલા છે. 58.71 લાખ પરિવારો પૈકી 49.30 લાખ પરિવારો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 16.74 લાખ ખેડૂતોએ સહકારી મંડળીઓ અને બેંકોમાંથી નાની મોટી લોન લીધેલી છે. ખેડૂતોના દેવાની આવી ગાથા ઘણી લાંબી અને પેચીદી છે. મહત્વનો મુદ્દો એ છે કે દેવામાફી પછી ખેડૂતોની હાલત સુધરી રહી છે કે નહિં, તેના પર જે અભ્યાસ અને સર્વેક્ષણો થયા તેના તારણો તદ્દન નિરાશાજનક છે.

છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ખેડૂતોની લોન જ્યારે જ્યારે માફ કરેલી ત્યારે એક મહત્વનુ કારણ ખેડૂતોની આત્મહત્યાનું પણ હતુ. આંકડાઓ દર્શાવે છે કે દેવામાફી પછીના વર્ષોમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓની સરેરાશમાં સુધારો જોવા મળ્યો નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ-2007માં એટલે કે યુપીએ સરકારે 18 રાજ્યોના 3 કરોડ જેટલા ખેડૂતો માટે જે લોન માફી કરેલી તે રાજ્યોમાં કુલ 16,379 ખેડૂતોએ આત્મહત્યા કરેલી. આમાંથી 4238 ખેડૂતો માત્ર મહારાષ્ટ્રના હતા. યુપીએ સરકારની લોન માફી પછી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે વધારાની રૂ. 6208 કરોડની લોન માફી કર્યા પછી પણ વર્ષ-2010માં ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં 6.2 ટકાનો વધારો નોંધાયો હતો. તેલંગાણામાં પણ આવું જ જોવા મળ્યું છે. તેલંગાણાએ વર્ષ-2014માં 36 લાખ ખેડૂતોને લાભ કરતા રૂ. 17000 કરોડની દેવા માફી કરેલી આમછતાં આ નવા બનેલા રાજ્યમાં તે જ વર્ષમાં 1347 ખેડૂતોએ આત્મહત્યા કરેલી અને વર્ષ-2015માં 1400 આત્મહત્યાના બનાવો નોંધાયેલા.

ખેડૂતોની સમસ્યા ઉકેલાતી નથી અને બેંકોના NPA એકાઉન્ટમાં સતત વધારો થતો રહ્યો છે. વર્ષ-2008 પછી કૃષિક્ષેત્રે અપાયેલી લોનની NPAમાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. વર્ષ-2009માં NPAની આ રકમ રૂ. 7149 કરોડ હતી જે તે વર્ષ-2013 સુધીમાં રૂ. 30,200 કરોડ સુધી પહોંચી ગયેલી. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ સંસ્થાના વર્ષ-2015માં કરાયેલા અભ્યાસ મુજબ, વર્ષ-2009 દરમિયાન ખાનગી બેંકો અને જાહેરબેંકોમાં નાના અને સીમાંત ખેડૂતોની કૃષિ તથા ગૃહ જેવી અન્ય જરૂરીયાતની લોનની NPA થયેલી 25 ટકા જેટલી હતી, તે વધીને 2013 સુધીમાં 41.8 ટકા સુધી પહોંચી ગઈ છે. લોન માફીના આ રાજકારણમાં 66 ટકા જેટલા નાના અને સીમાંત ખેડૂત વર્ગને લાભ મળતો નથી તેવું વિવિધ અભ્યાસમાં પુરવાર થયુ છે. અલબત્ત ખેડૂતોને દેવામાફીના નામે ચૂંટણીઓ જીતી જનારા પક્ષો એ ફોડ પાડતા નથી કે દેવામાફીમાં કઈ પ્રકારના ખેડૂતોને કેટલો લાભ મળવાનો છે. દેશના મોટાભાગના ખેડૂતોને પાક વાવેતરના સમયે યોગ્ય રકમની લોનની જરૂર પડે છે તે સમયસર ન મળવાના કારણે ખાનગી સ્ત્રોત પાસેથી વ્યાજના ઉંચા દરે તેને લોન લેવી પડે છે, તે વળી બીજી સમસ્યા છે.

