- VICHAR BANK

ધર્મઝનૂન, મતબેંકનું રાજકારણ અને ખાલિસ્તાનનો સળવળાટ

ભારતના ઈતિહાસમાં નાની-મોટી અનેક દુર્ઘટનાઓ એવી છે જેની પાછળ મહદ્દઅંશે  ધર્મઝનૂન અને મતબેંકનુ રાજકારણ કારણભૂત રહ્યા છે. વ્યક્તિગત, સામાજીક, ધાર્મિક, પ્રાદેશિક કે સાંસ્કૃતિક બાબતોમાં સંવેદનાઓને ભડકાવી જુદી જુદી રીતે ઉશ્કેરણી અને ષડયંત્રોને અંજામ આપવા સુધીની કડીઓ મેળવી તેને સમજવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો સ્પષ્ટ જણાય છે કે, હિન્દુસ્તાનની ધર્મભીરૂ અને લાગણીપ્રધાન પ્રજાની સ્વાભાવિક ખાસિયતોનો દુરૂપયોગ કરવામાં આતંકવાદીઓ, અલગાવવાદીઓ, વિદેશી શત્રુઓની વાત દૂર, પરંતુ દેશના જ રાજકીય પક્ષો, રાજકારણીઓ અને ધર્મઝનૂનીઓ સૌથી આગળ છે અને દુર્ઘટનાઓ પાછળ સાચા અર્થમાં તેઓને જવાબદાર ગણી શકાય તેમ છે.

બંધારણ મુજબ ચૂંટણી જીતવાના રાજકારણમાં માથાઓની સંખ્યા મહત્વની હોવાથી મતબેંકનું રાજકારણ જે વિકૃત સ્વરૂપે આપણા દેશમાં ફૂલ્યુ ફાલ્યુ છે, તે લોકશાહી પદ્ધતિની કમનસીબી છે. આ એવુ રાજકારણ છે, જેમાં માથાઓની સંખ્યા પોતાના પક્ષે કરવાની રણનીતિમાં વ્યક્તિગત, સમાજ, સમુદાય કે રાષ્ટ્રના હિતને જોવામા આવતુ નથી, પરંતુ સત્તા કબ્જે કરવાની બાબતને જ સર્વોચ્ય પ્રાથમિકતા અપાય છે. આવી રણનીતિ ‘ષડયંત્ર સ્વરૂપ’ હોય તો પણ ચતુર રણનીતિ તરીકે તેનુ મહિમામંડન થવા લાગે છે.

તાજેતરમાં પંજાબમાં અમૃતસર નજીક એક નાનકડા ગામમાં નિરંકારી ભવન ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં ત્રણ નિર્દોષ નાગરીકોના મૃત્યું અને કેટલાક ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થયા બાદ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે પંજાબમાં ફરી ખાલિસ્તાનનું ભૂતે તો ધૂણવાનુ શરૂ કર્યું નથીને ? ભૂતકાળમાં પંજાબમાં સ્વાયત્ત ખાલિસ્તાનના ઓઠા હેઠળ આતંકવાદે જે રીતે કાળોકેર વર્તાવેલો અને પરિણામસ્વરૂપ દેશને તેના હજારો નિર્દોષ નાગરીકો, કેટલાક સૈનિકો, ભારતીય સૈન્યના વડા રહી ચૂકેલા જનરલ એ.એસ.વૈદ્ય અને દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ગુમાવવાનો વખત આવેલો તે, ઈતિહાસ સર્વવિદિત છે. આજે ચાર દાયકા બાદ ફરી જો ખાલિસ્તાનનું ભૂત ધૂણવા લાગ્યુ હોય તો તેની પાછળ ક્યા કારણો જવાબદાર છે તે આજનો સૌથી ગંભીર સવાલ છે.

ધર્મઝનૂનની વાત કરીએ તો ભારતમાં કોમી રમખાણોનો ઈતિહાસ લાંબો છે, પરંતુ બહુ પાછળ ન જઈએ તો 1984ના શીખ વિરોધી રમખાણો, 1992માં બાબરી ધ્વંસ પછી અને 2001માં ગોધરા હત્યાકાંડ પછીના ગુજરાતના કોમી રમખાણોએ ભારતના વર્તમાન રાજકારણ પર ખાસ્સો દુષ્પ્રભાવ પાથર્યો છે. ત્રણેય કિસ્સાઓમાં ધર્મ આધારિત ઝનૂન કેન્દ્રમાં હતુ. મતબેંકના રાજકારણ પર વિચારીએ તો દુર્ઘટના પછી અસરગ્રસ્ત સમુદાયોના અને દેશવાસીઓના હ્વદય-મન પર થયેલા ઘાવોને સતત તાજા રાખવાના પ્રયાસો આપણા રાજકીય પક્ષો કરતા રહ્યા છે. ‘ઈતિહાસ યાદ રાખવો જોઈએ’ની પૂર્વ શરત એ છે કે ઈતિહાસ ગૌરવશાળી હોય. ઈતિહાસના કાળા અધ્યાયોને ભૂલવામાં જ શાણપણ છે, તે વાત આપણા રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષોના રણનીતિકારો સ્વીકારવા તૈયાર નથી કારણ કે, તેમાં ઓછી મહેનતે અને વગર જવાબદારીએ એક સાથે સમુદાયો કે ટોળાઓને પોતાના તરફ આકર્ષી શકાય છે અને પ્રતિસ્પર્ધીથી વિમુખ વિમુખ કરી શકાય છે.

પંજાબની હાલની પરિસ્થિતિ અને ખાલિસ્તાનની વાત કરીએ તો જે નિરંકારીઓ પર હુમલો થયો તે શીખ ધર્મની અંદર જ 1929 પછી ઉભરી આવેલો એક નવો સંપ્રદાય છે. આ સંપ્રદાયે શીખ ધર્મની ગુરૂગ્રંથ સાહેબને ગુરુ માનવાની પરંપરાને સ્થાને વ્યક્તિને ગુરુ માનવાની પરંપરા સ્થાપિત કરી છે. નિરંકારીઓ પણ ગુરુગ્રંથ સાહેબમાં શ્રદ્ધા તો ધરાવે છે, પરંતુ તેમનુ માનવુ છે કે ગુરુગ્રંથ સાહેબ સમજાવવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડે છે અને તે વ્યક્તિ એ ગુરુ છે. નિરંકારી મિશનના ગુરુ બાબા અવતારસિંહ દ્વારા રચિત વાણીને ‘અવતારવાણી’ એવુ નામ આપવામાં આવ્યુ છે. શીખ વિદ્વાનોનો આરોપ છે કે તેમાં શીખ સંકલ્પ સાથે છેડછાડ કરવામાં આવી છે. 1929મા હાલ પાકિસ્તાન ખાતે રહેલા પેશાવરમાં બાબા બૂટાસિંહે નિરંકારી મિશનની શરૂઆત કર્યા બાદ બાબા અવતારસિંહ, બાબા ગુરુબચન સિંહ, માતા સવિન્દર હરદેવ અને માતા સુદીક્ષા એમ નિરંકારીઓના ગુરુ થયા છે. હાલ માતા સુદીક્ષા જ નિરંકારીઓના ગુરુ છે. ભૂતકાળમાં પંજાબમાં આતંકવાદની શરૂઆત અકાલીઓ અને નિરંકારીઓ વચ્ચેની અથડામણથી થઈ હતી. 1978ની 13મી એપ્રિલે બૈશાખીના એક દિવસ પહેલા અમૃતસરમા બૈશાખી ભવન પર હુમલો થયો હતો, જેમાં 13 અકાલીઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો વિરોધ કરવા અકાલીઓની જે રેલી નિકળેલી તેમાં અગ્રહરોળમાં એક જરનૈલસિંહ ભિંદરણવાલે હતો. આ એ જ ભિંદરણવાલે જે આગળ જતા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ભારતીય સૈન્યના ઓપરેશન બ્લ્યુ સ્ટાર દરમિયાન ખાલિસ્તાન ચળવળના સૌથી મહત્વના નેતા તરીકે મરાયો હતો. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પણ ખાલિસ્તાનના ઓઠા હેઠળ વકરી ઉઠેલા આતંકવાદનુ પરિણામ હતુ અને ત્યારબાદ 1984માં શીખ વિરોધી રમખાણો ફાટી નિકળ્યા હતા.