વર્ષ-2008માં યુપીએ સરકારની દેવામાફી યોજના પછી CAG દ્વારા 2013માં એક અભ્યાસ હાથ ધરાયેલો. આ અભ્યાસના તારણો પણ ચોંકાવનારા છે. તે સમયે કેન્દ્ર સરકારે રૂ. 52000 કરોડ ખેડૂતોની લોન માફી માટે ખર્ચેલા. CAGનો હેતુ એ હતો કે ખર્ચાયેલા નાણાં સીધા ખેડૂત સુધી પહોંચ્યા છે કે કેમ ? માફી યોજનાની માર્ગદર્શિકાનુ બરાબર પાલન થયું છે કે કેમ ? ખેડૂતોને ધિરાણ કરતી સંસ્થાઓએ અસરકારક રીતે સમયસર જવાબદારી નિભાવી છે કે નહિ ? ડીપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ કે જે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત છે તેના તાબા હેઠળ અમલીકરણની જવાબદારી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નાબાર્ડ આ યોજનાના ચુસ્ત અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત હતી. ધિરાણ સંસ્થાઓમાં શીડ્યુલ્ડ કોર્મશિયલ બેંકો, અર્બન કો-ઓપરેટિવ બેંકો તથા સ્થાનિક ક્ષેત્રોની બેંકો તેમા સામેલ હતી.

આ અભ્યાસ દરમિયાન એ જાણવા મળ્યું કે 13.5 ટકા જેટલા લાભાર્થીઓને ધિરાણ સંસ્થાઓએ લાભ મળવા પાત્ર હોવા છતાં તેને લાભ આપ્યો નહોતો. એનાથી ઉલટુ, 8.5 ટકા લાભ મેળવેલા લાભાર્થીઓ એવા હતા, જેઓના લાભાર્થીઓની યાદીમાં નામ જ નહોતા. અસંખ્ય નાણાં સંસ્થાઓના રેકોર્ડઝ પર એવી માહિતી પ્રાપ્ત થઈ જેમાં લોન માફીની યોજના હેઠળ જે માર્ગદર્શિકા હતી તેને અનુસરવામાં આવી નહોતી. રૂ. 20.5 કરોડની રકમ આવા ખોટા લાભાર્થીઓને ચુકવાઈ હતી. બેંકો દ્વારા સરેઆમ માર્ગદર્શિકાઓનો ભંગ થયેલો જોવા મળ્યો. CAGના વિસ્તૃત અહેવાલમાં આવી ગેરરીતિ માટે નાણાં સંસ્થાઓ તથા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટેની ભલામણ પણ કરાયેલી છે. આમ છતાં આગળ કશું થયુ નથી. આવા બીજા અનેક કારણો છે જે દેવામાફી યોજનાને પણ નિષ્ફળ સાબિત કરે છે.

હકિકત એ છે કે ખેડૂતોનુ દેવુ તે સમસ્યા નહિં, પરંતુ અસલ સમસ્યામાંથી પેદા થયેલી એક ઉપજ છે. ખેડૂતોની આવક બમણી કરવાની નેમ એ સ્લોગન તરીકે મોહક છે, પરંતુ તેને ચરિતાર્થ કરવા માટે ખેડૂતો પ્રત્યે સંવેદના, શાસક તરીકે કર્તવ્યભાવના, દૂરંદેશી, ભગીરથ પુરૂષાર્થ તથા નિર્ણાયક રાજકીય ઈચ્છાશક્તિ જોઈશે, અન્યથા લોનમાફી એ માત્ર રાજકારણની વિકૃત માનસિકતા જ સાબિત થતી રહેશે.

0Shares