મોટે ભાગે એવુ બનતુ હોય છે કે મુઠ્ઠીભર અસામાજીક તત્વોના કારણે ‘સુકા ભેગુ લીલુ બળે’ એ રીતે સમગ્ર સમુદાયને કલંકિત થવુ પડતુ હોય છે અને તેના માઠા ફળો વગર વાંકે ભોગવવા પડતા હોય છે. 1984માં પંજાબમાં 1 કરોડ 67 લાખ શીખોની વસ્તીમાં શરૂઆતમાં 300 જેટલા જ આતંકવાદીઓ હતા. આ આતંકવાદીઓએ ભય, લોભ અને સત્તા ધરાવતા લોકોના પીઠબળ થકી અન્ય કેટલાકને પોતાની સાથે જોડ્યા હતા. જે દિવસે ઓપરેશન બ્લ્યુ સ્ટાર થયુ હતુ તે દિવસે અકાલીઓના ગુરુ બાબા અરજણ દેવજીનો શહીદ દિન હતો, જે હરમંદિર સાહેબના સ્થાપક હતા. આના કારણે શીખ સમુદાયની લાગણી વધુ સંવેદનશીલ બની ગઈ અને બ્લ્યુ સ્ટાર ઓપરેશનનુ સૈન્યમાં જેમણે નેતૃત્વ કરેલુ તે જનરલ વૈદ્ય અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ‘શીખ વિરોધી કૃત્ય’ બદલ હત્યા કરી દેવામા આવી. ઈન્દિરાની હત્યા બાદ લોકરોષ હજારો નિર્દોષ શીખોની હત્યામાં પરિણમ્યો. રાજકારણીઓ શીખોની વેદના ભૂંસાઈ ન જાય તેની ખાસ તકેદારી રાખીને આજે પણ શીખ વિરોધી રમખાણોને યાદ કરાવ્યે રાખે છે. આવુ જ બાબરી ધ્વંસ અને ત્યાર પછીના રમખાણોના સંદર્ભમાં જોવા મળે છે. ગોધરાકાંડ અને ત્યાર પછીના ગુજરાતના રમખાણોની બાબતમાં પણ રાજકીય પક્ષો વચ્ચે જે હુંસાતુસી અને ચડભડ ચાલી રહી છે, તે મતબેંકના રાજકારણ માટે લોકોની ધાર્મિકભાવનાને ભડકાવીને ખેલાતા રાજકારણનું પ્રમાણ છે. આ પ્રકારના રાજકારણની ફળશ્રુતિ લોકસમુદાયો વચ્ચે વૈમનસ્ય અને નફરત ફેલાવવામા સફળતા સિવાય બીજી કોઈ ગણી શકાય તેમ નથી.

આવુ જ રાજકારણ ભારતની બહાર પણ જોવા મળે છે. કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં ત્યાંના સ્થાનિક રાજકારણને લઈને ખાલિસ્તાનની ચળવળને પ્રોત્સાહિત કરાઈ રહી છે, જેના અનેક પ્રમાણો નજર સમક્ષ આવતા જાય છે. વાચકોને યાદ હશે જ્યારે થોડા સમય પહેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટૂડો ભારત આવેલા ત્યારે અહેવાલો એવા હતા કે ભારત સરકારે તેમને આવકાર આપવામાં ખાસ ઉમળકો દાખવ્યો નહોતો. આની પાછળનુ કારણ પણ એ હતુ કે ટૂડોએ પોતાના દેશમાં ખાલિસ્તાની સંગઠનોનું સમર્થન કરેલુ. ટૂડોને પણ પોતાના પ્રદેશમાં રહેતા બહોળા શીખ સમુદાયના સમર્થનની જરૂર રહે છે અને મતબેંકના રાજકારણને લઈને જ ભારત જેવા લોકશાહી દેશને પણ નારાજ કરવાની નીતિ (!) અખત્યાર કરવામાં સંકોચ થતો નથી. કેનેડામાં અંદાજે 12 લાખ ભારતીયો રહે છે જે ત્યાંની કુલ વસતિના 3 ટકા છે. કુલ ભારતીયોમાં શીખોની સંખ્યા ત્રીજા ભાગની છે. આજે પણ જસ્ટિન ટૂડેની સરકારમા 4 શીખ મંત્રી છે. જસ્ટિન ટૂડેની મજબુરી એ છે કે ત્યાં 38 વર્ષના શીખ નેતા જગમીતસિંહ સરકાર સામે પડકાર બનવાની ક્ષમતા ધરાવે છે. ઓન્ટારીઓ પ્રાંતના રાજકારણમાં જગમીતસિંહે શીખોમાં વધુ લોકપ્રિય બનવા માટે 2016માં ત્યાંની એસેમ્બલીમાં એક દરખાસ્ત રજૂ કરેલી, જેમાં ભારતના 1984ના શીખ વિરોધી રમખાણોનો નરસંહાર તરીકે ઉલ્લેખ કર્યો હતો. જગમિતસિંહ કેનેડામાં જનસભાઓમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભારતના પંજાબ જેવા રાજ્યોમાં જનમત સંગ્રહ મૂળભૂત અધિકાર હોવો જોઈએ ! આ જ કારણે જગમિતસિંહને 2013માં ભારત આવવા માટેના વિઝા મળ્યા નહોતા. બ્રિટનમા રહેતા શીખ સમુદાયમાં પણ આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી રહી છે.

પાકિસ્તાન જેવા દેશો કોઈપણ રીતે ઈચ્છે કે ભારત નબળુ પડે. આથી તે કાશ્મીર હોય કે પંજાબ, અલગતાવાદી પરિબળો પ્રત્યે તે સહાનુભૂતિ ધરાવે અને રણનીતિક સમર્થન પણ પુરું પાડે તે સ્વાભાવિક છે. ભારતીય સૈન્યના વડા બીપીન રાવતે હમણા કહેલું કે પંજાબમાં આતંકવાદનો ખતરો નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. આપણી સુરક્ષા એજન્સીઓ અને પંજાબ પોલીસ પણ સતર્ક હશે તેવુ માનીએ તો પણ જે રીતે વર્ષોથી આપણાં રાજકારણમાં ધર્મઝનૂન અને મતબેંકનું રાજકારણ પોતાનો દુષ્પ્રભાવ પાથરી રહ્યું છે, તેના પર કોઈને કોઈ રીતે અંકૂશ નહિં આવે ત્યાં સુધી અગલતાવાદી પરિબળો કે આતંકવાદીઓ પોતાની મેલી મુરાદ પાર પાડવા ખાલિસ્તાન જેવી ચળવળોના નામે વધુને વધુ બળુકા બનતા જ રહેશે.

ભૂતકાળમાં અખંડ ભારતના ભાગલામાં પણ ધર્મઝૂનૂન કારણભૂત હતુ. એટલું જ નહિં, આઝાદી બાદ રચાયેલુ સ્વતંત્ર ભારત પણ કેટલાયે પ્રદેશોમાં સ્વાયત્તતાના નામે અલગતાવાદી પરિબળોના ત્રાસની વેદના વેઠી ચૂક્યું છે, ત્યારે ઈતિહાસમાંથી બોધપાઠ લઈને ભારતની અખંડિતતાની રક્ષા માટે ધર્મઝનૂન અને મતબેંકના રાજકારણથી સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. જૂની હિન્દી ફિલ્મના દેશભક્તિ પર શકીલ બદાયુનીએ લખેલા અને મોહમ્મદ રફીએ ગાયેલા એક મશહૂર ગીતની સુંદર પંક્તિઓ યાદ રાખવા જેવી છે… ‘એક ધોખા ખા ચૂકે હૈ, ઔર ખા સકતે નહિં..’

 

સુધીર એસ. રાવલ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

0Shares